શહેરના ડીંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. અહીંની એક હોટલમાં હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક રૂમમાં લઈ ગયો હતો, તે બાબતની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ જનતા રેઈડ કરી હતી. હોટલ સંચાલકને આડે હાથ લીધા હતા. સગીરાને રૂમમાં જવા દેવા બાબતે ટોક્યા હતા. ત્યાર બાદ સગીરા અને મુસ્લિમ યુવકને પકડ્યા હતા. યુવકને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીમાં હોટલ વેવ પોઈન્ટના ઓયો રૂમમાં એક 26 વર્ષીય મુસ્લિમ યુવક 17 વર્ષીય હિન્દુ સગીરાને લઈને ગયો હોવાની બાતમી મળતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ હોટલ પર જનતા રેઈડ કરી હતી. આ કાર્યકરોએ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ હોટલ સંચાલિકાને પણ આડે હાથ લીધા હતા. હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક સાથે રૂમ કેમ આપ્યો તેવા સવાલ કર્યા હતા. જોકે, સંચાલિકા સંતોષકારક જવાબ આપી શકી નહોતી.
બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ મુસ્લિમ યુવકને મેથીપાક ચખાડ્યો હતો. અને કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતે ખોટું નામ ધારણ કરી હિન્દુ સગીરાને ફસાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ 112 નંબર પર કોલ કરી પીસીઆર બોલાવી મુસ્લિમ યુવકને પોલીસને હવાલે કર્યો હતો.
બજરંગ દળના કાર્યકર જિતેન્દ્ર યાદવે કહ્યું કે, મુસ્લિમ યુવકે ખોટું નામ ધારણ કરી હિન્દુ સગીરાને ફસાવી હોવાની બાતમી મળતા અમે હોટલ પર પોલીસને સાથે રાખી રેઈડ કરી હતી. તેઓને રંગે હાથ પકડી પાડ્યા હતા. મુસ્લિમ યુવકે હિન્દુ નામનું ખોટું આઈડી હોટલમાં જમા કરાવ્યું હતું. આ મુસ્લિમ યુવકને કડક સજા થાય તેવી માંગ અમે કરી છે.