Business

બોલો.. નડિયાદના સલૂનવાળાની 35 લાખની જીએસટી ચોરી પકડાઇ

ગાંધીનગર : રાજ્યભરમાં બિલ વિના થતા વેચાણને અટકાવવા માટે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, ડાંગ અને નડિયાદ ખાતે જુદા જુદા એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 3.53 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી છે.

સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિલ વગર વેચાણ કરતા વ્યવસાયિક એકમો ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અમદાવાદમાં બેટરીના વ્યવસાય સાથે સંકળાયેલા બે વેપારીઓના ત્યાં, ડાંગના વઘઈમાં ચાર તમાકુના વેપારીઓના ત્યાં અને નડિયાદ ખાતે એક સલૂન ધારકના ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ દરમિયાન નડિયાદના સલૂન ધારકના ત્યાંથી વેચાણો છુપાવી પત્રકમાં ઓછો વેરો ભરી કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. વેપારી કમ્પોઝિશન સ્કીમ હેઠળ હોવા છતાં ગ્રાહકો પાસે અલગથી વેરો ઉઘરાવી કમ્પોઝિશન સ્કીમ ની શરતનો ભંગ કરીને વેચાણો છુપાવીને 35 લાખથી વધુની કરચોરી કરી હતી.

અમદાવાદના બેટરીના વેપારીને ત્યાં તપાસ કરતા મોટા પ્રમાણમાં બિન નોંધાયેલા સ્ટોક તથા વેચાણો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન 92 લાખથી વધુની કરચોરી બહાર આવી હતી. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તમાકુના 4 વેપારીના ત્યાં બિન નોંધાયેલો સ્ટોક તથા વેચાણો મળી આવ્યા હતા. જેમાં અંદાજે 2.8 કરોડ રૂપિયાની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ સ્થળો ઉપર વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top