૫૩ વર્ષની કાનૂની લડાઈ પછી આવેલા મહત્ત્વના ચુકાદામાં ઉત્તર પ્રદેશની બાગપત કોર્ટે ગઈ કાલે બાગપત જિલ્લાના બર્નાવા ગામમાં એક પ્રાચીન ટેકરા સંબંધિત કેસમાં હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા દરગાહ અને કબ્રસ્તાનના દાવાને ફગાવીને પ્રતિવાદી કૃષ્ણ દત્તજી મહારાજની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેમાં પ્રાચીન ટેકરાને લાક્ષાગૃહ (લાખામંડપ) તરીકે માન્યતા આપવામાં આવી હતી. કોર્ટના નિર્ણય બાદ લાક્ષાગૃહ ખાતે સુરક્ષાનાં કડક પગલાં લાગુ કરવામાં આવ્યાં છે અને પોલીસને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
મહાભારતની કથા મુજબ પ્રાચીન કાળમાં કૌરવોએ પાંડવોને ખતમ કરવા એક ખૂબ જ જ્વલનશીલ પદાર્થ લાખનો વૈભવી મહેલ બનાવ્યો હતો. આ મહેલનું નિર્માણ સ્થપતિ પુરોચન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને વૈભવી નિવાસ તરીકે દેખાડવા માટે શોભાયમાન કરવામાં આવ્યું હતું. કૌરવોએ પાંડવોને આ મહેલમાં રહેવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમને ખતમ કરવાના હેતુથી તેને આગ લગાડવાની યોજના ઘડી કાઢી હતી. જો કે વિદુર દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવતાં પાંડવો એક સુરંગ દ્વારા લાક્ષાગૃહમાંથી છટકી જવામાં સફળ થયાં હતાં.
લાક્ષાગૃહ ઉપર મુસ્લિમ પક્ષકારો દ્વારા કાનૂની લડાઈ ૩૧ માર્ચ, ૧૯૭૦ ના રોજ શરૂ થઈ હતી, જ્યારે બર્નાવા ગામના મુકિમ ખાને મેરઠ જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરીને દાવો કર્યો કે બર્નાવામાં પ્રાચીન ટેકરામાં શેખ બદરુદ્દીનની દરગાહ અને કબ્રસ્તાન છે. મેરઠ જિલ્લાની બહાર રહેતા કૃષ્ણ દત્તજી મહારાજે હિન્દુ તીર્થની રક્ષા કાજે આ દાવાનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોની જુબાનીઓ સાંભળી પુરાવાના આધારે જુનિયર ડિવિઝન સિવિલ જજ શિવમ દ્વિવેદીએ બર્નાવામાં આવેલ પ્રાચીન ટેકરાને મહાભારતના સમયના લાક્ષાગૃહ તરીકે જાહેર કર્યો હતો. પુરાવાઓની તપાસ કર્યા પછી અદાલતને જાણવા મળ્યું કે ત્યાં કોઈ કબ્રસ્તાન કે દરગાહ નથી અને ૧૦૮ એકર જમીન પરનો ઊંચો ટેકરો તે સ્થળ હતું, જ્યાં મહાભારત યુગ દરમિયાન પાંડવો આવ્યા હતા.
ઇસુની અગિયારમી સદીથી લઈને સોળમી સદી સુધીનો કાળ મુસ્લિમોના હુમલાનો કાળ હતો તો વીસમી સદી પછીનો કાળ હિન્દુ પુનર્જાગરણનો કાળ બની રહ્યો છે. અયોધ્યા, કાશી અને મથુરા પછી સનાતન ધર્મના ઠેકેદારો જેના પર મુસ્લિમો દ્વારા કબજો જમાવી દેવામાં આવ્યો હોય તેવાં બીજાં સ્થળોને પણ મુક્ત કરાવવા મહેનત કરી રહ્યા છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) એ લાખામંડપ અને અન્ય ઐતિહાસિક સ્થળોની હાજરીની પુષ્ટિ કરતા અવશેષો શોધી કાઢ્યા છે.
