સુરત: વર્લ્ડ ફાધર્સ ડે દર વર્ષે જૂનનાં ત્રીજા રવિવારે ઉજવાય છે. જે પપ્પાની આંગળી પકડીને ચાલવાનું શીખ્યા હોઈએ તેમનો અચાનક જ સાથ છૂટી જાય તો આ દુઃખમાં થી બહાર નીકળવું અશક્ય અને ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. જેમણે નાની ઉંમર મા પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા યંગસ્ટર્સ પિતાની યાદ કાયમ રાખવા અને ફાધર્સ ડે ને લઈને પિતાનાં ફેસનાં પોટ્રેટ ટેટૂ, ક્રાઉન (તાજ) સાથે પાપા લખાવેલાં, પિતાનાં હાથે પેપર પર લખાયેલાં તાજ (ક્રાઉન) સાથેનાં ડેડીઝ ગર્લનાં લખેલાં પરમેનન્ટ ટેટૂઝ બનાવ્યા છે. કેટલાંક યંગસ્ટર્સએ ડેડીને બર્થડે ગિફ્ટ આપવા અથવા ફાધર્સ ડે પર પપ્પાને સરપ્રાઈઝ આપવા ડેડીને રિલેટેડ હાથ પર ટેટૂ બનાવ્યાં છે. ચાલો આપણે સુરતનાં આવા યંગસ્ટર્સ પાસેથી જાણીએ આ નવા ટ્રેન્ડ વિશે…
કોવિડે ડેડીનાં પ્રાણ હરી લીધાં તેમની યાદમા તેમના ફેસનું ટેટૂ બનાવ્યું: રાજકુમાર ગોહેલ
વરાછામાં રહેતાં અને શૂટિંગ-શર્ટીંગની શોપ ધરાવતાં 27 વર્ષીય રાજકુમાર પ્રકાશભાઈ ગોહેલે તેમના પિતા પ્રકાશભાઈની હયાતીમાં પપ્પાની બર્થડે પર પપ્પાને અનોખી ગિફ્ટ આપવા હાથ પર ડેડીનાં ફેસનું ટેટૂ બનાવેલું. ત્યારે તેમના ડેડીને અપાર ખુશી થઈ હતી. કોવિડના સેકન્ડ વેવમાં કોવિડે તેમનાં પિતાનાં પ્રાણ હરી લીધાં. 105 દિવસ ની સારવાર બાદ તેમના ફાધરની ડેથ થઈ હતી. હાથ પર પપ્પાના ફેસનું બનાવેલું ટેટૂ તેમને પપ્પાની સતત યાદ અપાવે છે. ડેડી નથી રહયાં પણ તેમનો ફેસ કાયમ મારા હાથ પર તેમના સ્મરણો તાજા રાખશે.છેલ્લો ફાધર્સ ડે હોસ્પિટલમાં ડેડી દાખલ હતાં ત્યારે કેક કાપીને મનાવેલો.
મેં મમ્મી અને ડેડીનાં પોટ્રેટ ફોટો ટેટૂ બનાવ્યાં છે: માધવ દેસાઈ
શહેરનાં વરાછા વિસ્તારમાં રહેતાં 25 વર્ષીય માધવ દેસાઈએ મધર્સ ડે ના દિવસે ડાબા હાથ પર મમ્મીનું ટેટૂ બનાવ્યું છે અને જમણાં હાથમાં ફાધર નું પોટ્રેટ ફોટો ટેટૂ બનાવ્યું છે. માધવ દેસાઈએ જણાવ્યું કે, તેમનાં પિતા સુમંતરાય દેસાઈનું 2020 નાં વર્ષ માં નિધન થયું હતું. તેમણે બેસ્ટ ટીચરનો નેશનલ એવોર્ડ મેળવેલો હતો. પપ્પાની યાદમાં થોડાં સમય પહેલાંજ ડેડીનું પોટ્રેટ ફોટો ટેટૂ બનાવ્યું છે. ટેટૂમાં ડેડીનાં પાસપોર્ટ પરથી સાઈન લીધી અને ડેડીનાં સિગ્નેચર નું ટેટૂ પણ બનાવ્યું છે. ડેડી સાથે ફ્રેન્ડ જેવું જ વર્તન કરતો. ડેડી તેના દિલની નજદીક હતાં. તેમને ભૂલવું મુશ્કેલ છે. એટલે તેમની યાદગીરીરૂપે તેમના ફેસનું ટેટૂ બનાવ્યું. જ્યારે પાપા હયાત હતાં ત્યારે ફાધર્સ ડેનાં દિવસે ફૂલ ફેમિલી સાથે હરવાફરવા અને રેસ્ટોરન્ટમાં ડિનર નો પ્રોગ્રામ બનાવતા. ડેડીને મારા મેરેજ જોવાની ખૂબ ઈચ્છા હતી. પણ કોવિડને કારણે શક્ય નહીં બન્યું એનો અફસોસ જિંદગીભર રહેશે.
