નડિયાદ: નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની કુલ ૧૧ બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી. જેમાં ગુરૂવારે મતદાન બાદ મતગણતરીના અંતે ભાજપના તમામ ૧૧ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. ભાજપના ઉમેદવારો જંગી મતોથી વિજયી બનતાં કમલમમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની ૧ જગ્યા, મેટ્રીક્યુલેશન અગર બીજા વર્ષની ટ્રેઈનીંગ સર્ટીફિકેટની પરીક્ષા પાસ કરી હોય અથવા તેથી વધુ ઉચ્ચ કેળવણી લાયકાત ધરાવતાં હોય તેવી ૩ જગ્યા અને સામાન્ય સભાસદોની ૭ જગ્યા મળી કુલ ૧૧ જગ્યા માટે તારીખ ૧૭ ફ્રેબ્રુઆરીને ગુરૂવારના રોજ ચુંટણી યોજાઈ હતી. નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન યોજાયેલી આ ચુંટણી પ્રક્રિયા દરમિયાન નડિયાદ નગરપાલિકાના ચુંટાયેલા તમામ બાવન ઉમેદવારોએ મતદાન કર્યું હતું. ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયાના એક કલાક બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના તમામ ૧૧ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. લગભગ ૧૭ વર્ષ બાદ યોજાયેલી ચુંટણીમાં કેસરીયો લહેરાતા વિજેતા બનેલાં ઉમેદવારો સહિત નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરો, આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલિકાના કાઉન્સિલરો તેમજ ભાજપના કાર્યકરોએ સભાખંડમાં જ જીતનો જશ્ન મનાવ્યો હતો.
વિજેતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત
અંકુરભાઇ શૈલેષભાઇ શાહ : બી.કોમ., ડિપ્લોમા ઇન યોગા
અતુલભાઇ ઇન્દ્રપ્રસાદ પંડ્યા : બી.બી.એ.
કેવલભાઇ સુરેન્દ્રભાઇ ભટ્ટ : એમ.એ.એલ.એલ.બી., એલ.એલ.એમ.
વિશાલભાઇ દિલીપભાઇ અમીન : બી.એસ.સી.
જિજ્ઞેશભાઇ મનુભાઇ પટેલ : ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ એન્જિનીયરીંગ
રાકેશભાઇ રમેશભાઇ પટેલ : ૧૨ પાસ
વ્હોરા મહંમદઇમરાન અબ્દુલરહીમ : એચ.એસ.સી. પાસ, આઇ.ટી.આઇ.
હિનલ જગદીશભાઇ પટેલ : એચ.એસ.સી. પાસ
પ્રિયેશભાઇ ગિરીશભાઇ દેસાઇ : ૧૦ પાસ
અજયભાઇ સુંદરલાલ પંજાબી : ૯ પાસ
ભૂમિકાબેન નટવરભાઇ મારૂ : ૧૨ પાસ
સૌથી વધુ શિક્ષિત અને યુવા ઉમેદવાર કેવલ ભટ્ટનો વિજય
શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સૌથી યુવા વયના ઉમેદવાર કેવલભાઇ સુરેન્દ્રભાઇ ભટ્ટ છે. જેઓ 3૦ વર્ષના છે. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ શિક્ષિત પણ કેવલભાઇ છે. તેઓએ એમ.એ.એલ.એલ.બી. અને એલ.એલ.એમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ચુંટણીમાં ૫૧ મત મેળવી વિજેતા બન્યાં છે.