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા બર્નાવા ગામ પાસેના પ્રાચીન ટેકરાનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેમાં પ્રાચીન કલાકૃતિઓ મળી આવી છે. પુરાતત્ત્વ વિભાગે આ સ્થળને એક સંરક્ષિત સ્મારક જાહેર કર્યું છે અને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જે મુલાકાતીઓને ગુફાઓ અને અન્ય સ્થાપત્યોનું દર્શન કરવા આકર્ષે છે. આ સ્થળે આ પ્રદેશના સાંસ્કૃતિક વારસામાં યોગદાન આપીને દૂર દૂરથી પ્રવાસીઓને આકર્ષવાનું ચાલુ કર્યું છે.
ઈતિહાસકારોના મતે પાંડવોએ લાક્ષાગૃહની નીચે ગુપ્ત રીતે આ બે ટનલ બનાવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ટનલ ત્રણથી ચાર કિલોમીટર લાંબી છે. ટનલમાં ઘણા તીક્ષ્ણ વળાંક છે. ટનલમાં પ્રવેશતાં જ આગળનો રસ્તો દેખાઈ આવે છે. આ સુરંગો આ વિસ્તારમાં થઈને હિંડોન નદી સુધી પહોંચી છે, પરંતુ હવે એએસઆઈએ આ વિસ્તારમાં ખોદકામ કરવાનો નિર્ણય લીધો છે કે જ્યાંથી ટનલ શરૂ થાય છે તે લાક્ષાગૃહ હતું કે કેમ? આ શોધ ડિસેમ્બરમાં શરૂ થશે અને ત્રણથી છ મહિનામાં પૂર્ણ થશે.
લાક્ષાગૃહની ASIની શોધના સમાચાર મળતાં જ લોકો બાગપતના આ વિસ્તારમાં સુરંગ જોવા માટે આવવા લાગ્યાં હતાં. લોકો એ જોવા માંગે છે કે સુરંગનું સત્ય શું છે. શું અહીં ખરેખર લાક્ષાગૃહ હશે? બંને ટનલ જમીનના સ્તરથી લગભગ ૨૦૦ મીટર નીચે બાંધવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સુરંગોના ઉપરના ભાગમાં ક્યાંક લાક્ષાગૃહ હોઈ શકે છે. આ ટનલ માટીના ટેકરાથી લગભગ ૨૦૦ મીટર નીચે ઊતર્યા પછી દેખાય છે. આ સુરંગથી ૧૦૦ ફૂટ ઉપર બનેલા કિલ્લાનો એક ભાગ દેખાય છે. નિષ્ણાતોના મતે આ ગુંબજવાળી ઇમારત પણ લાક્ષાગૃહનો એક ભાગ છે.
ઈતિહાસકારોના મતે આ ગુંબજની નીચે પાંડવોનું પાંચ હજાર વર્ષ જૂનું લાક્ષાગૃહ હોઈ શકે છે. ઇતિહાસકારો લાંબા સમયથી બાગપતના આ વિસ્તારમાં લાક્ષાગૃહ હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. ઈતિહાસકારોની માંગ પર એએસઆઈ અહીં લાક્ષાગૃહ વિશે જાણવાની કામગીરી શરૂ કરશે. આ માટે ASIએ બે ઓથોરિટીને ખોદકામ માટે લાયસન્સ આપ્યું છે. ASIની ખોદકામ શાખા અને પુરાતત્ત્વ સંસ્થાન સંયુક્ત રીતે ખોદકામ હાથ ધરશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીના વિદ્યાર્થીઓ પણ શોધમાં ભાગ લેશે.
