15મી ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ દિવસ હોય છે કારણકે આઝાદીનું પર્વ ઉજવાય છે. આ વખતે તો આ 75મો સ્વાતંત્ર્ય દિવસ હર ઘર તિરંગાની થીમ પર ઉજવવાની તડામાર તૈયારીઓ એક-એક દેશવાસી દ્વારા થઈ રહી છે. પણ આપણે વાત કરવી છે એવા લોકોની જેમનો જન્મ 15 ઓગસ્ટે થયો છે, કેમકે તેમના માટે તો સ્પેશ્યલ દિવસ હોય છે. તેઓ બેવડી ખુશી ઉજવે છે એક જન્મ દિવસની તો બીજી સ્વાતંત્ર્ય દિવસની. આ દિવસે જન્મેલા સુરતીઓની પોતાની જન્મદિન વિશેની ફિલિંગ્સ તેમના જ શબ્દોમાં જાણીએ…
15 ઓગસ્ટે ભારત માં જ મારો જન્મ થયો તે મારા માટે ગર્વ: કેતન ગાંધી
એમ્બ્રોઇડરીના બિઝનેસ સાથે સંકળાયેલા 49 વર્ષીય કેતનભાઈ ગાંધીએ જણાવ્યું કે મારો જન્મ 15મી ઓગસ્ટે અને ભારત દેશમાં થયો તે માટે મને ખુબ ગર્વ છે. મારો જન્મ થયો ત્યારે ઘરના લોકો માટે બેવડી ખુશી હતી આઝાદીના પર્વની અને મારા જન્મની એટલે જમણવાર નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્કૂલમાં ધ્વજવંદન બાદ હું વિદ્યાર્થીઓમાં ચોકલેટ વહેંચતો. ગયા વર્ષે મેં અને મારા મિત્રએ સાથે મળી તિરંગા કલરના પ્રિન્ટના કપડાંના ખેસ અને દુપટ્ટા સોસાયટીમાં આપ્યા હતાં. આ વખતે સોસાયટીમાં 15મી ઓગસ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાના છીએ ત્યાં બધાને અલ્પાહાર કરાવીને મારો જન્મ દિવસ મનાવીશ. આઝાદીકા અમૃતમહોત્સવના જશ્નની સાથે મારો જન્મદિવસ ઉજવવાની વિશેષ ખુશી મને અત્યારથી થાય છે.
મારો જન્મદિવસ જાણે આખો દેશ ઉજવે છે તેવું ફીલ થાય : કારિણી દિવાનજી
રાંદેર રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય શિક્ષિકા કારિણી દિવાનજીએ જણાવ્યું કે મારો જન્મ પરિવાર માટે સ્પેશ્યલ ડે હતો કારણકે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા નો દિવસ અને એ જ દિવસે હું જન્મી. હું સ્કૂલમાં બર્થડે ના એક દિવસ પહેલાં મારા સહધ્યાયીઓને ચોકલેટ અને ગિફ્ટ આપીને સેલિબ્રેશન કરતી. હું દરવર્ષે મારા બર્થડે પર 5 ગરીબ બાળકોને જમાડું છું. આ વખતે આઝાદીના 75 વર્ષ પુરા થયા હોવાથી 11 બાળકોને મારા જન્મદિવસે જમાડીશ. 15મી ઓગસ્ટ આખો દેશ ઉજવે છે એટલે મને એવું ફિલ થાય છે કે આખો દેશ મારા બર્થડેને સેલીબ્રેટ કરે છે.
મારા જન્મ પર લોકોએ કહ્યું છોકરો છોકરો ધ્વજ ફરકાવવા આવ્યો છે : પ્રિયાંશુ વાઘેલા
23 વર્ષીય ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેકટર પ્રિયાંશુ વાઘેલાએ જણાવ્યું કે મને 15 ઓગસ્ટે મારો જન્મ થયો એ માટે પ્રાઉડ ફીલ થાય છે. મારા જન્મ પર પરિવાર અને અન્ય ઓળખીતા લોકોએ કહ્યુ કે છોકરો ધ્વજ ફરકાવવા આવ્યો છે. મારા બર્થડે ને લઈને એક વખત મારા પપ્પાએ સ્કૂલમાં સ્ટડીમાં પહેલો બીજો નમ્બર લાવનારા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી હતી. આ વખતે 15મી ઓગસ્ટે મારા ગામમાં રક્તદાન શિવીરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રક્તદાન કરીને અને બાળકોને જમાડીને બર્થડે સેલીબ્રેશન કરીશ.
મારા બર્થડે પર મારા દાદા સ્કૂલમાં જરૂરી સાધન-સામગ્રી આપતાં: ડૉ. પ્રતીક સાવજ
34 વર્ષીય ડૉ પ્રતીક સાવજે જણાવ્યું કે મારા જન્મ દિવસ પર ઘરમાં બેવડી ખુશી થઈ હતી. આખો દેશ 15 ઓગસ્ટે આઝાદીનું પર્વ ઉજવે છે તેજ દિવસે મારો જન્મ થયો એ મારા માટે દેશપ્રેમ અને ગર્વની વાત છે. મારા દાદા મારી બર્થડે પર સ્કૂલમાં જરૂરિયાતની વસ્તુઓ જેમકે વોલ ક્લોક, પુસ્તક, પેન, પેન્સિલ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ આપતા. સ્કૂલમાં ધ્વજવંદન બાદ એનાઉન્સ કરવામાં આવતું કે પ્રતિકનો જન્મદિવસ છે તેને બર્થડે વિશ કરીએ તેની મને ખુશી થતી. આ વખતે મારો સાડા પાંચ વર્ષનો દીકરો સ્કૂલમાં પિયાનો પર જનગનમન વગાડીને મને બર્થડે ગિફ્ટ આપવાનો છે.
બર્થડેના દિવસે દેશ પ્રેમની ભાવના વધુ પ્રબળ બને છે : અભિન કળથીયા
સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા 36 વર્ષના અભિન કળથીયાએ જણાવ્યું કે મારો જન્મ 15 ઓગસ્ટે થયો છે એટલે મને સ્પેશ્યલ ફિલિંગ થાય છે જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. હું મારો જન્મદિવસ ગરીબ વિદ્યાર્થીઓને યથાશક્તિ મદદ કરીને ઉજવું છું. હું સામાન્ય રીતે દર વર્ષે ધ્વજવંદન બાદ બપોર પછી ગરીબ વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરીને મારો બર્થડે ઉજવું છું.