કોરોનાએ ડેડીને હંમેશા માટે છીનવી લીધા પણ તેઓ હંમેશા મારી સાથે ટેટૂનાં રૂપે રહેશે: નકુલ પાટીલ
ફિટનેસ ટ્રેનર 34 વર્ષીય નકુલ પાટીલ ઘોડદોડ વિસ્તારમાં રહે છે.કોરોનાની બીજી લહેરમાં નકુલનાં પિતા સુધીરભાઈનું નિધન થયું હતું. નકુલને તેના કાયમ ખુશમિજાજ રહેતા ડેડી ની પોઝીટીવ વાતો હંમેશા તેમનાં જીવનમાં આવતી નાની-મોટી સમસ્યામાંથી બહાર નીકળવામાં સપોર્ટ આપે છે.તેમણે હાથ પર બે ઓલવાઈ રહેલી કેન્ડલ નાં ધુમાડા વચ્ચે ડેડીનો ફેસ આવું પરમેનન્ટ ટેટૂ બનાવ્યું છે. નકુલ કહે છે કે, પપ્પા સાથે ઘણી વાતો કરવી હતી પણ વાતો કહેવાની રહી ગઈ.
પપ્પા નથી રહયાં તેમની યાદમાં ફાધર્સ ડે ને લઈને ટેટૂ બનાવ્યું: ઉત્તમ સુરેશભાઈ
વરાછા વિસ્તારમાં રહેતાં 24 વર્ષના ઉત્તમે જણાવ્યું હતું કે તેમના ફાધર સુરેશભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. આ ફાધર્સ ડે પહેલાં ત્રણ દિવસ પહેલાં જ તેમણે ડેડીની યાદમાં હાથ પર તાજ (ક્રાઉન) અને પાપા લખેલું ટેટૂ બનાવ્યું છે. ટેટૂ આર્ટિસ્ટ હિરેન કોયાણીએ જણાવ્યું કે, ડેડીને ડેડીકેટ કરવાં યંગસ્ટર્સ પિતાનાં ફેસવાળા ટેટૂ ફાધર્સ ડેને લઈને કે ડેડીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા ટેટૂ બનાવે છે . જન્માષ્ટમી હોય ત્યારે મોર પીંછનાં ટેટૂ બનાવવાનો ક્રેઝ હોય છે. મધર્સ ડે પર મમ્મી ના નામનું ટેટૂ બનાવવાનો ક્રેઝ યુવાઓમાં હોય છે.નવરાત્રી નાં જે ટેટૂ બનાવાય છે તે ટેમ્પરરી હોય છે. જ્યારે મધર્સ અને ફાધર્સ ડે નાં ટેટૂ પરમેનન્ટ હોય છે. ટેટૂ આર્ટિસ્ટ દર્શન ગોહિલે કહ્યું કે, ફાધર્સ ડેના ટેટૂમાં ફાધર નો ફેસ મોટાભાગે બોયઝ કરાવે છે. જ્યારે ગર્લ હોય તો તે daddy’s girl કે, daddy’s little angel, love you daddy લખેલાં ટેટૂ બનાવે છે.