Comments

નૈતિકતા પણ ભાર વગરની હોય તો જ તેનો અર્થ સરે છે

આપણા દરેક પાસે કોરા પ્રમાણપત્ર તૈયાર જ હોય છે. બસ આપણે રાહ જોઈ બેઠા હોઈએ છીએ કે આરોપીના પાંજરામાં કોણ ઊભુ છે, જો કે દરેક વખતે આરોપીને પાંજરામાં હોય તે તમામ માટે ન્યાયના કાંટલા સરખા હોતા નથી. આરોપી જોઈ ન્યાયના કાંટલા પણ બદલાઈ જતા હોય છે. જો આપણી પરિચીત અથવા આપણને ગમતી વ્યકિત પાંજરામાં આવી જાય તો આપણો ન્યાય અને પ્રમાણપત્ર બદલાઈ જતુ હોય છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોંલકી અને તેમના વચ્ચે ચાલતો પારિવારિક વિવાદ વાયરલ બન્યો. કદાચ ભરતસિંહના અને તેમની પત્નીના 5 – 10 નજીકના સંબંધી અને મિત્રો સિવાય આ પ્રશ્ને કોઈને ન્હાવા નીચવવાવો સંબંધ ન્હોતો. છતાં તમે, હું અને આપણે હાથમાં ન્યાયનો દંડ લઈ ઊભા થઈ ગયા.

ભરતસિંહે આવું કેમ કર્યુ? આપણા નેતાઓનું જીવન ખાડે ગયુ છે વગેરે વગેરે નિવેદનો થવા લાગ્યા હતા. ભરતસિંહનો આ પ્રકારનો વિવાદ વાયરલ થાય, તેની મઝા વિરોધ પક્ષ તરીકે ભાજપને પડે તે તો સમજાય પણ ખુદ કોંગ્રેસીઓ પણ ખાનગીમાં મઝા લઈ રહ્યા હતા. આખી ચર્ચાનો સાર નૈતિકતાનો હતો. આ સંદર્ભમાં અનેક પત્રકારોએ સ્ટોરી લખી તેમ મેં પણ એકાદ બે સ્ટોરી લખી પણ આખી ઘટનાને સમજવાનો અને સમજાવવાનો દ્રષ્ટીકોણ જરા જુદો હતો. જેના કારણે મોટી સંખ્યામાં વાચકો નારાજ થયા, કારણ હવે એવો સમય આવ્યો છે વાચકોની અપેક્ષા એવી હોય છે કે તેમને જે પસંદ છે તેવી જ વાત તમારે કરવાની હોય છે.

જો તમે તેમને પસંદ નથી તેવી કોઈ વાત લખો અથવા બોલો તો તમારી ઉપર પ્રશ્નોના મારા સાથે આરોપો પણ થવા લાગે. હવે પહેલો સવાલ એવો છે કે ભરતસિંહ સોંલકીએ જે કર્યુ તે નૈતિક છે કે નહીં તે નક્કી કરનાર આપણે કોણ છીએ? ભરતસિંહનો પારિવારિક મામલો છે. ત્યાં સુધી તેમના પરિવાર સિવાય આ મામલે કોઈને બોલવાનો અધિકાર નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જો ભરતસિંહ પરિવારની મદદ માગે તો પરિવારના સભ્યોએ બોલવું જોઈએ. કારણ આખો પ્રશ્ન એક સ્ત્રી અને પુરૂષનો અત્યંત વ્યકિતગત છે. મેં એવા અનેક પરિવારો જોયા છે, જેમાં એક પુરુષ સાથે બે સ્ત્રીઓ પત્ની બની રહે છે.

આ બે સ્ત્રીઓને એક જ પુરૂષની પત્ની થવામાં વાંધો નથી. આ બે સ્ત્રીના સંતાનને બે માતા હોવાનો વાંધો નથી પણ ‘આવું થોડું ચાલે’ કહી આપણે નૈતિકતાનો દંડો પછાડીએ છીએ. જેમ શ્વાસ લેવો તે વ્યકિતગત બાબત છે, તેવી જ રીતે કઈ બાબતને નૈતિકતા માનવી અને તે રસ્તે કોણે ચાલવું તે પણ વ્યકિતગત બાબત છે. મારા ઘણા મિત્રો છે જેમને અનેકો સાથે સંબંધ છે. તેમને હું મઝાકમાં કહું છું કે ખરેખર અમે જ્યારે તમારી ટીકા કરીએ છીએ ત્યારે તેને ટીકા સમજવી નહીં, કારણ તેમાં ટીકા કરતા ઈર્ષાનો ભાવ વધારે હોય છે.

