National

નાયબ સૈની બીજી વખત હરિયાણાના CM બન્યાઃ 13 મંત્રીઓએ લીધા શપથ જેમાં 2 મહિલાઓ

હરિયાણામાં નાયબ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સૈની રાજ્યના 19મા મુખ્યમંત્રી બન્યા. જો કે મુખ્યમંત્રી પદ સુધી પહોંચનાર તેઓ 11મા નેતા છે. શપથ ગ્રહણ સમારોહ પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં યોજાયો હતો. આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, નીતિન ગડકરી અને રાજનાથ સિંહ, 18 રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બની છે. પંચકુલામાં આયોજિત સમારોહમાં સીએમ નાયબ સૈનીની સાથે 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. સીએમ સૈની સાથે 13 મંત્રીઓએ શપથ લીધા. જેમાંથી સૌથી વધુ 5 ચહેરા ઓબીસી કેટેગરીના છે. જાટ, બ્રાહ્મણ અને એસસી કેટેગરીના 2-2 મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પંજાબી, રાજપૂત અને વૈશ્ય સમુદાયમાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યા છે.

નવા નિયુક્ત મંત્રીઓમાં અનિલ વિજ, કૃષ્ણલાલ પંવાર, રાવ નરબીર, મહિપાલ ઢાંડા, વિપુલ ગોયલ અને કૃષ્ણા બેદી અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય રણબીર ગંગવા અગાઉની ભાજપ સરકારમાં ડેપ્યુટી સ્પીકર હતા. નવા ચહેરાઓમાં અરવિંદ શર્મા, શ્યામ સિંહ રાણા, આરતી રાવ, શ્રુતિ ચૌધરી અને ગૌરવ ગૌતમ પ્રથમ વખત મંત્રી બન્યા છે. ભાજપે યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ હરિયાણામાં ડેપ્યુટી સીએમ બનાવવાની ફોર્મ્યુલા અપનાવી નથી.

હરિયાણા કેબિનેટમાં સ્થાન મેળવનાર 2 મહિલા મંત્રીઓ
આ વખતે હરિયાણાની નવી કેબિનેટમાં બે મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. નવી કેબિનેટમાં શ્રુતિ ચૌધરી અને આરતી રાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રુતિ ચૌધરી તોશામ વિધાનસભા બેઠક પર કમળ ખીલીને હરિયાણા વિધાનસભા પહોંચી છે. હરિયાણાના પૂર્વ સીએમ બંસીલાલનો વારસો સંભાળી રહેલી 48 વર્ષની શ્રુતિ ચૌધરી પૂર્વ સાંસદ પણ રહી ચૂકી છે. જ્યારે આરતી રાવ કેન્દ્રીય મંત્રી ઇન્દ્રજીત રાવની પુત્રી છે.

કોણ છે શ્રુતિ ચૌધરી?
હરિયાણાના પૂર્વ સીએમ ચૌધરી બંસીલાલના પરિવારમાંથી આવતા કિરણ ચૌધરી પેટાચૂંટણી સહિત ચાર વખત તોશામથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. હવે તેમના સ્થાને તેમની પુત્રી શ્રુતિ ચૌધરી વિધાનસભામાં પહોંચી છે. શ્રુતિ ચૌધરી અગાઉ પણ એક વખત સાંસદ રહી ચૂકી છે. તેમણે 2009માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. તેણીએ અરુણાબ ચૌધરી સાથે લગ્ન કર્યા છે. શ્રુતિ ચૌધરીએ ડીયુની દયાલ સિંહ કોલેજમાંથી બીએ ઓનર્સનો અભ્યાસ કર્યા બાદ બીઆર આંબેડકર યુનિવર્સિટી, આગરામાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.

કોણ છે આરતી રાવ સિંહ?
અટેલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર આરતી રાવ 6 વખતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ઈન્દ્રજીત રાવની પુત્રી છે. આરતીની આ પહેલી ચૂંટણી હતી પરંતુ પહેલી જ ચૂંટણીમાં આરતી રાવનો વિજય થયો હતો. અહીં ચૂંટણી રાજકીય વારસો અને જાતિના સમીકરણ વચ્ચે લડાઈ રહી હતી જેમાં આરતી રાવની જીત થઈ હતી. ઈન્દ્રજીત રાવને આ પ્રદેશના મોટા આહીર નેતા માનવામાં આવે છે.

Most Popular

To Top