National

વકફ કાયદાના વિરોધમાં મુર્શિદાબાદમાં હિંસા, હાઈકોર્ટનો કેન્દ્રીય બળ તૈનાત કરવાનો આદેશ

શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધમાં ફરી હિંસા ફાટી નીકળી છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ પિતા અને પુત્રની હત્યા કરી દીધી. મુર્શિદાબાદમાં હિંસા બાદ કલમ 163 લાગુ કરવામાં આવી છે, ઇન્ટરનેટ બંધ છે. પોલીસ અને બીએસએફ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સને નિશાન બનાવ્યા. 

દરમિયાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટના વિરોધ દરમિયાન થયેલી હિંસા પર કોલકાતા હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે રાજ્યમાં તેનો વિરોધ શરૂ થયો હતો. પરંતુ જ્યારે આ બિલ સંસદમાં પસાર થયું અને કાયદો બન્યું ત્યારે વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગણી સાથે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં બે લોકોના મોત થયા છે. કેસની માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતક પિતા-પુત્ર હિંસા પ્રભાવિત સમસેરગંજ વિસ્તારના જાફરાબાદમાં તેમના ઘરમાં ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેમના ઘરે લૂંટ દરમિયાન બદમાશોએ બંને પર છરીથી અનેક વાર હુમલો કર્યો હતો. એક અલગ ઘટનામાં સમસેરગંજ બ્લોકના ધુલિયાનમાં અન્ય એક વ્યક્તિને ગોળી વાગી છે એમ અધિકારીએ જણાવ્યું હતું. શુક્રવારે વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લાના સુતી અને સમસેરગંજ વિસ્તારોમાં મોટા પાયે હિંસાના અહેવાલ મળ્યા હતા.

પોલીસે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરી
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં બે દિવસથી હિંસા ફાટી નીકળી છે. પહેલા ૮ એપ્રિલે અને પછી ૧૧ એપ્રિલે, જેમાં અત્યાર સુધીમાં પોલીસે કાર્યવાહી કરી છે અને 100 થી વધુ લોકોની ધરપકડ કરી છે.

Most Popular

To Top