Business

આંખોં મેં ઘુલ ન જાયેં કહીં ઝુલ્મતોં કે રંગજિસ સમ્ત રૌશની હૈ ઉધર દેખતે રહો- અનવર મોઅઝ્ઝમ

આંખોમાં પ્રસરી જાય નહીં ક્યાંક તિમિરના રંગ, જે તરફ પ્રકાશ છે તે તરફ જોતા રહો. આમ તો આંખમાં તિમિર(ઝુલમતોં)નું પ્રસરી જવું એટલે દૃષ્ટિ જતી રહેવી. આંખની રોશની જે ગુમાવે છે તેના માટે પ્રકાશની કાયમ માટે ગેરહાજરી થઈ જતી હોય છે. આંખની રોશની એટલે તમારી આંખની દૃષ્ટિ. એ ગુમાવી દો તો તમારી આંખની સામે ફક્ત અંધકાર જ રહે. ક્યાંય પણ પ્રકાશ નહીં રહે. પરંતુ અહીં જે તરફ પ્રકાશ છે તેની તરફ જોતા રહો તો આંખમાં અંધકાર પ્રસરી નહીં જાય. તેજ તરફ(સમ્ત) તમારી દૃષ્ટિ રહેવી જોઈએ. એ ઓજસ જ્ઞાનનું પણ હોઈ શકે. એ પ્રકાશ સત્યનો પણ હોઈ શકે. એ રોશની કરુણાની પણ હોઈ શકે. તમારી દૃષ્ટિ હોય તો અંધકાર વચ્ચે પણ સત્યનો ઝબકાર તમે જોઈ શકો. અંધકારમાંથી બહાર નીકળવા માટે તમારે આવા ઝબકારાને જોતા રહેવું પડે. તમારી દૃષ્ટિ તમને જીવનમાં સાચો માર્ગ બતાવી શકે. અંધકારને દૂર કરવા એક દીવો કાફી છે. એક દીપ અનેક દીપને ઝગમગાવી શકે. જીવનના અંધકારને દૂર કરવા જ્ઞાનના દીવાની જ્યોત સળગાવવી પડે. તેનો પ્રકાશ તમારા જીવનને નિરર્થકતામાંથી બહાર કાઢી સાર્થકતા તરફ દોરી જઈ શકે. જીવનમાં આવા ઝબકારાને પારખવાની જરૂર છે. જીવનની સાર્થકતા પામવા માટે તમારે ખોટા હઠાગ્રહ કે પૂર્વગ્રહથી દૂર રહેવું પડે. તમારામાં ત્યાગની ભાવના હોય તો જ તમારી દૃષ્ટિ પ્રકાશ તરફ રહે. તમારામાં કરુણા હોય તો જ તમે બીજાના દુઃખને જાણી શકો. જો તમે સંવેદના રાખો છો તો બીજાની પીડાને સમજી શકો છો. જીવનમાં આવા પ્રકાશના દીવાનો ઝળહળાટ હોય તો તમારી આંખોમાં ક્યારે પણ તિમિર પ્રસરી નહીં શકે. જીવનમાં બીજા પ્રત્યે સ્નેહ, કરુણા અને સંવેદના દર્શાવો તો તમારી આંખો સામે હંમેશા ઝળહળાટ રહે. અંધારું તમારાથી દૂર જ રહે. માણસના જીવનમાં જ્ઞાનનું તેજ પણ ત્યારે જ પથરાય જ્યારે બીજાની પીડા કે દુઃખને તમે સમજી શકો. જીવનને સાર્થક કરવા માટે આવા દીવાના પ્રકાશ તરફ તમારી નજર રાખો. તમારે અંધકારથી દૂર રહેવા માટે પણ આવા પ્રકાશની તરફ જોતા રહેવું પડે. આવા પ્રકાશના ઝબકારાને જોતા રહો તો તમે સંકટના અંધકારથી બચી શકો.

Most Popular

To Top