નડિયાદ: નડિયાદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં 20 નંબરના ઠરાવથી શહેરના હાર્દ સમા રેલવે સ્ટેશનની બહાર આવેલા ટાઉનહોલ અને સબજેલને તોડી ત્યાં સીટીબસનું સેન્ટર અને કોમર્સિયલ હબ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવાનો એજન્ડા મંજૂર કરવામાં આવનાર છે. જો કે, આ વચ્ચે સૌથી સ્ફોટક ખુલાસો એ થયો છે કે, આ જ ટાઉનહોલનું નવીનીકરણ કરવા માટે વર્ષ 2015-16ની દરમિયાન ઠરાવ થયો હતો, જો કે, સત્તાધારી પક્ષની અણઆવડતના કારણે કોઈપણ જાતનું નવીનીકરણ થયુ ન હતુ અને ઠરાવ કાગળ પર સુકાઈ જઈ પસ્તી બની ગયો છે.
નડિયાદ પાલિકાની શુક્રવારે સામાન્ય સભા યોજાનારી છે. આ સભામાં એજન્ડા નં.20માં ટાઉનહોલ અને સબજેલ તોડી ત્યાં સીટીબસનું સ્ટેશન અને કોમર્સિયલ હબ બનાવવા સરકારમાં ગ્રાંટની દરખાસ્ત કરવાનો છે. પાલિકા સરકાર પાસે આ બંને ઐતિહાસિક અને નડિયાદની ધરોહર સમા એકમોને નષ્ટ કરી ત્યાં કોમર્સિયલ હબ ઉભુ કરવા માટે ગ્રાન્ટ માંગવાની તૈયારી કરી રહી છે. નડિયાદ રેલવે સ્ટેશનની બહાર અને બસ સ્ટેન્ડની બાજુમાં આવેલો ટાઉનહોલ અને સબજેલ બંને શહેરની ઓળખ અને દાતા તરફથી મળેલી અનમોલ ભેટ છે.
આ જગ્યાઓને ડેવલોપ કરવાને બદલે નફો રળી લેવાના ઈરાદાથી મનોરંજનના હેતુમાંથી હેતુફેર કરવા માટે પાલિકાના સત્તાધીશો હવાતિયા મારી રહ્યા છે. એટલુ જ નહીં, એક જ પક્ષની બેધારી નીતિ પણ અહીંયા ઉજાગર થઈ છે. વર્ષ 2015-16 દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટી પાસે પાલિકામાં બહુમત હતો. તે સમયના સત્તાધીશોએ ટાઉનહોલનું સમારકામ કરવા માટે ઠરાવ કર્યો હતો. જોકે, આ ઠરાવ માત્ર કાગળ પર સમિતિ રહ્યો હતો અને તેની કોઈ અમલવારી ન થતા ટાઉનહોલ એ જ સ્થિતિમાં રહ્યો હતો. હાલ પણ નગરપાલિકા ભાજપ બાહુલ છે, હવે ટાઉનહોલનું રીનોવેશન કરવાનો વિચાર માંડીવાળી અને શહેરની ઓળખ અને ઐતિહાસિક ધરોહર તોડી કોમર્સિયલ હબ બનાવવા સરકાર પાસે ગ્રાંટ માંગી છે.
- સામાન્ય સભાના અન્ય મહત્વના એજન્ડા
- મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ભાવે 2 વર્ષ માટે ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ રોકાશે.
- ડોર ટુ ડોર કલેક્શનના વાહનો પર સ્પીકર સિસ્ટમ લગાવવી.
- સફાઈ કામદારો માટે હાથલારીઓની ખરીદી.
- દાવલીયાપુરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે 2000ની ક્ષમતાવાળો ટાઉનહોલ બનાવાશે.
- ચિલ્ડ્રન રીમાન્ડ હોમ પાસે મેનહોલ બનાવાશે.
- સફાઈ કર્મીઓનો રહેણાંક પ્લોટ ફાળવવા સરકાર પાસે જમીન માંગણીની દરખાસ્ત.
- 12 અને 24 વર્ષ પૂર્ણ કરનારા કર્મીઓને સરકારી પરીપત્ર મુજબ લાભ આપવા.
- નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો
- સંતરામ મંદિરને 9 વર્ષના ભાડા પટ્ટે ઓપન એર થિયેટર આપવુ.
નડિયાદમાં સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમો માટે બંધાયો હતો
દાતા દ્વારા જે-તે સમયે શહેરમાં મનોરંજનના હેતુ માટે ટાઉનહોલ બંધાયો હતો. જેમાં સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમો થતા હતા. આ ટાઉનહોલ શહેરના હાર્દસમાં છે. તેમજ તેમાં 750 લોકોની કેપેસીટીવાળી બેઠક વ્યવસ્થા હતા. જ્યાં ભૂતકાળમાં અનેક કાર્યક્રમો થતા અને શહેરજનો તેનો આનંદ માણતા હતા. જોકે, નડિયાદ નગરપાલિકાના સત્તાધિશોની અણઆવડત અને ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા હોવાના કારણે ટાઉનહોલ જર્જરિત બની ગયું છે.
1946માં 78,600ના ખર્ચે ટાઉનહોલ બંધાયો હતો
શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ખુશાલદાસ ગોકળદાસ પટેલ ટાઉન હોલ આઝાદી પહેલા બંધાયેલો હતો. તેનું ઉદ્ઘાટન 18 ઓગસ્ટ, 1946ના રોજ થયું હતું. આ હોલ સ્વ. ખુશાલદાસ ગોકળદાસ પટેલના સ્મરણાર્થે તેમના પુત્રોએ નડિયાદની કળાપ્રેમી જનતા માટે તે જમાનામાં 78,600 રૂપિયાનો ખર્ચ કરીને બંધાવી આપ્યો હતો. જેનું ઉદ્ઘાટન જાણીતા ગણેશ વાસુદેવ માવલંકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ હોલમાં 500થી વધુ ખુરશીઓ નીચે અને 200 જેટલી ખુરશીઓ બાલ્કનીમાં મુકવામાં આવી હતી. ઉપરંત તેનું સુંદર સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને પાર્કિંગ માટે બહારની તરફ ખુલ્લી મોટી જગ્યા રાખવામાં આવી હતી.
સિટી બસનું સ્ટેશન બનાવવા અન્ય કેટલીય જગ્યાઓ છે
નડિયાદ નગરપાલિકાનો ઠરાવ જોયો છે. સીટી બસ માટે નગરપાલિકા વિચારણા કરી રહી છે, તે વિકાસની બાબત છે અને ખૂબ જરૂરી જ છે. પરંતુ તેની માટે ટાઉનહોલ તોડી નાખવો એ તંત્રનો બદઈરાદો છે. આ માટે અનેક ખુલ્લી જગ્યાઓ છે. રેલવે સ્ટેશનની પાસે, આર.ટી.ઓ. પાસે, આયોજન ભવનની પાસે પણ આ વ્યવસ્થા ઉભી કરી શકાય તેમ છે. તંત્રની નિષ્ફળાના કારણે શહેરની અબજો રૂપિયાની સંપતિ વ્યર્થ બની રહી છે.
જયેશભાઈ તલાટી, વકીલ