નડિયાદ: નડિયાદમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં એક સોનીને તેમના ઓળખીતા દંપતિએ દુબઈમાં ગોલ્ડના વેપારમાં ઈન્વેસ્ટ કરવાની લાલચ આપી હતી. આ લાલચમાં લલચાઈ ગયેલાં સોનીએ ઈન્વેસ્ટ કરવા માટે તે દંપતિને ૫૦ લાખ રૂપિયા આપ્યાં હતાં. જે બાદ આ દંપતિએ સોનીને એકપણ રૂપિયો પરત ન આપી છેતરપિંડી આચરી હતી. નડિયાદના ભાવસાર વાડ વિસ્તારમાં આવેલ ચોક્સી બજારમાં રહેતાં નરહરિપ્રસાદ નટવરલાલ સોની અને તેમનો પુત્ર મહર્ષિ ઘરની પાસે જ સોની શંકરલાલ વિઠ્ઠલદાસ મણકાવાળા જ્વેલર્સ નીમની દુકાન ચલાવી સોના-ચાંદીનો વેપાર કરે છે. તેઓને શહેરમાં જ રહેતાં નીતીનભાઈ છોટાલાલ નાઢા અને તેમના પત્નિ સ્મિતાબેન (રહે.યોગીનગર સોસાયટી, નડિયાદ) સાથે સારો સબંધ હોવાથી અવારનવાર મુલાકાત થતી હતી.
જે દરમિયાન નિતીનભાઈ અને તેમના પત્નિ સ્મિતાબેને જણાવ્યું હતું કે, અમારે દુબઈમાં ગોલ્ડનો મોટો વેપાર છે, દુબઈમાં ગોલ્ડના મોટા વેપારીઓ અને ત્યાંના રાજાઓ સાથે અમારે ઉઠક-બેઠક છે, તેમની સાથે અમે વેપાર કરીએ છે, ઘણાં લોકોએ અમારી સાથે ઈન્વેસ્ટ કર્યું છે, તમે આમાં ઈન્વેસ્ટ કરો તો સારૂ રીટર્ન મળશે, તમારે ઈન્વેસ્ટ કરવાની ઈચ્છા હોય તો અમે તમને સારૂ કમાવી આપીશું તેવી લાલચ આપી હતી. તદુપરાંત દંપતિએ દુબઈના વેપારીઓ તેમજ રાજા સાથે પડાવેલાં તેમના ફોટા પણ બતાવ્યાં હતાં.
જેથી નરહરિપ્રસાદને નાઢા દંપતિ ઉપર વિશ્વાસ બેઠો હતો અને લાલચમાં આવી નરહરિપ્રસાદે ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. જેથી નીતીનભાઈ અને તેમના પત્નિ સ્મિતાબેન ગત તા.૯-૮-૨૧ ના રોજ નરહરિપ્રસાદને મળ્યાં હતાં. તે વખતે નરહરિપ્રસાદે ૧૫,૦૦,૦૦૦ રૂપિયા આર.ટી.જી.એસ મારફતે નિતીનભાઈને આપ્યાં હતાં. જે બાબતનું નોટરી રૂબરૂ લખાણ પણ કરાવ્યું હતું. નિતીનભાઈએ આ ૧૫ લાખ રૂપિયાના ઈન્વેસ્ટ થકી દર અઠવાડિયે ૩,૦૦,૦૦૦ રૂપિયા નરહરિપ્રસાદના બેંક ખાતામાં જમા કરાવવાની ખાત્રી પણ આપી હતી.
