Comments

મારું પગલું પડ્યું ને પતિનું પાનું ફર્યું..!

ઉફ્ફ્ફ..! ટાઈટલ ગરબા જેવું લાગ્યું ને? ટેન્શન ના લો, હું ગરબા ખેંચવાનો નથી. (હાલરડું ન આવડે, એ શું ગરબો ખેંચવાનો?’ એ કોણ બોલ્યું..? સખણા રહો ને યાર..?) આ ટાઈટલ મને મારી વાઈફ તરફથી મળેલી ભેટ છે. જો કે ઘણાની વાઈફ આવું બોલતી હશે, પણ અમુકની વિચારધારા ‘ન બોલ્યામાં નવ ગુણ’ જેવી, એટલે મંકોડાની માફક બોલતા ના હોય, ને હું (હ)સાહસ કરું છું. હાસ્યના રવાડે આમ જ ચઢાય બોસ..! વિચાર એ વાતનો આવે કે, કેવી ગુણિયલ પત્ની મને મળી છે..?

કોઈની પણ વાઈફ આવું કહે કે, ‘મારું પગલું પડ્યું ને પતિનું પાનું ફર્યું’  ત્યારે રાજીપો લેવાનો. પાંચ-તારક હોટલમાં લઇ જઈને મિજબાની આપવાની..! મોંઘીદાટ કેટલીય અગરબત્તીનો ધુમાડો કરવા છતાં, જે કામ ભગવાન કરી શક્યા નહિ, એ કામ ‘વાઈફ’ કરી બતાવે એ કોઈ નાચીઝ વાત નથી. વાઈફ સિવાય બીજા વાહવાહી કરે કોણ..? માટે લગનનો ખર્ચો કામિયાબ નીવડ્યો એનો આનંદ માણવાનો. વડવાઓ બણગાં નહિ ફૂંકી ગયેલાં કે, “પ્રત્યેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે..!” તોઓઓઓ..? જગત ભલે જાણતું હોય કે, જિંદગીનું પાનું ફેરવવામાં તમે કેવા આંટે લાગી ગયેલા? પરસેવાના કેટલા ફુવ્વારા કાઢેલા? છતાં જશ વાઈફ લેતી હોય તો લેવા દેવાનો.

એ પણ એક પુણ્ય છે..! એને જ પરસ્પરના પ્રેમનું સંવર્ધન કહેવાય..! તમારા માટે એ કેટકેટલા વ્રત કરે, ઉપવાસ કરે, મંદિરના આંટાફેરા કરે એ ધ્યાને લેવાનું. બધું વ્યર્થ ના જવું જોઈએ. શું કહો છો ભૂરા..?  વાઈફ એટલે જ જિંદગી અને જિંદગી એટલે જ વાઈફ..! દુનિયાના તમામ સુખો ભલે મહેનત કે બાધા આખડીથી મળ્યા હોય, પણ વાઈફ મને માંડ માંડ મળેલી..! સાચવવી તો પડે ને..? હવે ક્યાં પાકા ઘડે કાંઠા ચઢવાના છે..? લગન ભલે પાણીના ભાવે થયેલા, પણ છેડા છૂટા કરવાની નોબત આવે તો, મોટી લોન લઈને જ પડીકું વળાય, એટલા છૂટાછેડા પણ હવે તો મોંઘા થઇ ગયા.માટે ‘સબકા માલિક એક’ ની માફક વાદ સંવાદમાં ઊતરવું જ નહિ. વાઈફ કો કભી કમજોર મત સમજના..!

ઘરમાં ભલે ડોળા કાઢતી હોય, પણ વટસાવિત્રીએ વડને દોરા બાંધવા એ જ જાય છે. કોના માટે..? આવું જોઈએ ત્યારે લાગણીના ઝરા ફૂટવા જોઈએ. મગજમાં ભરી રાખવાનું કે, ઘરનું ઢાંકણ નાર..! સુરતના હાસ્યકાર સ્વ. રતિલાલ ‘અનિલ’ સાહેબે એક વાર લખેલું કે, ‘સૂતળી મળી ને સ્વેટર ગૂંથ્યું’ એમ વટસાવિત્રી આવી અને મેં પણ આ ‘લોંગ-કોટ’ ગૂંથી નાંખ્યો..!. વટ-સાવિત્રી જ્યારે ફળવાની હોય ત્યારે ફળે, પણ વાઈફની વટ-સાવિત્રીની વિધિમાં લેખનું ટાઈટલ જડી ગયું. એક વાત છે દોસ્ત..! ‘ખાંડ વિના જેમ સૂનો કંસાર, એમ હાસ્ય વિના સૂનો સંસાર..!’ હસતાં હસાવતાં રહીએ તો જ સંસારના બોજ હળવા થાય. એકની એક વાઈફ માટે આવા ભોગ આપીએ તો એને પણ હાસ્ય-દાન કહેવાય. (એકાદ કાનખજૂરો તો બોલશે જ કે, ‘બધાને જ એકની એક વાઈફ હોય’ એને શું ખબર કે,  કુંવારાને મુદ્દલે હોતી નથી..!)

