Health

વધતી ઉંમરે સ્નાયુ, હાડકાં, સાંધા કેમ નબળાં પડતાં જાય છે?

60 વર્ષની ઉંમર બાદ, ખાસ કરીને 65-70 વર્ષની ઉંમર બાદ ઘણી વ્યક્તિઓ વજન ઘટવાની, શરીર ગળાઈ ગયું એવી ફરિયાદો કરતી જોવા મળે છે. ઘણાને સાંધાના દુખાવા તો કોઈને સ્નાયુઓના અસહ્ય દર્દ સાથે જીવવાની આદત કેળવતા કેળવતા જ જીવનને અલવિદા કરવાની લાચારી મહેસૂસ થાય છે. આમાંના ઘણા ખૂબ શિષ્ટથી જીવન જીવતા હોય છે અને વિચારે કે જો કાશ એમને એમની જવાનીમાં ખબર હોત કે શું કરવું જોઈતું હતું તો આજે થોડા ઓર તંદુરસ્ત અને કુશળ હોત. આવી જ સામાન્ય લાગતી પણ જીવનને પાછલી ઉંમરમાં મર્યાદિત કરી જતી પરિસ્થિતિ સર્જાવા પાછળ શું કારણો છે અને એ રોકવા શું કરી શકાય એ સમજીએ આજે.. હાડકાં હોય કે સાંધા કે પછી સ્નાયુ, શું કહે છે વિજ્ઞાન, કેમ પાછલી ઉંમરમાં આ નબળાં પડતાં જાય છે!! સૌ પ્રથમ તો એ સમજી લો કે તમારા શરીરના પોશ્ચર એટલે કે એની ઢબ કે અંગસ્થિતિ કે મુદ્રામાં અને ચાલવાની પેટર્નમાં ફેરફાર એ વૃદ્ધત્વ સાથે સામાન્ય છે. આ બધું સમજતાં પહેલાં આ હાડકાં, સાંધા અને સ્નાયુઓની થોડી કાર્યપધ્ધતિ તો સમજીએ.

જેવી રીતે ગાડીમાં ચેસિસ આવે કે ઘરના બાંધકામમાં જે સળિયા વપરાય અને એ સળિયાથી પહેલા માળખું તૈયાર થાય એમ હાડકાંઓનું બનેલું આ સ્કેલીટન અર્થાત્ હાડપિંજર શરીરને ટેકો અને માળખું પૂરું પાડે છે. વાત સાંધા વિશે કરીએ તો એ એવી જગ્યાઓ છે જ્યાં હાડકાં ભેગા થાય છે. તેઓ આપણા શરીરની આ ચેસિસ એટલે હાડપિંજરને હલનચલન માટે, એના સરળ મોબિલાઇઝેશન અને મુવમેન્ટ માટે લચક એટલે કે ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. સાંધામાં, હાડકાં એકબીજા સાથે સીધો સંપર્ક કરતા નથી પણ સાંધામાં કાર્ટિલેજ, સાંધાની આસપાસ સાયનોવિયલ મેમ્બ્રેન અને પ્રવાહી દ્વારા હાડકાંને ગાદી સમાન માધ્યમ મળે છે.

સ્નાયુઓ વિશે વાત કરું તો એ શરીરમાં કોઈ પણ પ્રકારના હલનચલન માટે બળ અને શક્તિ પ્રદાન કરે છે. કોઓર્ડિનેશન એટલે કે સંકેતોની આપલે મગજ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે પરંતુ એ સ્નાયુઓ અને સાંધામાં થતા ફેરફારોથી પ્રભાવિત થાય છે. સ્નાયુઓ, સાંધાઓ અને હાડકાંમાં થતાં ફેરફાર શરીરની લચક, મુદ્રા અને ચાલવા પર અસર કરે છે અને નબળાઈ અને ધીમી ગતિ તરફ દોરી જાય છે.

વૃદ્ધાવસ્થામાં આ ફેરફારો થવાનાં કારણો શું?
ઉંમર વધતા, હાડકાં કેલ્શિયમ અને અન્ય ખનિજો ગુમાવે છે, એનું પ્રમાણ ઘટે છે અને આમ થતાં હાડકાંનો જથ્થો અને ઘનતા ઘટે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી આ વધુ જોવા મળે છે. હાડકાં પછી વાત કરીએ સ્પાઇન એટલે કે કરોડરજ્જુ અંગે તો એ હાડકાંથી બનેલી હોય છે, જેને વર્ટીબ્રે કહીએ છીએ. દરેક હાડકાંની વચ્ચે જેલ જેવી ગાદી જેને ડિસ્ક કહેવાય છે એ હોય છે. વૃદ્ધત્વ સાથે, ડિસ્ક ધીમે ધીમે પ્રવાહી ગુમાવે છે અને પાતળી બને છે. વર્ટીબ્રે પણ કેટલાક ખનીજતત્ત્વો ગુમાવે છે, જે હાડકાને પાતળા બનાવે છે. જેને કારણે કરોડરજ્જુ વક્ર /વાંકી અને સંકુચિત બને છે તથા ઘણા વૃદ્ધોમાં શરીરનો મધ્ય ભાગ ટૂંકો બને છે. હાથ અને પગના જે પણ લાંબા હાડકાં છે એ આ જરૂરી મિનરલ/ખનિજ તત્ત્વો, વિટામિન તથા કેલ્શિયમની ઊણપને કારણે વધુ બરડ અર્થાત્ પાતળા અને સરળતાથી તૂટી શકે એવા ખોખલા બને છે. આમ હાડકાં કંઈ લાંબા થતાં નથી પરંતુ શરીરનો મધ્ય ભાગ ટૂંકો થતાં હાથ અને પગ અમુક લોકોમાં લાંબા દેખાય છે.

