આણંદ : આણંદ શહેર પોલીસે બાતમી આધારે રોકેલી કારમાં તપાસ કરતા બિલ વગરના 82 મોબાઇલ મળી આવ્યાં હતાં. આ કેસમાં ટેક્સ ચોરીનું કૌભાંડ હોવાની શંકા ઊઠી છે. જેના પગલે અન્વેષણ વિભાગ શું પગલા ભરે છે. તે ચર્ચાનો વિષય બન્યો છે. આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર. ચૌહાણની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી. નાગોલ તથા સર્વેલન્સ સ્કોડના માણસોએ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન સામરખા ચોકડી પાસે શંકા આધારે કાર રોકી હતી. આ કારના ચાલકની પુછપરછ કરતાં તે રાજેશ વાસુદેવ સભનાની (રહે.સુંદવન કર્મવીર, મંજીપુરા રોડ, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. કારમાં તલાસી લેતા તેમાંથી 82 મોબાઇલ કિંમત રૂ.13.80 લાખ મળી આવ્યાં હતાં. આ અંગે પૂછપરછ કરતાં રાજેશ સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. આ ઉપરાંત તેની પાસે મોબાઇલના બિલ પણ નહતાં. આથી, પોલીસે સ્થળ પર જ મોબાઇલ અને કાર સહિત કુલ રૂ.18.80 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિલ વગરના મોબાઇલ ચોરીના છે કે કેમ ? અથવા તો કોઇ ટેક્સ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે કે કેમ ? તે અંગે પોલીસ દ્વારા રાજેશની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
નડિયાદનો વેપારી રૂા. 13.80 લાખના મોબાઇલ સાથે ઝબ્બે
By
Posted on