ઘરમાં કંસારનાં રાંધણ થાય કે, ચૂલ્હે હડતાળ પડે, આ આખાય લેખમાં મેં મારી જ પત્નીની ઉર્ફે શૈલીની વાત કરી છે. મારી વાઈફને આવા તકિયાકલામ બહુ સૂઝે કે, “તમારા ભાઈ તો મારા પગલે જ ઠેકાણે પડ્યા, મારા માટે તો દૂર દૂરથી માંગાં આવતાં હતાં, (એવું તો કહેવાય નહિ કે, નજીકવાળા તને ઓળખે એટલે દૂરના જ માંગાં આવે..!) હું આવ્યા પછી જ તો એમનું પાનું ફર્યું, અમારા બચુડાના પપ્પા તો સાવ ભોળકા, કોઈ પણ આવીને એને છેતરી જાય..! “ બીજી એક સર્વશ્રેષ્ઠ વાત કરું તો, તમામ વાતે આખરી નિર્ણય તો આજે પણ એનો જ હોય, છતાં એવું કહે કે, ‘મારે તો મારા બચુડાના પપ્પાને પૂછવું પડે’  મગતરી તરત છટકી જાય..! છેવટે ધારેલું તો એનું જ થાય..!

રસોઈ માટે પૂછશે  ખરી કે, ‘આજે રસોઈમાં શું બનાવું નાથ..? બાકી, એના કપાળમાં કાંદા ફોડું,  સવારથી મગ તો પલાળી જ રાખ્યા હોય..! ફરજીયાત મગ જ ખવડાવે..! બોસ…! આપણી બુદ્ધિ જ્યારે ‘રીઝર્વ’ માં પડે, ત્યારે એમની બુદ્ધિ ત્યાંથી શરૂ થાય..! સારું છે કે, મોબાઈલ-ટીવી- વગેરે આવી ગયું, એમાં ઓટલા પરિષદમાં કાપ આવ્યો. બાકી, ઓટલે આવનારની હૈયાવરાળ હોય કે, મંગલ-મસ્તીની ખુશાલી હોય, બધું ઓટલે જ ઠલવાતું..! ઓટલે આવનારો ક્યારેય ખાલી હાથે, SORRY ખાલી ‘કાને’ નહિ જતો. ‘બ્રીકીંગ ન્યુઝ’ કે ભંભેરણીનું ભાથું લઈને જ સૌ  છૂટાં પડતાં. પછી જેવું ફ્લેટનું અસ્તિત્વ આવ્યું ને બજારમાં મોબાઈલ ને ટી.વી. આવ્યા એટલે ઓટલાઓ  હાંસિયામાં ચાલી ગયા ને માણસ ‘ફલેટ’ બની ગયો.

પતિ અને પત્ની એટલે સિક્કાની બે બાજુ..! સિક્કાની કાંટ-છાપ એકબીજાને ગમે કે નહિ ગમે, પણ ચલણમાં ચાલે તો જ રૂપિયો, નહિ તો બહુરૂપિયો..!. સંતોષી વર જ સદા સુખી. સંસાર એટલે ગંજીફાની રમત છે યાર..? બધાની બાજીમાં ત્રણ એક્કા નીકળવાના નથી, છતાં આશા હોય કે, મારામાં આવે તો સારું. જે પાનું આવે તે મર્દાનગીથી રમી નાંખવાનું. ‘આ બૈલ મુઝે માર’ જેવી ચેષ્ટા નહિ કરવાની.

બરડામાં ખંજવાળ નીકળે તો સહન કરીએ ને, એમ સહન કરી લેવાનું. બાકી, વાઈફને પ્રેમ જ થાય. અઘરા પલાખા પૂછવા ગયા તો, ખલ્લાસ, સર્જીકલ સ્ટ્રાઈક જ થાય..!  ઝઘડતી વખતે બચેલી શ્વાસની સિલ્લક પણ જોવાની. ‘ઘર ઘર ગેસના ચૂલ્હા’ જેવી કહાની છે મામૂ..! જેટલી ખેંચો એટલી લાંબી થાય. દુનિયા ચલાવવાની જવાબદારી ભગવાને ભલે માણસને આપી હોય, બાકી માણસને ચલાવવાની ચાવી આજે પણ વાઈફ પાસે જ છે..! સુખી થવાના બે જ રસ્તા છે. આ બે શબ્દો હોઠ ઉપર લટકાવી રાખવાના, એક ‘હાજી’ અને બીજો ‘sorry..!’ વાર્તા પૂરી…!

લાસ્ટ બોલ
ચમનિયાના ઘરમાં બે જ પગનો આખડિયો..! આખડિયાનો એક પગ તૂટેલો પણ કંજૂસ નંખાવે નહિ. એટલે રોટલી વણે ત્યારે આખડિયામાંથી કાયમ ‘ખટાક્..ખટાક્’ અવાજ આવે. ચમનિયાનાં લગન થયાં ને જેવી વાઈફ આવી, તેનાથી આ ‘ખટાક્…ખટાક્’  અવાજ સહન નહિ થયો. એણે આખડિયાના બાકીના બે પગ પણ તોડી નાખ્યા..! એટલે અવાજ બંધ થઇ ગયો..! આ જોયા પછી ચમનિયાએ ક્યારેય વાઈફ સાથે માથાકૂટ કરી નથી. એને સમજાઈ ગયું કે, મારા પણ બે જ પગ છે, એટલે મારે મારી હાલત આખડિયા જેવી કરવી નથી. પગ સલામત તો સબ સલામત..! એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top