Charchapatra

નામ અને કામ

ભલે ને શેકસપિયરે કહ્યું હોય કે ‘નામમાં શું બળ્યું છે?’ મોટા ભાગનાં લોકોમાં માનવસહજ વૃત્તિ હોય છે. તેમનું નામ આવવું જોઇએ. પ્રસિદ્ધિ, પ્રશંસા મળવા જોઇએ. પ્રચાર માધ્યમોને તેથી ફાયદો થતો રહે છે. ખંધા રાજકારણીઓ પોતાનું નામ વંચાતું રહે, ગૂંજતું રહે અને ભલે ને ભ્રામક તરકીબ, જુઠાણું ચલાવાય પણ નામ જાહેર થતું રહેવું જોઇએ. આ તો થઇ વ્યકિતગત અને ગોબેલ્સ પ્રચારની વાત, પણ હવે ઇતિહાસની, ભૂગોળની નોંધમાંયે પોતાને અનુકૂળ નવાં નામ ફોઇબાની ભૂમિકા સાથે, સત્તાના જોર પર અપાય છે. સળગતી સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા પણ નામ બદલવા જેવી ભાવના ઉત્તેજિત કરવા, પોતાની નિષ્ફળતા સંતાડવા નામ બદલવાના ખેલ થતા રહે છે.

ખરી જરૂરત તો છે જનકલ્યાણ અને વિકાસ, સેવાનાં કામો કરવાની, જરૂરત પડયે દેશને માટે ઘસાઇ છૂટવાની, કુરબાન શહીદ થઇ જવાની. શેરી મહોલ્લાઓથી માંડી, શહેરો, વિદ્યાધામો, જાહેર સંસ્થાઓ વગેરેના નામ મેલી મુરાદથી ફેરવી નાંખવાને બદલે તેને ઉપકારક થઈ પડે તેવાં કામ કરી બતાવવાની. નામને બદલે કામને મહત્ત્વ, અગ્રતા મળવાં જોઇએ. રસ્તાઓનાં નામોને બદલવાથી દેશનો ઇતિહાસ કાંઇ બદલાઇ જતો નથી, તેમાં ઇતિહાસની અને રાજકારણની ભેળસેળ થઇ જાય છે. નામોને ભૂંસી નાંખવાથી તેમની હકીકત કે ઇતિહાસ ભૂંસાઇ જતાં નથી.

અધિકારપૂર્વક ઉપજેલી નામના સાચા અર્થમાં મળે અને લોકો તરફથી ઓળખ પ્રાપ્ત થાય તે જ આદર્શ કહેવાય. મહાત્મા, લોકમાન્ય, નેતાજી જેવાં સંબોધનો, વિશેષ નામો લોકોના પ્રેમાદરથી વરસ્યાં હતાં એ મહાનુભાવોના અમૂલ્ય પ્રદાન, ઐતિહાસિક કામો તેમાં પ્રગટ થાય છે. બનાવટી નામથી બનાવટનાં કામો પણ થાય છે. ઉપનામથી સાહિત્ય સર્જનારાં ઘણાં છે. ફિલ્મ અભિનેતાઓમાં ઘણાંનાં અસલી નામો તો પરદા પાછળ જ રહે છે. ગુનાખોરીમાં નકલી નામો વધુ ચાલે છે. પરાક્રમને કારણે પણ લોકો દ્વારા ખાસ નામ મળી જાય છે. નામ અમર થઇ જાય છે. સખાવતનાં સ્થાનો દાતાઓનાં નામોથી વિભૂષિત થઇ રહે છે. નામ ભલે ભૂલાય, પણ કામ ન વિસરાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top