મિજાગરા સમાન ગણાતા સાંધા સ્ટીફ એટલે સખત અને ઓછા ફ્લેક્સિબલ એટલે ઓછી હલનચલનવાળા બને છે. સાંધામાં આવેલું પ્રવાહી ઘટે છે અને સાંધામાં આવેલ કાર્ટિલેજ એકબીજા સાથે ઘસાવાનું શરૂ થાય છે. અમુક ખનિજ તત્ત્વો કેટલાક સાંધામાં અને તેની આસપાસ જમા પણ થાય છે જેને કેલ્સિફિકેશન કહેવાય છે. સાંધામાં થતાં આવા વિવિધ ફેરફારો તમને રોજબરોજની જિંદગીમાં ચાલવાથી લઈ ઊઠવા- બેસવામાં દુખાવાની વણમાંગી ભેટ આપતા જાય છે. આમ અગત્યના સાંધા એવા થાપા અને ઘૂંટણના સાંધા કાર્ટિલેજ ગુમાવવાનું શરૂ કરી શકે છે.

આંગળીના સાંધામાં પણ કાર્ટિલેજનો ઘસારો શરૂ થતાં એ હાડકાં થોડા જાડા બને છે અને આ ફેરફાર મોટાભાગે આંગળીના હાડકાંના સોજા તરફ દોરી જાય છે (આંગળીના સાંધામાં ઉપસેલા હાડકાં જેવો દેખાવ) જેને ઓસ્ટિયોફાઈટ્સ કહેવાય છે, સ્ત્રીઓમાં આ સામાન્ય છે. સ્નાયુઓની પેશીઓમાં અને નર્વસ સિસ્ટમમાં ફેરફાર ઉંમરના કારણે, અમુક વારસાગત કારણોસર કે પછી ખાસ પ્રકારના પીગમેન્ટને આભારી છે. આને લીધે સ્નાયુઓના ટોન અને સંકોચન ઘટે છે. કસરત કરવા છતાં સ્નાયુઓનો ટોન ઉંમર વધતા ઘટે એવું બની શકે અને એ સામાન્ય છે.

શું છે કોમ્પ્લિકેશન?
આ બધું જાણ્યા બાદ એ પ્રશ્ન અવશ્ય થાય કે આને લીધે શું તકલીફો ઊભી થઈ શકે? વેલ, આમાં સૌથી સામાન્ય જે છે એ છે ઓસ્ટિયોપોરોસીસ અને એ પણ ખાસ કરીને વૃદ્ધ સ્ત્રીઓમાં. હાડકાં વધુ સરળતાથી તૂટી જાય છે. કરોડરજ્જુનું ‘કમ્પ્રેશન ફ્રેક્ચર’ પીડા પેદા કરી શકે છે અને ગતિશીલતા ઘટાડી શકે છે. સ્નાયુઓની નબળાઇ આવતા થાક વધુ લાગે અને સહનશીલતા ઘટી શકે. સંધિવા- ઓસ્ટિયોઆર્થરાઈટિસની સમસ્યા પણ આવી શકે. તમારી ચાલમાં ફેરફાર આવતા સંતુલન નહીં રહે અને શરીરમાં અસ્થિરતા આવતા પડી જવાનું અને ઇજા થવાનું જોખમ વધે. ઘણી વાર સાંધા માટે એને બદલી કાઢવા મોટી શસ્ત્રક્રિયા પણ કરાવવાની જરૂર ઊભી થાય.

રોકવા માટે શું પગલાં લઈ શકાય?
ઉંમર તો ઉંમરનું કામ કરશે જ. આવું આપણે સરળતાથી કહીએ છીએ. પરંતુ શું તમે જાણો છે દુનિયામાં કેટલાયે લોકો 70 કે 80 વર્ષે પણ અત્યંત તંદુરસ્ત છે, બધું જ કામ જાતે કરી શકે છે અને કેટલાક તો દુનિયાના ટોચના એવા રાષ્ટ્રોને ચલાવવાની શકિત અને તાકાત ધરાવે છે. તમે પણ એમાંથી એક હોય જ શકો ને.. કરવાનું જે છે એમાં સમાવેશ થાય છે વ્યાયામ, કસરત, યોગા, પૌષ્ટિક આહાર, જરૂરી ખનીજ તત્ત્વો/મિનરલ, વિટામિન વગેરેનું તમારા આહારમાં યોગ્ય પ્રમાણ અને એ યોગ્ય પ્રમાણ ના હોય તો સપ્લીમેન્ટ… આ બધું જ જીવનમાં ઘણી વહેલી ઉંમરે નિયમિત શરૂ કરવું રહ્યું. શિસ્ત પાળી સતત કાયમ કરવું રહ્યું.. એક વાર બધું ખરાબ થઈ જાય પછી મોટી ઉંમરે આ બધું શરૂ કરવાનો કોઈ ખાસ મતલબ નહીં રહે.

Most Popular

To Top