National

‘આતંકના આકાઓને મારો સીધો અવાજ…’- કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખમાં મોદીનો હુંકાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે શુક્રવારે 26 જુલાઈના રોજ એટલે કે કારગિલ વિજય દિવસ (Kargil Victory Day) નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના (Ladakh) દ્રાસ પહોંચ્યા હતા. અહીં કારગિલ વિજય દિવસના અવસરે તેઓ વોર મેમોરિયલ પહોંચ્યા અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેમની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય.

1999ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રસંગે પીએમ મોદીએ લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ લેહને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને જ્યારે આ ટનલ પૂર્ણ થશે, ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર લદ્દાખ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અહીં ઘણા મોટા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે અને નવા રસ્તા અને પુલ બનાવવામાં આવ્યા છે.

આતંકવાદીઓને ચેતવણી
પીએમ મોદીએ લદ્દાખમાં આતંકીઓને ચેતવણી પણ આપી હતી. પીએમે કહ્યું કે, આતંકના આકાઓ મારો સીધો અવાજ સાંભળી શકે. તેમની નાપાક યોજનાઓ ક્યારેય પૂર્ણ થશે નહીં. દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.. લદ્દાખ હોય કે જમ્મુ અને કાશ્મીર, ભારત પોતાના વિકાસની સામે રહેલા દરેક પડકારને ચોક્કસપણે હરાવી દેશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણા બહાદુર જવાનો આતંકવાદને પૂરી તાકાતથી કચડી નાખશે.

દેશની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા લોકોના નામ અમર રહે છેઃ પીએમ મોદી
કારગિલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પીએમ મોદીએ લોકોને સંબોધતા કહ્યું, “કારગિલ વિજય દિવસ આપણને કહે છે કે રાષ્ટ્ર માટે આપેલા બલિદાન અમર છે. દિવસો, મહિનાઓ, વર્ષો પસાર થાય છે, દાયકાઓ પસાર થાય છે અને સદીઓ પણ પસાર થાય છે. પરંતુ શહીદોના નામ અમર રહે છે. ઘણા લોકોએ રાષ્ટ્રની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો , તે શહીદો ફક્ત યુદ્ધ જ જીત્યા નથી, તેઓએ ‘સત્ય, સંયમ અને શક્તિ’નું અદ્ભુત ઉદાહરણ આપ્યું છે.

‘માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપનાર શહીદોને હું સલામ કરું છું’
પીએમ મોદીએ કહ્યું, “હું ભાગ્યશાળી છું કે કારગિલ યુદ્ધ દરમિયાન, હું મારા સૈનિકોની વચ્ચે એક સામાન્ય દેશવાસી તરીકે હતો. આજે જ્યારે હું ફરીથી કારગિલની ધરતી પર છું, ત્યારે સ્વાભાવિક છે કે તે યાદો મારા મનમાં તાજી થઈ ગઈ છે. મને યાદ છે કે આપણા દળોએ કેવી રીતે આટલું મુશ્કેલ યુદ્ધ ઓપરેશન પાર પાડ્યું હતું, હું તે શહીદોને સલામ કરું છું જેમણે માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.”

Most Popular

To Top