National

ICICI બેંકમાં ધોળે દિવસે કર્મચારીઓને બંધક બનાવી લાખોની લૂંટ ચલાવાઈ

બિહાર: બિહારમાં (Bihar) ધોળે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) ICICI બેંકમાં (Bank) ત્રણ હથિયારધારી બદમાશોએ 15 લાખ રૂપિયાની લૂંટ (Robbed) કરી હતી. બેંક લૂંટની આ ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોબરસાહી વિસ્તારની છે, જ્યાં ગુનેગારોએ સોમવારે ધોળે દિવસે બેંકને લૂંટી લીધી હતી.

ICICI બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજરે કહ્યું કે, “સોમવારે સવારે અમે બેંક પહોંચ્યા કે તરત જ ત્રણ બદમાશોએ હથિયારોના આધારે અમને બધાને બંધક બનાવી લીધા. ત્યારબાદ બદમાશો બેંકમાં રાખેલા 15 લાખ રૂપિયા લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.” લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, જેમાં ત્રણ બદમાશોએ લૂંટને અંજામ આપ્યો હોવાનું જોવા મળ્યું હતું. ડીએસપી રામ નરેશે જણાવ્યું કે આરોપીઓને શોધવા માટે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવશે.

મિલકતના સોદામાંથી 3 લાખની લૂંટ
અગાઉ, બાઇક પર આવેલા ગુનેગારોએ પટણામાં એક પ્રોપર્ટી ડીલર પાસેથી ત્રણ લાખ રૂપિયા લૂંટી લીધા હતા અને ભાગી ગયા હતા. આ આખી ઘટના પટનાના બાયપાસ પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં શક્તિ સિંહ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે લૂંટ કરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હકીકતમાં, 1 સપ્ટેમ્બરના રોજ જ્યારે પ્રોપર્ટી ડીલર શક્તિ સિંહ સવારે 11 વાગ્યે કાર દ્વારા બેંક પહોંચ્યા હતા. કારમાંથી ઉતરીને શક્તિસિંહ બેંકમાં પૈસા જમા કરાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇક સવાર ગુનેગારોએ તેમના હાથમાંથી પૈસા આંચકી લીધા અને ભાગવા લાગ્યા.

5 લાખ બેંકમાં જમા કરાવવા આવ્યા હતા
આ દરમિયાન કેટલાક પૈસા રસ્તા પર જ પડ્યા હતા. તેણે બાઇક સવારને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લૂંટારુઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પ્રોપર્ટી ડીલર શક્તિ સિંહે જણાવ્યું કે તે એસબીઆઈ બ્રાન્ચમાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવા બેંક પહોંચ્યા હતા, તે દરમિયાન બે બદમાશોએ પૈસા ભરેલી બેગ છીનવી લીધી અને ભાગવા લાગ્યા.

આશ્ચર્યની વાત એ છે કે, બાયપાસ પોલીસ થોડીવાર પહેલા જ બેંકની અંદર ગઈ હતી, તેમ છતાં ગુનેગારો પૈસાની લૂંટ કરવામાં સફળ રહ્યા હતા. પૈસા લૂંટતી વખતે બદમાશોના હાથમાંથી થોડી રકમ જમીન પર પડી ગઈ, જેનાથી શક્તિ સિંહના 2 લાખ રૂપિયા બચ્યા. જ્યારે બદમાશો ત્યાંથી ત્રણ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

Most Popular

To Top