ASIને આશા છે કે લાક્ષાગૃહની સાથે આ વિસ્તારની માટીમાંથી ઘણી મહત્ત્વની વસ્તુઓ મળી શકે છે. તેનું કારણ એ છે કે આ સ્થળ ચંદયાન અને સિનૌલીની નજીક છે. ૨૦૦૫ માં સિનૌલીમાં હાથ ધરવામાં આવેલા ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં હાડપિંજરો અને માટીનાં વાસણો સાથે હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. એ જ રીતે ચાંદયન ગામમાં ૨૦૧૪માં થયેલા ખોદકામમાં તાંબાનો મુગટ પણ મળી આવ્યો હતો. વાસ્તવમાં દ્વાપર યુગના ઉત્તરાર્ધમાં આર્યાવર્તની રાજધાની હસ્તિનાપુર હતી. તે સમયે અહીં ધૃતરાષ્ટ્રનું શાસન હતું.
પાંડુના મૃત્યુ પછી તેનો પુત્ર યુધિષ્ઠિર યુવાન હોવાથી હસ્તિનાપુરની ગાદી પર ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેથી ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો વચ્ચે ઉત્તરાધિકારની લડાઈ શરૂ થઈ હતી. તે સમયે દુર્યોધને તેના મામા શકુનિ સાથે મળીને પાંડવોને બાળીને મારી નાખવાની યોજના બનાવી હતી. આ માટે શકુનિએ કાબુલ (તે સમયે ગાંધાર) થી એન્જિનિયરોને બોલાવ્યા હતા. આ એન્જિનિયરોએ બાગપત જિલ્લાના બર્નાવતમાં એક લાખનો મહેલ બનાવ્યો હતો. ગાંધારની સ્થાપત્ય શૈલીથી બનેલી આ ઇમારતનું નામ લાક્ષાગૃહ હતું. આ ઈમારત એટલી સુંદર હતી કે જોનારાઓની આંખો થંભી જતી હતી. આ ઇમારત અત્યંત જ્વલનશીલ સામગ્રી લાખથી બાંધવામાં આવી હોવા છતાં તે મકરાણાના આરસના પથ્થર જેવી તેજસ્વી દેખાતી હતી.
મહાભારતમાં એક કથા છે કે શકુનિએ લાક્ષાગૃહને આગ લગાડતાં પહેલાં ગાંધારના એન્જિનિયરોને મારી નાખ્યા હતા. આટલું જ નહીં, તે એન્જિનિયરોના મૃતદેહને આ લાક્ષાગૃહની અંદર દફનાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં પાંડવોના મૃત્યુ પછી પ્રજામાં ક્રોધ ફેલાવાનો ભય હતો. આવા સંજોગોમાં આ એન્જિનિયરો પોતાનું મોં ખોલશે અને ભાંડો ફોડી કાઢશે તેવો શકુનિને ડર હતો. લાક્ષાગૃહમાં આગ લાગતાં થોડી જ ક્ષણોમાં આખો મહેલ બળીને રાખ થઈ ગયો હતો.
આવી સ્થિતિમાં મહેલની અંદર રાખેલાં વાસણો અને અન્ય વસ્તુઓ રાખ બનીને એક ટેકરામાં ફેરવાઈ ગઈ હતી. તાજેતરના વિવાદને કારણે જ્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની ટીમે આ ટેકરા અને તેની અંદરથી સુરંગનું ખોદકામ કર્યું ત્યારે અહીંથી મહાભારત કાળનાં માટીનાં વાસણો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. આ સિવાય આ સ્થાનનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણ શાંતિદૂત તરીકે હસ્તિનાપુર ગયા હતા ત્યારે તેમણે પાંડવો માટે પાંચ ગામોની માંગણી કરી હતી. આ બાર્ણાવત પણ એ પાંચ ગામોમાં હતું. જો મુસ્લિમ પક્ષકારો નીચલી કોર્ટના ચુકાદાને નહીં પડકારે તો બર્નાવા ગામ પણ સનાતન સંસ્કૃતિનું તીર્થધામ બની જશે.