Vadodara

મારી પુત્રી હાલમાં પણ સાથે જ છે તેને ન્યાય અપાવીને જ જંપીશ: માતા

વડોદરા: ‘મમ્મી મને ન્યાય અપાવજો ‘મે કોઇજ ખોટું કામ નથી કર્યું’ હૃદયદ્રાવક વલોપાત કરતા માતા પિતાએ આજે આજે રેલવે પોલીસને મળીને તપાસ બાબતે ચર્ચા કરતા ઓએસીસ સંસ્થા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોબરની રાત્રે ગેંગરેપની ઘટનામાં ભાંગી તૂટેલી 19 વર્ષની ફૂલ જેવી માસુમ યુવતીએ હતાશ થઇને ગુજરાત ક્વિનમાં ગળાફાંસો ખઇ આપઘાત કરી લીધો હતો. પોતાની સાથે જઘન્ય કૃત્ય પાંચ-પાંચ દિવસ સુધી સહન કર્યા બાદ  ઓએસીસ સંસ્થાને સંપૂર્ણ જાણકારી હોવા છતાં તેમના તરફથી કોઇ જ પ્રકારની મદદ ન મળતા યુવતીએ જીવન ટુકાવ્યું હતું. શરમજનક બાબત તો એ છે કે ગેંગરેપ અંગે મૃતકના પરિવારને જાણ સુદ્ધા કરવાની સંસ્થાના હોદ્દેદારોએ જાણ ના કરી અને માતા-પિતાને તેમની જુવાન જોધ પુત્રીને ગૂમાવવી પડી હતી. જેનો ભીની આંખે વસવો કરતા માતા-પિતા અને તેના મામા વલસાડથી વડોદરા આવ્યા હતા.

રેલ્વે તપાસ અધિકારીને મળ્યા બાદ તપાસ સંદર્ભે આરોપીઓ કયારે પકડાશે તેવી પૂછતાછ કરી હતી. પત્રકારો સમક્ષ વેદના ઠાલવતા પિતાએ જણાવ્યુ હતુ કે અમને અમારી પુત્રી માટે ન્યાય જોઇએ છે. જે સંસ્થા સાથે મારી પુત્રી જોડાયેલીછે સંસ્થાએ મદદાર્થે મેસેજ કર્યા છતાં કેમ સહાય ના કરી ? પોલીસ સંસ્થા સાથે શાંતિપૂર્વક વલણ કેમ અપનાવે છે ? આ તો લાતો ભૂત વાતોના માને તેમ કડકાઇભર્યુ વલણ પોલીસ નહિ અપનાવે તો સત્ય હકીકત બહાર આવશે નહિ. પોલીસ સત્વરે સત્ય હકીકત બહાર લાવે તેવી માંગ કરી હતી.

તો બીજી તરફ ભાંગી પડેલી માતાએ પો તીખી પ્રતિક્રિયા ઓએસીસ સંસ્થા પ્રત્યે વ્યક્ત કરી  જણાવ્યુ હતુ કે સંસ્થાએ ન્યાયના હિતમાં મદદ ના કરી એટલે જ અમારે પુત્રી ગુમાવવી પડી છે. મારી પુત્રી હાલ પણ મારી સાથે જ છે. અને હુ જીવીશ ત્યાં સુધી રહેશે તે મને કહે છે કે મમ્મી મને ન્યાય અપાવજે મારો કોઇ વાંક ગુનો નથી. અને હું જીવીશ ત્યાં સુધી મારી પુત્રીના ન્યાય માટે ઝઝુમીશ.

તેમણે એ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમો તદ્દન મધ્યમવર્ગીય માણસ છે. વલસાડથી અહિ આવવામાં 1100 થી 1200 રૂપિયા ખર્ચાઇ ગયા છે. અમો સામાન્ય છીએ એટલે ન્યાય માટે વલખા મારવા પડે છે. હમણા કોઇ મોટા ઘરની કે નેતા અધિકારીની પુત્રી સાથે આવી ઘટના બની હોત તો આરોપીઓ કયારનાય પોલીસના સકંજામાં આવી ગયા હતા.  મારી પુત્રી સંસ્થાના બેજવાબદાર વલણના કારણે જ મોતને ભેટી છે. સંસ્થામાં નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કાર્યરત હોવાથી પોલીસ કુણુ વલણ અપનાવે છે.

સંજીવ શાહની ઉપર મારી પુત્રીને અતુટ વિશ્વાસ હોવાથી મદદ માટે સતત ફોન અને મેસેજ કર્યા હતા. છતાં દુર્લક્ષ સેવીને કોઇ જ સહાય ના કરી. મૃતકના માતાએ પણ નબળી પોલીસ તપાસને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે અગાઉ પ્રતિબંધ લગાવાયેલી સંસ્થાની વગ અને શેહમાં પોલીસ દબાઇ ગઇ છે. આ સંસ્થા અમોને તો કોઇ જાણકારી જ નહિ, નહિતર અમે અમારી ભાણેજને કયારેય ના મુક્ત સેવાભાવી સંસ્થા હોય તો આવા કપરા સમયમાં અમારી છોકરીને નિ:સહાય દશામાં છોડી જ કેમ ? હવે પોલીસ અમને ન્યાય અપાવે તેવી જ આશા છે.

Most Popular

To Top