Columns

‘મર્ડર ઇન કોર્ટરૂમ’ ન્યાયવ્યવસ્થા પર સવાલ કરતી ઘટના

ટફ્લિક્સ પર હાલમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રીલિઝ થઈ છે. ફિલ્મનું નામ છે : ‘ઇન્ડિયન પ્રિડેટર : મર્ડર ઇન કોર્ટરૂમ’. આ ફિલ્મની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે અને તેનું કારણ ફિલ્મના ટાઇટલમાં છે તે મર્ડર ઇન કોર્ટરૂમ. ઘટના ઑગસ્ટ 2004ની નાગપુરની છે જ્યારે અહીં આવેલી જિલ્લા અદાલતમાં 200થી વધારે બહેનોએ 32 વર્ષના ગેંગસ્ટર અક્કુ યાદવની 70થી વધુ ઘા કરીને હત્યા કરી હતી. આ બહેનો નાગપુરમાં આવેલા કસ્તુરબા નગરની હતી, જેઓનો આ વિસ્તાર ચાલીછાપરાંવાળો છે. આ પૂરી ઘટના બીજા દિવસે દેશભરના અખબારો પર પ્રથમ પાના પર હતી. પોલીસ જ્યારે અક્કુ યાદવને કોર્ટમાં પેશી માટે લઈ આવી ત્યારે આ બહેનોએ પથ્થર અને ચાકુ સાથે તેની પર હુમલો કરી દીધો અને તે મૃત્યુ ન પામ્યો ત્યાં સુધી તેને મારતી રહી. આ બહેનોના રોષને ઘણે ઠેકાણે વાજબી ઠેરાવીને પણ વાત કરવામાં આવી પરંતુ આ આખી ઘટનામાં ખરેખર શું બન્યું હતું તે આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં દર્શાવાયું છે.
આ ઘટના બન્યા પછી પોલીસ તપાસમાં એવું તારણ આપવામાં આવ્યું કે લાંબા સમયથી ચાલતા આવતા વિવાદના કારણે અક્કુ યાદવની કોર્ટમાં જ હત્યા કરવામાં આવી હતી પરંતુ ડોક્યુમેન્ટરીમાં કેટલાંક નવાં તથ્યો પ્રકાશમાં આવ્યાં છે અને તે મુજબ આમાં મહિલાઓ પ્રત્યે થતી હિંસા, ભ્રષ્ટાચાર અને જ્ઞાતિની પણ બાબતો હતી. ઘટના બન્યા પછીના બીજા જ દિવસે આ વિસ્તારથી પરિચિત સમાજસેવિકા આશુ સક્સેના સાથે કેટલાક જાગ્રત નાગરિકોએ ‘ફેક્ટ ફાઈન્ડિંગ મિશન’ આરંભ્યું જે અંતર્ગત એવી તપાસ કરવાની હતી કે બહેનોએ આવું કર્યું કેમ? પણ જ્યારે આશુ સક્સેના આ બહેનોના ઘરેઘરે જઈને તેમને અરજ કરતી રહી ત્યારે કોઈએ પણ તેમના માટે દ્વાર ન ઉઘાડ્યા. આશુનું કહેવું છે કે તે દિવસે “મને ઘરોમાંથી બહેનોના રડવાનો અવાજ સંભળાતો હતો.”
