નડિયાદ: નડિયાદ શહેરમાં રખડતી ગાયે વૃધ્ધને ગોથુ મારી મોત નિપજાવ્યું હતુ. આ મામલે મૃતકની પત્નિએ નડિયાદ પોલીસમથકમાં અરજી આપી ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર સહિતના જવાબદારો સામે ફરીયાદ નોંધી, કાર્યવાહી કરવાની માંગ કરી છે. નડિયાદ શહેરમાં જ્યાં નજર જાય ત્યાં રખડતાં પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે અને આવા પશુઓ અવારનવાર શહેરીજનોને શિંગડે ચઢાવી રહ્યાં છે. આ મામલે પાલિકાના નઘરોળ અને ભ્રષ્ટ તંત્ર દ્વારા પશુઓને પાંજરે પુરવા માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
પરિણામ સ્વરૂપ ગત તા.25-5-23 ના રોજ સવારના સમયે બજારમાં ઈન્દુભાઇ મિસ્ત્રી (રહે.નવાઘરા, દેસાઈવગો, નડિયાદ) ને ગાયે ગોથુ મારતાં, તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ, ઈન્દુભાઈ મિસ્ત્રીનું સારવાર દરમાયન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પાલિકાની બેદરકારી ઉજાગર થઈ હોવાની બૂમો ઉઠવા પામી છે. આ મામલે મૃતક ઈન્દુભાઈના પત્નિ કૈલાશબેને નડિયાદ ટાઉન પોલીસમથકમાં એક અરજી આપી, આ ઘટના પાછળ જવાબદાર નડિયાદ નગરપાલિકાના ચીફઓફિસર તેમજ ગાયો પકડવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ ધરાવતાં કોન્ટ્રાક્ટર સહિત જવાબદાર તમામ સામે ફરીયાદ નોંધવા માંગ કરી છે.
કૈલાશબેને આ અરજીમાં જણાવ્યું છે કે, મારા પતિ દૂધ લેવા માટે અમારા ઘરની નજીક આવેલ દુકાને જઈ રહ્યા હતા તે વખતે એક ગાય દ્વારા તેઓને ગોથુ મારેલું જેનાથી ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મૃત પામ્યા હતા. મારી હાલ હાલત ખૂબ ગંભીર છે મારી ત્રણ દીકરીઓ છે જે નડીયાદથી ઘણી દૂર પરણાવેલી છે હું ચાલી શકું તેવી પરિસ્થિતિમાં પણ નથી. પરંતુ મારી એજ માંગ છે કે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, નડિયાદ નગરપાલિકાના ગાયો પકડવાના આપવામાં આવેલા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી મને યોગ્ય ન્યાય અપાવશો. અગાઉ પણ રખડતી ગાયો દ્વારા ઘણા માણસો મૃત્યુ પામેલા છે. જેથી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ તાત્કાલિક ધોરણે પોલીસ ચોપડે એફઆઇઆર થાય અને ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી માંગ છે.
ઢોરથી મોત અંગે એક પણ ફરીયાદ ફાડી નથી
આ મામલે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના લીગલ સેલના પ્રમુખ જે.જી.તલાટીએ ડી.એસ.પીને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, નડિયાદમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રખડતાં ઢોરોના હુમલાથી 8 થી 10 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાં છે. જ્યારે, 3 થી 4 વ્યક્તિઓ મોતને ભેટ્યાં છે. પરંતુ, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ માત્ર જાણવા જોગ એન્ટ્રી ફાડીને સંતોષ માને છે છે. તાજેતરમાં જ એક વૃધ્ધનું ગાયના હુમલાથી મોત થયું છે, તેમાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી ઘોર ઉદાસીનતા દાખવવા બદલ પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા તેમજ અત્યાર સુધી બનેલાં તમામ બનાવોમાં કાર્યરત ચીફઓફિસરને આરોપી નં 1 તરીકે જોડવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.