Business

અવેસ્તા અને ઋગ્વેદ પરસ્પર સમીક્ષા

       ઋગ્વેદ અને અવેસ્તા એ બંને  ઈન્ડો ઈરાનીયન યુગના સૌથી પ્રાચીન ગ્રંથો છે. આ બંને ગ્રંથોના સંયુકત અભ્યાસ ઉપરથી ઈન્ડો ઈરાનીયન સંસ્કૃતિઓ સમકાલીન વિકાસ પામેલ હોવાની હકીક્ત ફલિત થાય છે જે આગળ જતા પોતાના પ્રદેશોમાં સ્થાયી થયા બાદ આ બંને ગ્રંથોની અલગ અલગ રચના થયેલ હતી. પ્રાચીન પર્શિયા ખંડના ધર્મ અંગે સદીઓ પહેલાં ગ્રીસના નાગરિકો દ્વારા સ્ટડી થયેલ હતી પરંતુ તે અંગેના દસ્તાવેજો હાલ ખાસ ઉપલબ્ધ નથી. શરૂઆતની ઈસવીસન સદીઓમાં પણ પર્શિયા ખંડમાં ઘણા અભ્યાસો થયા હતા પરંતુ તેને સાચા અર્થમાં સમજી શકાયા ન હતા. આ તમામ અભ્યાસ અંગેના મૂળ હેતુ જેતે યુગમાં એક નવા ધર્મની સ્થાપના માટે કેન્દ્રિત હતા.

પેરીસના એક સ્કોલર એંક્વેટીલ ડુ પેરોન દ્વારા એક ફ્રેંચ પ્રાચીનવાદી પાસેથી મળેલ વંદીદાદ ગ્રંથના કેટલાંક પાનાંઓથી પ્રોત્સાહિત થઈ  અવેસ્તા ગ્રંથનો સૌ પ્રથમ યુરોપીયન અનુવાદ વર્ષ 1771માં પબ્લીશ કર્યો હતો અને તેને ઝેંદ અવેસ્તા નામ આપ્યું હતું. વખતોવખત સ્કોલરો દ્વારા હાથ ધરાયેલ સ્ટડી દરમ્યાન એ તારણ નીકળ્યું હતું કે  અવેસ્તા અને ઋગવેદ બંનેમાં ઘણી સામ્યતા છે તથા આર્ય સમાજના ઈન્ડો-ઈરાનીયન મૂળમાં ભાષાકીય સામ્યતા મુખ્ય આધાર સમાન છે. અવેસ્તા અને વેદ બંનેના એક સમાન મૂળ એમાં સમાયેલા છે અને તે છે (1) કુદરતના નિયમો અને (2) કુદરતના સંઘર્ષો.

ઈન્ડો-ઈરાનીયન ભાષાઓનો ઉદય એ અરબી સમુદ્રના સાન્નિધ્યમાં વિકાસ પામેલ ત્રણ જુદા જુદા કુળની અસલ બોલીઓમાંથી થવા પામેલ છે (1) યોધ્ધા (2) ખેતી કરનાર (3) શસ્ત્રો સાધનો બનાવનાર. આ ત્રણેય કુળ એક્બીજા સાથે વેપાર વણજ થી કાયમ જોડાયેલા રહેતા હોવાથી તેઓની ભાષા – બોલીઓમાં સામ્યતા હતી. વિશ્વની જુનામાં જુની ભાષાઓમાં જેનો ઉલ્લેખ થાય છે તે અવસ્તા અને વેદિક સંસ્કૃત ભાષા તેના ઉચ્ચાર અને અર્થની દૃષ્ટિએ એકબીજાની ઘણી નજીક છે. અવસ્તા અને ઋગવેદ બંને ધર્મગ્રંથોની રચના મૂળ આર્ય ભાષામાં જ થયેલ હતી. અવસ્તા એ પારસી જરથોસ્તી ધર્મનો પ્રાચીનમાં પ્રાચીન પવિત્ર ધર્મગ્રંથ છે. જે યુગમાં સામાજિક કે આર્થિક વ્યવહારોમાં લેખનકળાના માધ્યમનો ઉપયોગ પણ શરૂ થયેલ ન હતો તે યુગની પહેલાં તેની રચના થયેલ હતી. સૌ પ્રથમ પાહાલ્વી આલ્ફાબેટ કે જે ફક્ત 12 અક્ષરોની કોડ સ્ક્રીપ્ટમાં ધર્મગ્રંથની રચના થયેલ હતી.      

ઋગવેદની જેમ જ અવેસ્તા લેંગ્વેજ પણ ભાષાકીય રીતે સદીઓ પહેલા સંકલિત થયેલ હતી અને તે ગ્રંથ તરીકે પ્રસિધ્ધ થઈ તે પહેલાં સદીઓ સુધી રોજિંદા વાતચીતના વ્યવહારમાં ઉપયોગમાં હતી. જેના લીધે આ ભાષાના ઉદભવ અંગે સચોટ સમયનું આકલન કરી શકાય નહીં. એક અભ્યાસ મુજ્બ ઈ.સ. છઠ્ઠી સદીમાં અવસ્તા આલ્ફાબેટનો આવિષ્કાર થયેલ હતો. અવસ્તા આલ્ફાબેટ સમયના વહેણમાં મહદઅંશે લુપ્ત થયેલ છે. પરંતુ પારસીઓના મૂળ અવસ્તા ધર્મગ્રંથ આજે ગુજરાતી અને રોમન આલ્ફાબેટમાં ઉપલબ્ધ છે.   ઋગવેદીક અને અવસ્તા બંને ભાષા વ્યાકરણ અને ઉચ્ચારની દૃષ્ટિએ આંશિક તફાવત સિવાય મહદઅંશે એક્સરખી ભાષાઓ છે. આ બંને ભાષાઓના પૌરાણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક શબ્દકોશ સામાન્ય છે. અવસ્તામાં પરમાત્મા માટે સંબોધાયેલ શબ્દ “અહુરા“ એ ઋગવેદમાં “અસુરા’’  સાથે શબ્દ અને તેના અર્થ બંનેમાં સંલગ્ન છે. અહીં “અસુર” શબ્દની વ્યુત્પત્તિ “અસુ” એટલે “પ્રાણ / શકિત” અને “રા” એટલે “યુક્ત” બંને શબ્દોને ભેગા કરીએ તો “પ્રાણવાન / શકિતવાન” પરમ શકિતમાન પરમાત્મા એવો થાય છે.