મને તક મળી નથી અથવા મારામાં હિમ્મત નથી. તેના કારણ જેમને સંબંધો છે તેમની હું ટીકા કરું છું અથવા મને ટીકા કરવાનો અધિકાર મળ્યો છે તેવું હું માની લઉં છું. આમ દરેકનો શ્વાસ અલગ છે, તેમ નૈતિકતા પણ અલગ છે. રસ્તા ઉપર શાકની લારી ખેંચતી મહિલાને બીડી પીતી જોઈએ ત્યારે આપણને કાંઈ અજુગતું લાગતું નથી પણ અમદાવાદ IIM બહાર કોઈ યુવાન છોકરી સીગરેટ પીતી જોઈએ ત્યારે આપણને લાગે છે, કે સંસ્કૃતિનું પતન થઈ ગયુ છે!

ભરતસિંહ સોલંકીનો ગુનો એટલો જ છે કે તેમના સંબંધોનો વિવાદ જાહેર થયો. બાકી આપણા દેશમાં ભરતસિંહ જેવી સ્થિતિ લાખો લોકો છે. તેમના ઘરમાં પણ વિવાદ હશે પણ તેઓ નેતા નથી, તેના કારણ તેમની ઉપર નૈતિકતાનું પોટલું આપણે મુકતા નથી. માણસ નેતા હોય કે લારી ખેંચનાર મજુર બંન્નેના વ્યકિતગત જીવન તેમની વ્યકિતગત બાબત છે, પણ આપણે ત્યાં તકલીફ એવી છે કે જેઓ જાહેર જીવનમાં છે તેમણે બધા નિયમો પાળવા જોઈએ તેવી અપેક્ષા આપણે રાખીએ છીએ. આ મુદ્દે માત્ર ભરતસિંહનો નથી, પાટીદાર આંદોલન વખતે હવે ભાજપમાં ગયેલા હાર્દિક પટેલની એક CD વાયરલ થઈ હતી, જેમાં હાર્દિક કોઈ હોટલમાં કોઈ મહિલાઓ સાથે હતો. હાર્દિકની CD વાયરલ થઈ ત્યારે પણ મેં કહ્યું પાટીદાર આંદોલન અને હાર્દિકનો સંબંધ કોઈ મહિલા સાથે હોવો તે અલગ બાબત છે.

હાર્દિકના આ સંબંધ સામે કોઈને વાંધો હોય તો હાર્દિકના માતાપિતા, બહેન અને પત્નીને હોવો જોઈએ. જ્યાં સુધી રાજનેતા હોય કે અધિકારી હોય તેમના વ્યકિતગત સંબંધો પ્રજા તરીકે આપણને અસર કરતા નથી, ત્યાં સુધી આપણે તે મુદ્દે શું કામ પડવું જોઈએ. ભરતસિંહનો વિડીયો વાયરલ થયો ત્યાર બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તે સવારે જ મારે તેમની સાથે ટેલીફોનિક વાત થઈ હતી. મેં મારો મત વ્યકત કરતા તેમને જણાવ્યું હતું કે આ મુદ્દે તમારે કોન્ફરન્સ કરી સ્પષ્ટતા કરવાની જરૂર નથી, કારણ તમને પ્રશ્ન પુછવાનો અધિકાર માત્ર તમારા પરિવાર સિવાય કોઈને નથી. ખેર! પણ તેમને લાગ્યું પાણી માથા ઉપરથી વહી રહ્યું છે અને તેમણે પોતાનો પક્ષ મુકવા માટે કોન્ફરન્સ કરી હતી.

આપણે ભરતસિંહના પારિવારિક વિવાદ હોય કે હાર્દિકની CDના મામલે ચર્ચા કરીએ, તેના પરિણામ સ્વરૂપ આપણે ગેસનો બાટલો કે પેટ્રોલ સસ્તુ મળવાનું હોય, આપણને સસ્તાના અનાજની દુકાને 5 Kg ઘઉ વધારે મળવાના હોય તો ચોક્કસ આપણે ચર્ચા કરવી જોઈએ. ખરેખર આપણી જે સમસ્યા તેની આપણે ચર્ચા કરતા જ નથી પણ કોઈનું બળતું ઘર જોઈએ, આપણે આપણી સમસ્યા થોડી વખત માટે ભુલી જઈએ તે જ આપણો આનંદ છે, તે પણ પાછો નૈતિકતાના નામે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top