Charchapatra

નામાભિધાનની ગમ્મત

મહાનગર સુરતમાં રામપરા અને રામનગર છે તો શેતાનનું નામ રોશન કરતું શેતાનફળિયું પણ છે. બેગમ વિનાના બેગમવાડી, બેગમપરા ચાલે છે, રાણી સિવાય રાણીતળાવ છે, જયાં તળાવનું અસ્તિત્વ જ નથી. એ જ રીતે ગોપી વિના જ ગોપીતળાવ પર વિહારધામ બન્યું છે. સદીઓ પહેલાં આગમાં જલી ગયેલા વિસ્તારને નવેસરથી આબાદ થયાનાં વર્ષો પછી પણ નવાપરા તરીકે ઓળખાય છે. લીમડાના ઝાડ વિના લીમડાચોક, ઝાંપા વિના  એટલે કે મોટા દરવાજા વિનાનું સ્થળ ઝાંપાબજાર તરીકે જ વિખ્યાત છે. તળાવમાં કાંઇ ભાગી જતું નથી અને જયાં તળાવ પણ નથી તે વિસ્તાર ભાગાતળાવ કહેવાય છે. જયાં સંગ્રામ વિના શાંતિ પ્રવર્તે છે તે સગરામપરા ગણાય છે. તે જ રીતે કોટ વિસ્તારનો માર્ગ કોટસફીલ રોડ છે.

આજે વધતી મોંઘવારી અને વિકાસની સ્થિતિમાં નાણાંનો વટ પૂર્વવત્ રહ્યો નથી છતાં નાણાવટ સ્થળ છે, સોદાગર વિના સોદાગરવાડ મોજૂદ છે અને આનંદ ઉપજાવતા મહેલ વિના આનંદ મહેલ રોડ ધમધમે છે. રેસ માટે જયાં હવે ઘોડા દોડતા નથી, છતાં ઘોડદોડ રોડ પ્રખ્યાત છે, પઠાણવાડામાં પઠાણો નિવાસ કરતા નથી અને કુબેરનગરમાં ધનકુબેરો રહ્યા નથી. કાંસકીની હાટડી નથી તે કાંસકીવાડ અને ફૂલો વરસતાં નથી તે ફૂલપાડા કહેવાય છે. તાડનું ઝાડ કે થડ નથી તે તાડવાડી અને પહેલવાનો, રૂસ્તમ વસતા નથી તે રૂસ્તમપરા પણ અહીં છે.

રાજાવાડીમાં કોઇ રાજા નથી અને વાડી વિનાનું સ્થળ વાડીફળિયા કહેવાય છે. પીપળાના વૃક્ષ વિના પીપલોદ જાણીતું છે. ગંધાતી ખાડી ભલે ઉદ્‌ભવે પણ એક વિસ્તાર મીઠી ખાડી તરીકે ઓળખાય છે. હોકી સાથેનો કોઇ બંગલો નથી છતાં તે સ્થળ હોડી બંગલા તરીકે જાણીતું છે. વાવ વિનાનો મહોલ્લો વાવશેરી ગણાય છે. અને ઢીંગલી જયાં દેખાતી નથી તે ઢીંગલી ફળિયું પણ છે. મોગલોની સહાય એટલે કે ધર્મશાળા રહી નથી તે મુગલીસરા તથા જયાં આમલીનું રાન એટલે કે વન નથી તે સ્થળ આમલીરાન તરીકે ઓળખાય છે. હવાડિયા ચકલામાં હવાડો નથી, હાથી ફળિયામાં હાથી જોવાનો નથી. અદ્‌ભુત કલ્પના સાથે પાણીની ભીંત પણ અસ્તિત્વ ધરાવે છે, જે રીતે આંબા વિનાની આંબા વાડી સ્થળ છે. લાલ રંગના દરવાજા વિનાનો વિસ્તાર લાલ દરવાજા તરીકે જાણીતો છે. માછલીપીઠમાં માછલીની પીઠનાં દર્શન થતાં નથી. નામાભિધાનની આ બધી ગમ્મત છે, ભલે સંમત ન થવાય.
સુરત યૂસુફ એમ. ગુજરાતી  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top