પણ સમય વીતતા તેના તથ્યો સામે આવતા ગયા અને તેમાં આ વિસ્તારમાં સમાજસેવિકા તરીકે કાર્યરત ભગનબાઈ મેશરામે કહ્યું છે કે, “અક્કુ યાદવ જેનું મૂળ નામ ભરત કાલિચરણ હતું. તે નાની નાની ચોરી કરનારો હતો પણ પછીથી તે મોટા ગુનો આચરતો થયો. તેનો ખોફ પૂરા કસ્તુરબાનગરમાં પ્રસર્યો. 1990થી ચાલી આવતી તેની ગુનાહિત પ્રવૃત્તિ તેના મૃત્યુ સુધી ચાલી. તેના માથે ડકૈતી, ખૂન અને બળાત્કારના ગુના હતા. એવું કહેવાય છે કે કસ્તુરબાનગરમાં અનેક વખત તે સ્ત્રીઓને ઘરમાંથી બહાર લાવીને તેમની સાથે છેડતી કરતો અને ઘણી વાર તેના સાથીદારો સાથે તે બહેનોના ઘરોમાં ઘૂસીને બળાત્કાર કરતો. તેના આ ગુનાથી ગર્ભવતી મહિલાઓ સુધ્ધાં બચી નહોતી.” આવું વર્ષોથી ચાલી આવતું પરંતુ તેના હત્યાના થોડા દિવસો પૂર્વે એક રાત્રે અક્કુ યાદવ અને તેના સાથીઓએ 7 મહિનાની એક ગર્ભવતી મહિલાનો બળાત્કાર કર્યો. આ ઘટના બની ત્યારે પીડિતાની માતા સમાજસેવિકા ભગનબાઈ પાસે પહોંચી અને તેમની પાસે મદદ માંગી. ભગનબાઈએ પહેલાં તો પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરી અને તેની માતાને પોલીસમાં રિપોર્ટ કરવાનું કહ્યું પણ તે તૈયાર ન થઈ. ખૂબ સમજાવતાં તે પોલીસ ફરિયાદ માટે તૈયાર થઈ ત્યારે પણ અક્કુ યાદવ અને તેના સાગરીતોએ એસિડ ફેંકવાની અને હત્યા કરવાની ધમકીઓ તેમને આપી પણ આ વખતે કસ્તુરબાનગરની તમામ બહેનો અક્કુ યાદવ સામે લડવા એકઠી થઈ ચૂકી હતી અને આ હંગામાથી છેલ્લે અક્કુ યાદવની ધરપકડ થઈ પરંતુ કસ્તુરબાનગરની બહેનોને એ ખ્યાલ તો હતો કે જ્યારે અક્કુને કોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારે તે જામીન પર છૂટી જશે અને ફરી અહીં આવશે તો જે બહેનોએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો તેમને છોડશે નહીં. આ ડરથી બહેનો વચ્ચે ખોફ પ્રસર્યો. આ ખોફ એટલો હતો કે બહેનોએ એકઠા થઈને તેને કોર્ટમાં જ મારવાનો કારસો રચ્યો અને છેલ્લે અક્કુ યાદવની હત્યા થઈ.
આ પૂરી ઘટનામાં તે પછી ન્યાયવ્યવસ્થા પર પણ પ્રશ્નો ખડા થયા હતા અને ભારતીય કોર્ટની જે છબિ રહી છે તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બની છે તેવી વાતો પણ થઈ હતી. બહેનોએ ઉપાડેલાં આ અતિ જઘન્ય કૃત્યને યોગ્ય ઠેરવવાનો પણ પ્રયાસ થયો અને તે માટે પહેલાં તો કાયદોવ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલી નાગપુર પોલીસને જવાબદાર ઠેરવવામાં આવી કારણ કે વર્ષોથી અક્કુ યાદવનો ત્રાસ આ જગ્યાએ હતો તેમ છતાં તે બિન્દાસ રીતે ફરી ગુના આચરી રહ્યો હતો. અક્કુએ અહીં ગરીબ-મજદૂરી કરીને જીવનનિર્વાહ કરતી બહેનોને નિશાન બનાવી હતી.
ગુનો બને છે ત્યારે તુરંત જે તથ્યો સામે આવે છે ત્યારે તેમાં સાચું શું તે કળી શકાતું નથી. અક્કુ યાદવનો ત્રાસ કસ્તુરબાનગરમાં હતો તે તો સાચું પરંતુ તેની આ રીતે થયેલી હત્યાની પાછળ અનેક તર્કવિતર્ક થયા છે, જેનું સત્ય આજે પણ બહાર આવ્યું નથી. આ વિષય પર ફિલ્મ બનાવનાર ઉમેશ વિનાયક કુલકર્ણી પણ કેટલીક બાબતોને લઈને દ્વિધામાં રહ્યા છે. જેમ કે, એક થિયરી મુજબ અક્કુ યાદવની હત્યા તેની વિરોધી ગેંગે બહેનોના આવરણ લઈને કરાવી હતી અને વિરોધી ગેંગમાંથી એક વ્યક્તિએ બહેનોને પસંદ કરતી વેળાએ એવું કારણેય આપ્યું હતું કે બહેનોના હાથ શાકભાજી કાપવા ટેવાયેલા હોય છે તેથી તે હત્યા પણ કરી શકશે. આ તર્ક કોઈ પણ રીતે સ્વીકારી શકાય એમ નથી તેમ છતાં આ તર્ક ખૂબ ચાલ્યો હતો. જો કે ફેક્ટ ફાઇન્ડિંગના જે રિપોર્ટ આવ્યો તેમાં આવાં કોઈ કારણ દર્શાવાયા નથી અને ફિલ્મમાં જેમ દર્શાવાયું છે તેમ આ કોઈ પણ પ્રકારે તે બહેનો માટે હિંમત દાખવવાનું કાર્ય નહોતું. આ ઉપરાંત ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે આજે પણ કેવી રીતે ભારતમાં ગરીબ લત્તાઓમાં ગુનાઓ થતાં રહે છે અને તેમને સુરક્ષા બક્ષનાર કોઈ હોતું નથી.