જે બાદ તા.૨૬-૯-૨૧ ના રોજ નાઢા દંપતિ નરહરિપ્રસાદના ઘરે ગયાં હતાં અને જણાવ્યું હતું કે, દુબઈ એક્સપો-૨૦૨૧ શરૂ થઈ રહ્યો છે, અમારા સાત થી આઠ વેપારીઓ ત્યાં બિઝનેશ કરવાના છે, તમે આપેલાં ૧૫ લાખ રૂપિયા અને તેનો નફો અમે તેમાં ઈન્વેસ્ટ કર્યો છે, જો તમે બીજા રૂપિયા આપો તો છ મહિનામાં જ તમારી મુડીના ચાર ઘણાં રૂપિયા તમને કમાવી આપીશ. જેથી છ મહિનામાં ચાર ઘણાં રૂપિયા કમાવવાની લાલચમાં નરહરિપ્રસાદે બીજા ૩૫,૦૦,૦૦૦ રૂપિયા નાઢા દંપતિને આપ્યાં હતાં. જે તે વખતે રૂપિયાની લેતી-દેતી અંગેનું લખાણ બીજા દિવસે કરાવવાનું જણાવી નિતીનભાઈ રૂપિયા લઈને ત્યાંથી જતાં રહ્યાં હતાં.
જે બાદ બીજા દિવસે નિતીનભાઈએ દુબઈની ટીકીટો કઢાવવામાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢી લખાણ કરાવ્યું ન હતું અને તેઓ દુબઈ ચાલ્યાં ગયાં હતાં. જે બાદ તેઓએ નરહરિપ્રસાદને દુબઈ આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેથી નરહરિપ્રસાદ તા.૩-૧૦-૨૧ ના રોજ દુબઈ ગયાં હતાં. જ્યાં નિતીનભાઈએ નરહરિભાઈને ગોલ્ડ માર્કેટમાં લઈ જઈ બે-ત્રણ ગુજરાતી વેપારીઓ સાથે મુલાકાત કરાવી હતી અને તમે અહીં બિંદાસ્ત રહો, તમારા ૫૦ લાખ રૂપિયા અલગ-અલગ વેપારીઓ પાસે ઈન્વેસ્ટ કરી દીધાં હોવાનું જણાવ્યું હતું. તે વખતે નરહરિપ્રસાદે આ રૂપિયા કેવી રીતે ઈન્વેસ્ટ કર્યાં તે જાણવા પ્રયત્ન કર્યો હતો.
પરંતુ, નિતીનભાઈએ કોઈ હકીકત જણાવી ન હતી કે રોકાણ કર્યાંની રસીદ કે પહોંચ પણ બતાવી ન હતી. દુબઈમાં પંદરેક દિવસ રોકાયાં બાદ નરહરિપ્રસાદ પરત નડિયાદ આવી ગયાં હતાં. જેના એક મહિના બાદ પણ તેમના ખાતામાં એકપણ રૂપિયો આવ્યો ન હોવાથી તેઓએ નિતીનભાઈનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. તે વખતે નિતીનભાઈએ બહાંના બતાવી, વાયદાઓ કર્યાં હતાં. જેથી નરહરિભાઈ નડિયાદ સ્થિત તેમના ઘરે ગયાં હતાં. જ્યાં નિતીનભાઈના પત્નિ સ્મિતાબેન સાથે આ બાબતે નરહરિપ્રસાદે વાત કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયાંહતાં અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગ્યાં હતાં. જે બાદ નિતીનભાઈએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. રૂપિયા આપ્યાંને એક વર્ષ કરતાં પણ વધુનો સમય વિતી ગયાં બાદ પણ એક પણ રૂપિયો પરત ન મળતાં આખરે નરહરિપ્રસાદના પુત્ર મહર્ષિ સોનીએ આ મામલે નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે નિતીનભાઈ છોટાલાલ નાઢા અને સ્મિતા નિતીનભાઈ નાઢા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગઠિયાએ એ.ટી.એમ. કાર્ડ બદલી વૃધ્ધના ખાતામાંથી ૯૩ હજાર ઉપાડી લીધાં