       અવસ્તા ગ્રંથ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. (1) યસ્ન (2) વિસ્પરદ અને (3) વંદીદાદ. યસ્ન એ ગાથાના 17 સ્તોત્રથી રચાયેલ છે કે જે અશો જરથુસ્ત્ર દ્વારા સૃષ્ટિને ભેટ આપેલ સૌથી પ્રાચીન ગ્રંથવાણીનાં ગીતો છે.  અવસ્તા અને ઋગવેદ બંને ભાષા/ગ્રંથ વચ્ચે કોઈ આધારભૂત કાલક્રમિક કડીઓ નથી પરંતુ બંને ગ્રંથોમાં જેનો ઉલ્લેખ જોવા મળે છે તે બોટાનિક્લ માહિતીના આધારે તે બંનેના ભૌગોલિક દૃષ્ટિબિંદુઓ સમજી શકાય છે. ઉદાહરણ તરીકે ઋગવેદમાં “સોમ” એ અવસ્તાના “હોમ” તરીકે બોલાય છે. વેદિક “અગ્નિશ્તોમ” અને જરથોસ્તી ધર્મના “હોમ” બંને ધાર્મિક વિધિઓનું મૂળ કોમન ઈન્ડો-ઈરાનીયન યુગમાં જોવા મળે છે.  શાબ્દિક સંદર્ભોમાંથી આપણે એ જાણી શકીએ છીએ કે સોમ કે હોમ એ સુગંધી પાંદડાંવાળો એક પ્લાન્ટ છે જેને કચડવાથી જે રસ મેળવવામાં આવે છે તે શુદ્ધિકરણ બાદ સારા સ્વાસ્થ્ય માટે પી શકાય છે.

       ભારતના હિંદુ કુટુંબોમાં બાળક્ને “ઉપનયન / યજ્ઞોપવિત”ની વિધિ દ્વારા જે રીતે જનોઈ સંસ્કાર અપાય છે તે જ રીતે જરથોસ્તી ધર્મમાં “નવજોત”ની પવિત્ર વિધિ દ્વારા પારસી કુટુંબના બાળક અને બાળકીને સુદરેહ કસતી પહેરાવી જનોઈ સંસ્કાર અપાય છે. બંને ધર્મોની સંસ્કૃતિઓ અગ્નિદેવ (આતશ પાદશાહ)ની પૂજા ઉપર મૂળભૂત રીતે આધારિત છે અને બધી ધાર્મિક વિધિઓમાં અગ્નિ કેન્દ્રસ્થાને હોય છે તેવી જ રીતે સોમ (હોમ), મિત્ર (મીથ્ર), વરુણ વગેરે દેવતાઓ પણ બંને ધર્મોની શ્રધ્ધામાં કેન્દ્રમાં છે. અવેસ્તામાં સ્પિતમાન જરથુસ્ત્રને “આથ્રવન” તરીકે સંબોધેલ છે. ઋગવેદમાં પણ બ્રહ્માએ તેમના વરિષ્ઠ પુત્ર “અથર્વન” ને  ઉપનયન સંસ્કાર આપેલ તેવો ઉલ્લેખ છે. જરથોસ્તી ધર્મના “વહીસ્ત” અને વેદિક  “વશિષ્ઠ” એ બે શબ્દો પણ બંને સંસ્કૃતિ એક જ છે એવું સ્પષ્ટ કરવામાં મહત્ત્વના છે.

જરથોસ્તી ધર્મગ્રંથ “દીનકર્દ” માં સ્પિતમ જરથુસ્ત્રને સૃષ્ટિના નિયમો ઘડનાર અમેશાસ્પંદો “અશા વહીસ્ત”ના વંશજ હોવાનું દર્શાવેલ છે. જરથોસ્તી માઝદયશની ધર્મમાં અશા વહીસ્ત અમેશાસ્પંદને સૃષ્ટિમાં સુશાસન જાળવવાની નૈતિક જવાબદારી સોંપાયેલ છે. સૃષ્ટિમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની જાળવણી કરવી એ જ સાચી બંદગી {પ્રાર્થના} છે.  તેવી જ રીતે વેદિક ગ્રંથ ઋગવેદમાં વશિષ્ઠ ઋષિનું સ્થાન પણ તેઓના શિષ્યોમાં સાચા અને સારા સંસ્કારોનું સિંચન કરી શાસ્ત્રોનું પાલન કરાવવાનું રહેલ છે.  અથર્વનો  (બ્રાહ્મણો) એ વશિષ્ઠ ઋષિના વંશજો છે. ઋગવેદમાં અથર્વનો પ્રતિ વશિષ્ઠ ઋષિના સમર્પણભાવ વિશે વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. અવેસ્તામાં “વહીસ્ત” અને ઋગવેદમાં “વશિષ્ઠ” એ બંને સૃષ્ટિમાં નેકી (અશોઈ), સુશાસન અને રામરાજ્યના પ્રેરક અને રખેવાળ છે.  

Most Popular

To Top