Sports

રોહિત બાદ ગુજ્જુ જાડેજા અને અક્ષર પટેલે નાગપુરનું મેદાન ગજવ્યું, બીજા દિવસે ભારતે મજબૂત લીડ મેળવી

નાગપુર: નાગરપુર ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની રેકોર્ડ સદી અને રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલની અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે મજબૂત લીડ મેળવી છે. દિવસના અંતે ભારતે 7 વિકેટ ગુમાવી 114 ઓવરમાં 321 રન બનાવ્યા છે. ભારતે 144 રનની લીડ મેળવી છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ અણનમ રમી રહ્યાં હતાં.

કેપ્ટન રોહિત શર્મા 120 રન બનાવી 229ના સ્કોર પર આઉટ થયો હતો. રોહિત શર્મા સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન પીચ પર ટકી શક્યા નહીં. ભારતનો મિડલ ઓર્ડર સાવ નિષ્ફળ રહ્યો હતો. આજે સવારે નાઈટ વોચમેન રવિચંદ્રન અશ્વિન અને કેપ્ટન રોહિત શર્માએ ટીમને બીજા દિવસે સારી શરૂઆત અપાવી હતી. જોકે, અશ્વિનના આઉટ થયા બાદ મધ્યમ ક્રમના બેટ્સમેનો પીચ પર ટકી શક્યા નહોતા. ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને સૂર્ય કુમાર યાદવ સસ્તામાં આઉટ થયા હતા. કેએસ ભરત પણ ટકી શક્યો નહોતો. ત્યાર બાદ બે ગુજરાતી ડાબોડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે ઈનિંગ સંભાળી હતી. બોલિંગમાં 5 વિકેટ ખેરવીને કમાલ પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાએ બેટિંગમાં પણ ધમાલ મચાવી હતી. 114 બોલમાં જાડેજાએ અર્ધસદી ફટકારી હતી. અક્ષર પટેલે પણ ફિફ્ટી ફટકાર્યા હતા. અક્ષર પટેલ અને જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના લીધે ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત ઓસ્ટ્રેલિયા સામે સારી લીડ મેળવી શક્યું હતું. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રન બનાવી રમતમાં હતાં.

ટૉડ મર્ફીએ ડેબ્યુ મેચમાં 5 વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી
ટી બ્રેક સુધીમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 80 ઓવરમાં 226 રન બનાવ્યા હતા. ટી બ્રેક બાદ ભારતની 229 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ પડી હતી. કેપ્ટન રોહિત શર્મા અંગત 120 રનના સ્કોર પર આઉટ થયો હતો. રોહિત શર્મા બાદ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલો ડેબ્યુટન્ટ વિકેટ કિપર શ્રીકર ભરત ટકી શક્યો નહોતો. માત્ર 8 રન બનાવી તે ટૉડ મર્ફીની બોલિંગમાં એલબીડ્બ્લુયુ થયો હતો. આ સાથે જ ટૉડ મર્ફીએ 5 વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ડેબ્યુ મેચમાં મર્ફીએ 5 વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં સદી મારનાર પહેલો ભારતીય કપ્તાન બન્યો
રોહિત શર્માએ નાગુપર ટેસ્ટ મેચમાં 171 બોલમાં તેના ટેસ્ટ કેરિયરની 9મી સેન્ચુરી ફટકારી. આ સાથે જ રોહિત શર્માએ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા ટેસ્ટ, વન ડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટાકરનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ કિર્તી મેળવી શક્યા નથી. વિશ્વ ક્રિકેટમાં રોહિત શર્મા પહેલાં ત્રણ જ કેપ્ટન ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી શક્યા છે, જેમાં શ્રીલંકાા દિલશાન, સાઉથ આફ્રિકાના ડુ પ્લેસિસ અને પાકિસ્તાનના બાબર આઝમનો સમાવેશ થાય છે.

જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર
ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે 4 મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચ રમી શકે છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ આખી સિરીઝમાંથી બહાર છે. જો કે, તે પછી બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ડોમેસ્ટિક વનડે સીરીઝમાં પરત ફરશે. તમને જણાવી દઈએ કે બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

Most Popular

To Top