નડિયાદ: નડિયાદ શહેરમાં કપડવંજ રોડ પર આવેલ માહિતી ભવનની બાજુમાં ૨૦૧૦ ની સાલમાં બે માળનું અદ્યતન સુવિધાવાળુ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલાં આ શૌચાલયનું પાલિકાના તત્કાલિન સત્તાધીશો તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. જોકે, તંત્ર દ્વારા આ શૌચાલયની સફાઈ પરત્વે બેદરકારી દાખવવામાં આવતાં તેમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવા લાગ્યું હતું. જોતજોતામાં આ શૌચાલય ઉપયોગમાં લઈ ન શકાય તેવી સ્થિતી ફેરવાયું હતું. જેથી લોકોએ તેનો ઉપયોગ કરવાનું બંધ કર્યુ હતું. જેને પગલે આ શૌચાલય છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં ખંડેર બની રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા આ શૌચાલયમાં સાફ-સફાઈ તેમજ મરામત કરી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કોઈ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં નથી. શૌચાલયની હાલની સ્થિતી જોઈએ તો, તેના પ્રવેશવાના મુખ્ય દરવાજા આગળ જ ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમજ શૌચાલયની અંદર તેમજ બહાર કચરાના ઢગલાની સાથે અસહ્ય ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. એક તરફ ભાજપ સરકાર ખુલ્લામાં શૌચ મુક્ત ગામ-શહેર બને તે માટે ઘેર-ઘેર શૌચાલય બનાવવાની દિશામાં કામ કરી રહી છે. તો વળી બીજી બાજુ ભાજપ શાસિત નડિયાદ શહેરમાં જ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું શૌચાલય ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે.
રાત્રિના સમયે અસામાજીક તત્વોનો અડિંગો
નડિયાદ નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે ઉપયોગમાં લઈ ન શકાય તેવા બનેલાં આ શૌચાલયમાં રાત્રીના સમયે દારૂડીયાઓ અડીંગો જમાવી મહેફિલ માણે છે. શૌચાલયમાં જોવા મળતી દેશી દારૂની ખાલી કોથળીઓ જેની સાક્ષી પુરાવે છે.
બારી-બારણાં, લોખંડની જાળી ગાયબ
હુડકો અને રાજ્ય સરકારની સહાયથી નડિયાદ શહેરમાં ૧૨ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ આ શૌચાલય છેલ્લાં ઘણાં વર્ષોથી બંધ હાલતમાં છે. ગુજરાતમિત્રની ટીમે આ શૌચાલયની અંદર જઈ તપાસ કરતાં, તેમાં અસહ્ય ગંદકી જોવા મળી હતી. તદુપરાંત શૌચાલયના બારી-બારણાં અને મુખ્ય દરવાજાની લોખંડની જાળી ગાયબ હતી.