SURAT

સ્ટેમ્પ ટિકિટનો ઉપયોગ પર્સનલ પોસ્ટ મોકલવા માટે પણ કરી શકાશે

સુરત : આજે ઈ-ગવર્નન્સ અને ઈન્ટરનેટના યુગમાં વૈશ્વિક સ્તરે પોસ્ટ વિભાગનું ભલે ધોવાણ થયું હોય, પરંતુ ટપાલ ટિકિટનો જાદુ હજી બરકરાર છે. એટલા માટે જ ભારતીય ડાક વિભાગે સામાજિક ક્ષેત્રે પોસ્ટ વિભાગનું અસ્તિત્વ જાળવી રાખવા અનોખો અને આવકારદાયક નિર્ણય કર્યો છે. તાજેતરમાં ‘‘માય સ્ટેમ્પ’’નામની (My Stamp Service by Post Office) આકર્ષક સેવા ચાલુ કરી છે. આ સેવાના માધ્યમથી આપણે આપણી યાદગાર પળોની હવે ટપાલ ટિકિટ બનાવી શકીશું.

આ ટપાલ ટિકિટનાં માધ્યમથી હવે લોકો સાથે સીધો લાગણીનો સંબંધ જોડવા પોસ્ટ વિભાગે અનોખી પહેલ કરી છે. પ્રતિદિન મોટી સંખ્યામાં ટપાલ ટિકિટનો ઉપયોગ કરતી કોઈ પણ સંસ્થા તેમનો ફોટો અને લોગો સાથેની સ્પેશિયલ ટિકિટ છપાવી શકશે. જેમાં માનવંતા નાગરિકો તેમના પ્રિય બાળકોની જન્મદિવસની યાદ, મેરેજ એનિવર્સરી અથવા તો કોઈપણ એચિવમેન્ટ હોય તેની ટિકિટ તેઓ છપાવી શકશે.

આ અંગે નાનપુરા પોસ્ટ ઓફિસના જનસંપર્ક અધિકારી રમેશ એમ.દેસાઈ જણાવે છે કે, આ માટેની પ્રક્રિયા ઘણી જ સરળ છે. જે વ્યક્તિ પોતાના નામનો સ્ટેમ્પ બનાવવા માંગતા હોય તેણે એક ફોર્મ ભરવાનું હોય છે. અને પોતાના આઈ.ડી. પ્રૂફ સાથે નાનપુરા પોસ્ટ ઓફિસ પર આવવાનું રહેશે. આ માટે રૂ.300 (ત્રણસો) ચાર્જ લેવામાં આવશે. સ્ટેમ્પ ટિકિટ છપાવવા માટે આવનારા માનવંતા સુજ્ઞ નાગરિકોને તુરંત ટપાલ ટિકિટની આપી શીટ પ્રિન્ટ કરી હાથોહાથ આપી દેવામાં આવશે. આ સ્ટેમ્પ ટિકિટનો ઉપયોગ પર્સનલ પોસ્ટ મોકલવા માટે પણ કરી શકાશે.

Most Popular

To Top