નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આજે વડાપ્રધાન પદેથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 17મી લોકસભા ભંગ કરી હતી. બીજી તરફ વડાપ્રધાનના સરકારી નિવાસ પર એનડીએના સાથી પક્ષોની બેઠક મળી હતી, જેમાં ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ, જેડીયુના નીતિશ કુમાર ઉપરાંત ચિરાગ પાસવાન સહિતના 10 મોટા નેતા સામેલ થયા હતા. આ નેતાઓએ પોતાનું ડિમાન્ડ લિસ્ટ ભાજપને સોંપ્યું હોવાની વિગતો બહાર આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌથી વધુ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુએ ડિમાન્ડ કરી છે. ટીડીપીએ 6 મંત્રાલયો સાથે સ્પીકર પદની માગ કરી છે. બીજી તરફ નીતિશ કુમારે 3 મંત્રાલય માંગ્યા છે. રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને પણ એક કેબિનેટ અને એક સ્વતંત્ર હવાલો માંગ્યો છે. માંઝીએ 1, શિંદેએ 1 કેબિનેટ અને 1 સ્વતંત્ર હવાલો માંગ્યો હોવાની વિગતો સાંપડી છે. આ ઉપરાંત જયંત પટેલ અને અનુપ્રિયા પટેલે પણ મંત્રી પદ માંગ્યું છે.
આગામી તા. 7મી જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના વિજયી સાંસદોની બેઠક મળશે, તેમાં મંત્રી પદની વહેંચણી અંગે નિર્ણય લેવાશે એવું માનવામાં આવી રહ્યું છે.
સવારે મોદી કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી
પીએમ મોદીએ બુધવારે બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું અને કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી હતી. આ અગાઉ સવારે 11.30 કલાકે મોદી કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું. શપથવિધિ સુધી મોદી હવે કાર્યકારી પીએમ બનશે.