એક તરફ સુરત પોલીસ હેલ્મેટ પહેરવા, ગાડી સ્પીડમાં ન દોડાવવા અને સિગ્નલના નિયમનું પાલન શહેરીજનો કરે તે માટે સ્પેશ્યિલ ડ્રાઈવ ચલાવી રહી છે બીજી તરફ નબીરાઓ પોલીસનો ડર રાખ્યા વિના બેફામ વાહનો દોડાવે છે અને તેના વીડિયો બનાવી વાયરલ કરી રહ્યાં છે.
આવો જ સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નબીરો બેફામ ફુલસ્પીડમાં કાર દોડાવી રસ્તા પર ડ્રીફ્ટ મારતો નજરે પડે છે. આ રીતે જાહેર માર્ગ પર સ્ટંટ કરી નબીરાએ લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે શહેરના પોશ વિસ્તાર અલથાણ વેસુમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી નજીક એક ભૂરા રંગની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે નબીરો જોખમી ડ્રિફ્ટ મારી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયો છે.
નબીરો રાત્રિના સમયે પોતાની બ્લુ રંગની મર્સિડીઝ કાર લઈ ફિલ્મી સીનસપાટા કરી રહ્યો છે. યુનિવર્સિટીની સામે જ કારને 360 ડિગ્રી ચાર વાર ગોળ ગોળ ફેરવી જોખમી સ્ટંટ કર્યા હતા. ટાયર ઘસાવાનો અવાજ પણ આવતો હતો જે બતાવે છે કે કારની સ્પીડ ખૂબ હશે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, વીડિયો અમારા ધ્યાન પર આવ્યો છે. કારના નંબરના આધારે ડ્રાઈવરને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરવો એ ગંભીર ગુનો છે. આ રીતે વાહન હંકારી શકાય નહીં. નબીરાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.