ફિલ્મનો વિષય સંવેદનશીલ છે અને તેના પર કામ કરનારાઓએ ખૂબ રિસર્ચ કર્યું છે. તેમાંથી એક રિસર્ચર પૂર્વી પ્રિયા છે. તેમનું કહેવું છે કે, “આજના સમયે સોશ્યલ મીડિયા આપણી સ્મૃતિને ઘડે છે અને આ ઘટના બની હતી ત્યારે સોશ્યલ મીડિયા નહોતું, તેથી આજે તે વિશે લોકોને કશુંય યાદ નથી અને આજે પણ જ્યારે એકેડેમિસિય ‘વિજિલન્ટ જસ્ટિસ’ની વાત કરે છે ત્યારે આ કેસ જોવાય છે.”‘વિજિલન્ટ જસ્ટિસ’નો અર્થ એમ કરી શકાય કે જ્યારે કાયદોવ્યવસ્થા ન રહ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિ કે સમૂહ પોતાની રીતે કાયદો વ્યવસ્થા સ્થાપે.
ફિલ્મમાં રિસર્ચર તરીકે કાર્ય કરનારાં નિધિ સાલિયન કહે છે કે, આ ઘટના વખતે કોલકતામાં 14 ઑગસ્ટ 2004ના રોજ એક યુવકને ફાંસી આપવામાં આવી હતી. તે કારણે પણ દેશમાં તે ફાંસીની જ ચર્ચા થઈ રહી હતી, તે કારણે પણ આ ઘટનાને લઈને તે વખતે મીડિયામાં કવરેજ ઓછું થયું હતું. આ ઘટના સંદર્ભે પછીથી શૈક્ષણિક જગતમાં સારો એવો અભ્યાસ થયો છે અને ટાટા ઇન્સ્ટિટ્યૂટના ‘સ્કૂલ ઑફ જેન્ડર સ્ટડીઝ’ના આસિસ્ટન્ટ પ્રોફેસર સૌજન્યા તમલાપાકુલાનું માનવું છે કે, ન્યૂઝમાં કવર થવા માટે જ્ઞાતિનું પરિબળ ભાગ ભજવે છે. તેમનું માનવું છે કે દલિત મહિલાઓ સાથે થતાં અત્યાચાર પર સમાજ બંડ પોકારાતો નથી, જ્યારે ઉચ્ચ વર્ણની મહિલાઓના સંદર્ભે ન્યૂઝ મીડિયા શોરબકોર કરે છે અને એટલે આજે પણ અક્કુ યાદવની થયેલી હત્યાને લઈને મહિલાઓ ભીતિ અનુભવે છે. કસ્તુરબાનગરની આ બહેનો સાથે આ ઘટના વિશે વાત કરવા તૈયાર થાય તે માટે અંદાજે 6 મહિના જેટલો સમય ગયો તેવું ફિલ્મના ડિરેક્ટર કુલકર્ણી કહે છે. આજે જ્યારે કસ્તુરબાનગરની બહેનો નોકરી-કામ માટે જાય કે પછી તેમના લગ્ન નક્કી થાય તે વેળાએ તેમણે સ્પષ્ટતા કરવી પડે છે કે તેઓ તે ગુનામાં નહોતા. 2014માં આ ઘટનામાં છેલ્લે 18 આરોપી મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે કેસની તપાસ યોગ્ય રીતે થઈ નહોતી, પુરાવા નહોતા અને કોઈ સાક્ષી બનવા પણ તૈયાર નહોતું.

Most Popular

To Top