સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં સોમવારે મધરાત્રે 22 વર્ષીય યુવકની હત્યાની સનસનીખેજ ઘટના બની છે. 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામના યુવકની મહાદેવ નગર નજીક હત્યા થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિના પહેલાં બારડોલીથી સુરત આવેલા અંશની સોમવારે મધરાત્રે હત્યા થઈ છે. અંશ આ અગાઉ બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર હેઠળ હતો. સોમવારે મધરાત્રે કેટલાંક અજાણ્યા લોકોએ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા સ્થાનિકો તેને બચાવવા દોડ્યા હતા.
જોકે, હુમલાખોરો પોતાના ઈરાદાને પુરા કરી ભાગી છૂટ્યા હતા. અંશને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડાયો હતો. જોકે, તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ડિંડોલીના મહાદેવ નગર નજીક 22 વર્ષીય યુવકનું મર્ડર થયું છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરાઈ રહી છે.
સામાન્ય ઝઘડામાં હત્યા થઈ હોવાનો આક્ષેપ
મૃતક અંશના ભાઈ અંકિત (ઉં. 20., રહે 105, મહાદેવ નગર ડિંડોલી)એ પોલીસને ફરિયાદ આપી છે કે બનાવના સમયે તા. 5 ઓગસ્ટની રાત્રિના 9.30 કલાકે તેના ભાઈ અંશને કૈલાશ ઉર્ફે કાલુ રામોસી (રહે. ભીમનગર આવાસ, ઉધના) અને રાકેશ ઉર્ફે રાકુ સાળવે (રહે. સાંઈનગર કવિતા મેડિકલની ગલીમાં)ની સાથે સામાન્ય મજાક મસ્તીમાં ઝઘડો થયો હતો. ત્યારે રાકેશે અંશને પાછળથી પકડી લીધો હતો અને કૈલાશે ચપ્પુથી અંશના છાતીમાં ઉંડો ઘા માર્યો હતો. આ ઉપરાંત દાઢી અને ગાલના ભાગે પણ ઘા માર્યા હતા. જેના લીધે અંશનું મૃત્યુ નિપજ્યું છે.