નડિયાદ: નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી હસ્તકની પ્રાથમિક શાળા નં ૭ માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં અલ્પેશભાઈ ડી રાવલે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી મેળવવા માટે જાહેર માહિતી અધિકારી અને નડિયાદ નગર પ્રા.શિક્ષણ સમિતીના શાસનાધિકારી હેમંતભાઈ કા.પટેલને ગત તારીખ ૨૮ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ એક તથા ૧ લી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ બે મળી કુલ ત્રણ અરજીઓ કરી હતી. આ અરજીઓમાં માંગેલ માહિતીનો જવાબ તારીખ ૨૫ મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ શાસનાધિકાર દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે, શાસનાધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતીની અસંતુષ્ટ અલ્પેશભાઈ રાવલે તારીખ ૨૮ મી એપ્રિલ, ૨૦૨૨ જિલ્લા શિક્ષણાધિકારીને પ્રથમ અપીલ કરી હતી.
પરંતુ, જિલ્લા શિક્ષણાધિકારીએ આ અપીલ ચલાવવાને બદલે ૪ થી મે, ૨૦૨૨ ના રોજ શાસનાધિકારીને પરત મોકલી, તેમની કક્ષાએથી અરજીનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. જેથી શાસનાધિકારી દ્વારા ૨૫ મે ના રોજ ત્રણેય અપીલોની સુનાવણી રાખી દેવામાં આવી હતી અને ૧૬ મી જુન ૨૨ ના રોજ તેનો નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, આ ત્રણેય અપીલોમાં પોતાના જ અગાઉના નિર્ણયથી વિપરીત, અતાર્કિક અને અસંગત નિર્ણય શાસનાધિકારી દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ અરજદાર શિક્ષકના પિતા દિનેશચંદ્ર રાવલે કરવામાં આવ્યો હતો.
જેને પગલે ભાનમાં આવેલાં શાસનાધિકારીએ બીજા જ દિવસે અરજદારને બે આર.ટી.આઈના જવાબમાં જો આપ નિર્ણયથી નારાજ હોય તો, નિર્ણય મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર જિલ્લા શિક્ષણાધિકારીને અપીલ કરી શકશો તેમ જણાવ્યું હતું. જેને પગલે અરજદાર મુંઝવણમાં મુકાઈ ગયાં છે. તારીખ ૧૬ જુન સુધી જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી તરીકે શાસનાધિકારી પોતે હતાં અને બીજા જ દિવસે અપીલ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી કેવી રીતે બની ગયાં તે યક્ષપ્રશ્ન બન્યો છે.