Madhya Gujarat

નડિયાદના યુવકે લોન ચુકવી દીધી હોવા છતાં ગઠિયા દ્વારા ઉઘરાણી

નડિયાદ: નડિયાદમાં રહેતાં એક યુવકે મોબાઈલ એપ્લિકેશન પરથી ઓનલાઈન લોન લીધાં બાદ તેના નાણાં પરત ચુકવી દીધાં હતાં. તેમછતાં અજાણ્યાં શખ્સે ફોન કરી યુવક પાસે વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જોકે, યુવકે વધુ રૂપિયા ન આપતાં, અજાણ્યાં શખ્સે યુવકના મોર્ફ કરેલાં ફોટા તેના જ પરિવારજનો અને મિત્રવર્તુળમાં વાઈરલ કરી, બદનામી કરી હતી.
નડિયાદ શહેરમાં મિશન રોડ પર આવેલ પ્રશાંત કોલોનીમાં રહેતાં અને ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતાં 28 વર્ષીય વિશાલ લક્ષ્મણભાઈ મીણાએ ગત તા.15-5-23 ના રોજ સોશ્યલ મીડિયામાં લોન માટેની એક જાહેરાત જોઈ હતી. જેથી વિશાલને લોન લેવામાં રસ પડતાં, તે જાહેરાતની લિંક ઓપન કરી હતી.

દરમિયાન મની ટેપ-ટોપ લોન નામની એપ્લિકેશન ઈન્ટોલ થઈ હતી. આ એપ્લિકેશન ખોલતાંની સાથે જ પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ બેંક ખાતા સહિતની વિગતો માંગી હતી. જે મુજબ વિશાલે તમામ વિગતો સબમીટ કરી, પર્સનલ લોન મેળવવા માટે એપ્લાય કર્યુ હતું. જેના થોડાક જ સમયમાં વિશાલની લોન પાસ થઈ ગઈ હતી અને અલગ-અલગ ચાર્જીસ કાપી, બાકીના રૂ.6114 રૂપિયા વિશાલના બેંક ખાતામાં જમા પણ થઈ ગયા હતાં. લોનની આ રકમ સાત દિવસમાં પરત જમા કરવાની હતી. જે મુજબ વિશાલે 4953 રૂપિયા પરત જમા કરાવી દીધા હતાં.

જે બાદ આ મની ટેપ-ટોપ લોન એપ્લિકેશનની અન્ય ત્રણ સબ એપ્લિકેશનમાં ઓટોમેટીક લોન એપ્રુવ થવા લાગી હતી. આ તમામ એપમાં વિશાલે લોનના નાણાં પરત જમા કરાવી દીધાં હતાં. તેમછતાં અજાણ્યાં ઈસમોએ અલગ-અલગ દેશોના 15 નંબરો પરથી વિશાલ, તેના પરિવારના સભ્યો અને મિત્રોને ફોન કરી, ગમેતેમ અપશબ્દો બોલી, લોનના રૂપિયા ભરવા ધાકધમકીઓ આપવા લાગ્યા હતાં. તેમજ વિશાલના ફોટા ખરાબ રીતે એડિટ કરીને તેના સગાંસબંધી અને મિત્રવર્તુળના વ્હોટ્સએપમાં મોકલ્યાં હતાં. આ મામલે વિશાલ મીણાની ફરીયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યાં ઠગ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top