નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળો પર શોપિંગ સેન્ટરો બનાવ્યા છે. આ શોપિંગ સેન્ટરો પૈકી ઘણી દુકાનો બંધ હાલતમાં છે. જ્યારે બાકીની ભાડે આપેલી દુકાનોનું છેલ્લા બે વર્ષ ઉપરાંતથી ભાડું લેવામાં ન આવતા નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તો બીજીતરફ નગરપાલિકા વેરો ઉઘરાવવા અને વધારવા માટે પ્રયત્નશીલ બનતા પાલિકાની બેવડી નીતિની શહેરીજનોમાં ભારોભાર ટીકા થઈ રહી છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા લોકો ધંધા રોજગાર કરી રોજગાર મેળવી શકે તેમજ પાલિકાને ભાડાની આવક ઊભી થાય તે આશયથી શહેરમાં ઠેર-ઠેર પાકી દુકાનો બનાવવામાં આવી હતી. જે પૈકી ઘણા શોપિંગ સેન્ટરોની દુકાનો પાલિકા તંત્રની અણ આવડત અને ઘોર બેદરકારીના કારણે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. નડિયાદ શહેરમાં મલારપુરા રોડ તેમજ અમદાવાદી બજારમાં જૂની હરિદાસ હોસ્પિટલની જગ્યામાં શોપિંગ સેન્ટરની દુકાનો બંધ હાલતમાં હોય જર્જરીત થઈ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે.
બીજી બાજુ સંતરામ રોડ પર-13 દુકાનો, શાર્ક માર્કેટ-12 દુકાનો, મીલ રોડ-47 દુકાનો, ગંજ બજાર 16 દુકાનો, માણેકચોકમાં 26 સ્ટોલ, સંતરામ નિલાયમમાં 70 દુકાનો, ચાર શોરૂમ સહિતની દુકાનોનું વર્ષ 2020થી નગરપાલિકા દ્વારા કોઈ કારણસર ભાડું લેવાનું બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે નગર પાલિકા બંધ પડેલી દુકાનોની હરાજી કરી ભાડે વેચાણ આપવામાં આવતી નથી કે ભાડે આપેલ દુકાનોનું બે વર્ષ ઉપરાંતથી કોઈ કારણસર ભાડું લેવામાં આવતું નથી, જેથી પાલિકાની દુકાનોના મુદ્દે નગરજનોમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે. નડિયાદ પાલિકા દ્વારા દુકાનદારો સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઇ છે.
બંધ દુકાનોની હરાજી કરી ભાડે આપવા માગ
નડિયાદ નગરપાલિકા મલારપુરાની 19 દુકાનોની ટેકનિકલ કારણોસર હરાજી કરવામાં આવી ન હોવાનું પાલિકા તંત્ર ગાણું ગાય છે. ત્યારે મલારપુરા રોડ, જૂની હરિદાસ હોસ્પિટલની દુકાનો તેમજ નડિયાદ પશ્ચિમ વલ્લભ નગરમાં સંખ્યાબંધ બંધ પડેલ દુકાનોની હરાજી કરી ભાડે આપવામાં આવે તો પાલિકાને લાખો રૂપિયાની આવક ઊભી થાય તેમ છે.
કોર્ટે મેટર ચાલતી હોવાથી ભાડું લેવાનું બંધ કર્યું છે
નડિયાદ શહેરમાં આવેલી પાલિકાની દુકાનોનું બે વર્ષ ઉપરાંતથી ભાડું લેવાનું બંધ કરવાના મામલે ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડનો સંપર્ક કરતા તેઓએ કોર્ટે મેટર ચાલતી હોવાથી ભાડું લેવાનું બંધ કર્યું હોવાનું જણાવ્યું હતું.