National

ઉત્તરાખંડમાં સવર્ણ મહિલા સાથે લગ્ન કરનાર દલિત રાજકીય કાર્યકરની હત્યા

પિથોરાગઢ: ઉત્તરાખંડના (Uttrakhand) અલમોડા જિલ્લામાં એક સવર્ણ જ્ઞાતિની મહિલા સાથે લગ્ન (Marriage) કરતા એક દલિત યુવકની તેના સાસરિયાઓ દ્વારા હત્યા (Murder) કરવામાં આવી હતી એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું. પનુઆધોખાન ગામના જગદીશ ચંદ્ર નામના ૩૯ વર્ષીય દલિત રાજકીય કાર્યકરનો મૃતદેહ આજે ભીકીયાસૈન ટાઉનમાં એક કારમાંથી મળી આવ્યો હતો એમ સોલ્ટ ડિવિઝનના તેહસીલદાર નિશા રાનીએ જણાવ્યું હતું. આ કાર્યકરના શરીર પર પચ્ચીસ ઘા પડેલા હતા અને એવું જણાતું હતું કે તેમની હત્યા લાઠી જેવા હથિયારો વડે કરવામાં આવી હતી. ચંદ્રની પત્નીની માતા, તેના સાવકા પિતા અને સાવકા ભાઇ જગદીશ ચંદ્રના મૃતદેહનો નિકાલ કરવા માટે તેને એક કારમાં લઇ જતા હતા તે સમયે પકડાઇ ગયા હતા એમ તેહસીલદારે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે તમામની તરત ધરપકડ કરવામાં આવી હતી.

  • સાસરિયાઓએ અપહરણ કરીને હત્યા કરી: કારમાં મૃતદેહનો નિકાલ કરવા જતા સાસુ, સસરા અને સાળાની ધરપકડ
  • જગદીશ ચંદ્રના શરીર પર ૨૫ ઘા હતા, પ્રેમ લગ્ન કરનાર યુવકે થોડા દિવસ પહેલા જ સુરક્ષા માગી હતી પણ શાસને કોઇ પગલા ભર્યા ન હતા

જગદીશ ચંદ્રે ૨૧ ઓગસ્ટના રોજ સવર્ણ મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ આ મહિલાના ઘરવાળાઓને આ લગ્ન મંજૂર ન હતા. તેમણે જગદીશ ચંદ્રનું શિલ્પાની બ્રીજ ખાતેથી અપહરણ કર્યું હોવાનું કહેવાય છે. ૨૭મી ઓગસ્ટે આ પતિ-પત્નિએ વહીવટીતંત્રને પત્ર લખીને સુરક્ષાની માગણી કરી હતી અને પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. પરંતુ વહીવટીતંત્રએ આ ફરિયાદ પર ધ્યાન આપ્યું ન હતું. જો યુગલની ફરિયાદ પર પગલા લેવાયા હોત તો જગદીશ ચંદ્રનો જીવ બચી ગયો હોત એમ ઉત્તરાખંડ પરિવર્તન પાર્ટીના નેતા પી.સી. તિવારીએ જણાવ્યું હતું. જગદીશ ચંદ્રએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ રાજય વિધાનસભાની ચૂંટણીમાં સોલ્ટ બેઠક પરથી ચૂંટણી લડી હતી પણ હારી ગયા હતા. તિવારીએ જગદીશ ચંદ્રની હત્યાને ઉત્તરાખંડ માટે એક શરમ ગણાવી હતી.

Most Popular

To Top