એ.ટી.એમમાંથી રૂપિયા ઉપડતાં ન હોવાથી અજાણ્યાં શખ્સે મદદના બહાને વૃધ્ધનું એ.ટી.એમ કાર્ડ બદલી લીધું હતું બાયડ તાલુકાના પીપોદરામાં રહેતાં ૭૧ વર્ષીય ડાહ્યાભાઈ મોતીભાઈ પટેલ ગત તા.૧૬-૧૦-૨૨ ના રોજ સેકન્ડહેન્ડ ગાડી ખરીદવા માટે નડિયાદ આવ્યાં હતાં. જોકે, ગાડી પસંદ ન પડતાં તેઓ પરત જવા નીકળ્યાં હતાં. દરમિયાન તેમની પાસે રોકડા રૂપિયા બચ્યાં ન હોવાથી તેઓ શહેરના મીલ રોડ પર આવેલ એચ.ડી.એફ.સીના એ.ટી.એમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયાં હતાં. જ્યાં તેઓએ બે વખત રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈ કારણોસર રૂપિયા ઉપડી શક્યાં ન હતાં. એટલામાં એક અજાણ્યો ઈસમ ત્યાં આવ્યો હતો અને તેણે રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને ડાહ્યાભાઈ પાસેથી એ.ટી.એમ લીધું હતું અને રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયગાળા દરમિયાન અજાણ્યાં શખ્સે એ.ટી.એમ કાર્ડ બદલી લીધું હતું. એ.ટી.એમ મશીનમાંથી રૂપિયા નીકળતાં ન હોવાથી તેઓ બંને જણાં બહાર નીકળી ગયાં હતાં. ડાહ્યાભાઈ પણ રૂપિયા ઉપાડ્યાં વગર જ ઘરે જતાં રહ્યાં હતાં. જે બાદ અજાણ્યાં શખ્સે ડાહ્યાભાઈના એ.ટી.એમ કાર્ડ વડે અલગ-અલગ ટ્રાન્જેક્શન થકી કુલ રૂ.૯૩,૮૫૯ ઉપાડી લઈ, છેતરપિંડી આચરી હતી. આ મામલે ડાહ્યાભાઈ પટેલની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે અજાણ્યાં શખ્સ વિરૂધ્ધ આઈ.પી.સી કલમ ૪૨૦ મુજબનો ગુનો નોંધી, તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
ગઠિયાએ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, વેપારીના એક લાખ ઉપાડી લીધાં
નડિયાદમાં ભોજા તલાવડી રોડ પર આવેલ રાહિલપાર્ક સોસાયટીમાં રહેતાં અને રેડીમેડ કપડાંનો વેપાર કરતાં મહંમદફારૂક ઈબ્રાહીમભાઈ મેમણના મોબાઈલમાં છેલ્લાં કેટલાક દિવસોથી અજાણ્યાં નંબર પરથી બિનજરૂરી ફોન આવી રહ્યાં હતાં. જે ફોન આવતાં બંધ કરાવવા માટે તેઓએ ગત તા.૧૦-૧૨-૨૨ ના રોજ ગુગલ પરથી એરટેલ કસ્ટમર કેરનો નંબર મેળવી, તેની ઉપર સંપર્ક કર્યો હતો. જેમાં સામેથી હિન્દી ભાષામાં વાત કરતાં શખ્સે કસ્ટમર સપોર્ટ નામની એક એપ્લિકેશન મહંમદફારૂકભાઈના મોબાઈલમાં ડાઉનલોડ કરાવી, તેનો કોડ માંગી લીધો હતો. જેના બે દિવસ બાદ તા.૧૨-૧૨-૨૨ ના રોજ સાંજના સમયે તે અજાણ્યાં શખ્સે મહંમદફારૂકભાઈના બેંકખાતામાંથી બે તબક્કામાં થઈ કુલ રૂ.૯૯,૯૯૯ ઉપાડી લીધાં હતાં. રૂપિયા ઉપડ્યાંનો મેસેજ મોબાઈલમાં પડતાં મહંમદફારૂક વિચારમાંપડી ગયાં હતાં. તેઓએ તપાસ કરતાં એરટેલ કસ્ટમર કેરના કર્મચારી તરીકે ફોન ઉપરવાત કરનાર અજાણ્યાં ઈસમે જ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, તેનો કોડ મેળવી, બેંકખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધાં હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે મહંમદફારૂકભાઈની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે અજાણ્યાં શખ્સ વિરૂધ્ધ આઈ.પી.સી કલમ ૪૧૭, ૪૨૦ તેમજ ધી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ની કલમ ૬૬-સી, ૬૬-ડી મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.