નડિયાદ: નડિયાદમાં વિકાસના નામે તંત્ર દ્વારા મોટી સંખ્યામાં મહાકાય વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી વૃક્ષ નિકંદન હેઠળ અત્યાર સુધી 350 ઉપરાંત વૃક્ષો કાપી નખાયા છે. ફોર લેન રસ્તો બનાવવા માટે આંબા સહિત અનેક વૃક્ષો જેનાથી શીતળ છાયા રહેતી હતી, તેનું કાસળ કાઢી નખાતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. અગાઉ ડાકોર-નડિયાદ રોડ પર 500 ઉપરાંત વૃક્ષો કપાયા હતા, હવે નડિયાદ-આખડોલ કેનાલ સુધી વૃક્ષો કાપવાનું ચાલી રહ્યુ છે.
ક્યાંક નડિયાદ અને અન્ય ગામડાઓ તેમજ તાલુકાઓને જોડતા મુખ્ય માર્ગો પરની હરીયાળીના કારણે જ ખેડા અને આણંદ સહિતના જિલ્લાઓને ચરોતર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલુ જ નહીં, ખુદ પ્રશાસન નડિયાદના પ્રવેશ માર્ગો પર બોર્ડ મારી નડિયાદ શહેરને ગ્રીન સીટી તરીકેની ઓળખ આપવા માટે પ્રયત્નશીલ હતુ. પરંતુ હવે વિકાસના નામે આ ગ્રીનરી જ ઉડાવી દેતા હરીયાળા પ્રદેશને ક્યાંક સુકા રણ તરીકે ઓળખવાની નોબત આવે તેમ લાગી રહ્યુ છે.
મળતી વિગતો મુજબ નડિયાદની પીપલગ ચોકડીથી પીપળાતા થઈ આખડોલ સુધી જતા માર્ગ પર અત્યાર સુધી મહાકાય વૃક્ષોનો શીતળ છાંયો પથરાયેલો રહેતો હતો. હવે આ છાંયડો અને મહાકાય વૃક્ષો ગણતરીના દિવસો સુધી જોવા મળશે. કારણ કે, અહીંયા પીપલગ ચોકડીથી આખડોલ તરફના માર્ગ પર કેનાલ સુધી 912 જેટલા વૃક્ષો કાપવા માટે તંત્રએ મન બનાવી લીધુ છે. એટલુ જ નહીં, તંત્રએ અત્યાર સુધી 350 ઉપરાંત વૃક્ષો એકતરફના ભાગે કાપી નાખ્યા છે. હવે બંને બાજુ થઈ બાકીને વૃક્ષો પણ આગામી દિવસોમાં કાપી નાખવામાં આવશે. જેથી જે રસ્તા પર અતિશય છાંયડો હતો, તે રસ્તા પર ઉનાળામાં સુકા રણ જેવો અહેસાસ થશે.
પર્યાવરણ બચાવવાની ઝુંબેશો કાગળ પર
હરિયાળા પ્રદેશમાં આડેધર વૃક્ષોનું નિકંદન રાજ્ય સરકારની પર્યાવરણને લક્ષીને થઈ રહેલી જાહેરાતોથી વિપરીત કેમ છે? એકતરફ રાજ્ય સરકાર પર્યાવરણ બચાવો અને પર્યાવરણ જાળવવા વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કાપવાની મંજુરી કેમ આપવામાં આવી રહી છે? આવા અનેક પ્રશ્નો જિલ્લાવાસીઓના મનમાં ઉપસ્થિત થયાં છે. હાલ આખડોલ રોડ પર એવો કોઇ ટ્રાફિક નથી કે રસ્તો પહોળો કરવો પડે.
ફરીથી વૃક્ષોનું વાવેતર કરાશેઃ ફોરેસ્ટર
આ અંગે નડિયાદ વન વિભાગના ફોરેસ્ટર શોભાબહેન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, હાલ વૃક્ષોની કાપણી ચાલી રહી છે, તેની સામે બીજે ક્યાં વાવવા તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ રોડ ફોરલેન બન્યા બાદ તેની આસપાસ ફરીથી વૃક્ષો વાવવામાં આવશે. કેટલા વૃક્ષો રોપાશે તેની વિગતો હજુ મારા પાસે આવી નથી.
ભોપાલ ખાતેથી મંજુરી લેવામાં આવી
સરકારની પર્યાવરણને અનુલક્ષી થઈ રહેલી સુફીયાણી જાહેરાતોનો ખેડા જિલ્લામાં ફિયાસ્કો થઈ રહ્યો છે. આ વૃક્ષોનું નિકંદન કરવા માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ભોપાલ ખાતેથી કેન્દ્ર સરકારની પરમીટ લાવવામાં આવી હોવાની જાણકારી મળી છે.
ડાકોર-નડિયાદ રોડ પર 500 વૃક્ષોનું છેદન
હરીયાળા પ્રદેશ તરીકે ઓળખાતા ચરોતર અને તેમાંય ખાસ ખેડા જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં અને આટલા વિશાળ પથરાયેલા વૃક્ષો કાપવાની વાત કઈ નવી નથી. અગાઉ 2018માં ડાકોર-નડિયાદ રોડને ફોરલેન કરવા માટે 500 ઉપરાંત વૃક્ષો કપાયા હતા. આ ઉપરાંત નડિયાદ મહેમદાવાદ રોડને પહોળો કરવા માટે પણ 600 ઉપરાંત વૃક્ષોનું નિકંદન કાઢી નખાયુ છે.