SURAT

સુરતના રાંદેરમાં યુવકનું મર્ડરઃ નાનકડી વાતમાં મિત્રએ જ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

સુરતઃ શહેર પોલીસ ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ શહેરમાં ગુનાખોરીએ હદ વટાવી છે. શહેરમાં ભજિયાની લારીઓ અને પાનના ગલ્લા પર ડ્રગ્સ વેચાવા લાગ્યું છે. દારૂની બોટલો જાહેર રસ્તા પર લઈ દારૂડિયાઓ નાચી રહ્યાં છે અને દર બીજા દિવસે હત્યાના બનાવ બની રહ્યાં છે. આજે તા. 20 જુલાઈને શનિવારની સવારે આવો જ એક બનાવ શહેરના રાંદેર વિસ્તારમાં બન્યો છે. અહીં એક યુવકની હત્યા થઈ છે.

શહેરમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવકની હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે. એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હોવાની ઘટના બની છે. હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ કેસની વધુ મળતી વિગત અનુસાર રાંદેરના બાબુ નગરમાં રહેતા 21 વર્ષીય મુન્નાની આજે વહેલી સવારે હત્યા થઈ ગઈ છે. ચપ્પુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી મુન્નાને રહેંસી નંખાયો છે. પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે પૈસાની લેતી દેતીમાં ઉશ્કેરાટમાં મુન્નાનું મર્ડર તેના મિત્રએ જ કર્યું છે. હત્યા કર્યા બાદ હત્યારો મિત્ર ફરાર થઈ ગયો છે. જેથી રાંદેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે કહ્યું કે, રાંદેર ચાર રસ્તા પર વહેલી સવારના સમયે પૈસાની લેતી દેતીમાં ઝઘડા બાદ હત્યાનો બનાવ બન્યો છે. ફરિયાદી નઝીરભાઈના નાના ભાઈ મુન્નાની હત્યા થઈ છે. ઉશ્કેરાઈને હત્યા કરવામાં આવી હતી. તિક્ષ્ણ હથિયારના ઘા સાંથળના ભાગે હુમલો થયો હતો. જેથી લોહી વહી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top