સુરતઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દયનીય બની છે. શહેરમાં ત્રણ દિવસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગના દેખાડા કરે છે અને બીજી તરફ ગુનેગારો કોઈના પણ ખોફ વિના પોતાના ખૂની ઈરાદાઓને બિન્ધાસ્ત અંજામ આપી રહ્યાં છે. આજે શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે.
શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક કિન્નરની હત્યાનો ચકચારી બનાવ બન્યો છે. અહીંના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં સામાન્ય બબાલમાં યુવકે કિન્નરને તિક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે.
વધુમાં મળતી માહિતી અનુસાર ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં સંજના નામની 49 વર્ષીય કિન્નર રહેતી હતી. સંજનાની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે. કિશન નામના યુવકે કિન્નરની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. કિશન તેની માતા સાથે રહેતો હતો.
કિશન અને સંજના વચ્ચે સંબંધો હતા. થોડા દિવસો પહેલાં કિન્નર સંજના કિશનના ઘરે રહેવા આવી ગઈ હતી. દરમિયાન બંને વચ્ચે આજે કોઈક બાબતે ઝઘડો થયો હતો. ત્યારે ગુસ્સામાં કિશને ચપ્પુના ઘા ઝીંકી કિન્નર સંજનાને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ઉમરવાડા ટેનામેન્ટમાં કિન્નરની હત્યાની ઘટના બની છે. આરોપી યુવક કિશન અને કિન્નર સંજના વચ્ચે સંબંધો હતા. સંજના યુવકના ઘરે જ રહેતી હતી. બંને વચ્ચે કોઈક મામલે ઝઘડો થયો હતો. કિશને તિક્ષ્ણ હથિયાર મારી કિન્નર સંજનાની હત્યા કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આરોપી યુવક કિશન ફરાર છે. તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. આસપાસના લોકોના નિવેદન લઈ પુરાવા એકત્ર કરાયા છે.