National

NAIT ઘાટ પર થયા અંકિતાના અંતિમ સંસ્કાર, અંકિતાને ન્યાય અપાવવા લોકો રસ્તા પર ઉતર્યા

ઉત્તરપ્રદેશ: અંકિતા હત્યા કેસને લઈને શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભારે વિરોધ વચ્ચે અંકિતાના અંતિમ સંસ્કાર શ્રીનગરના એનઆઈટી ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. સીએમ ધામીની અપીલ બાદ પરિવાર અંતિમ સંસ્કાર માટે સંમત થયો હતો. મોડી સાંજે અંકિતાના ભાઈએ મુખાગ્નિ આપી હતી. ઘાટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરમ્યાન અંકિતાને ન્યાય અપાવવા લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. શ્રીનગર મેડિકલ કોલેજ પાસે લોકોએ રસ્તો બ્લોક કરી દીધો છે. આ વિરોધમાં અંકિતાના સંબંધીઓ અને ગ્રામજનો પણ સામેલ છે. અંકિતા ભંડારી હત્યા (Murder) કેસના કારણે લોકોમાં ગુસ્સો છે. ઉત્તરાખંડની (Uttrakhand) દીકરી અંકિતાને ન્યાય મળે તે માટે ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. દરમિયાન અંકિતાનો મૃતદેહ રવિવારે સવારે શ્રીનગર (ઉત્તરાખંડ) પહોંચ્યો હતો, જ્યાં આજે તેના અંતિમ સંસ્કાર થવાના હતા. પરંતુ પરિવારે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. પીડિત પરિવારનું કહેવું છે કે તેમને પ્રશાસનની કાર્યવાહી પર વિશ્વાસ નથી. જ્યાં સુધી અંકિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તે દીકરીના મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે.

તમને જણાવી દઈએ કે 19 વર્ષીય રિસેપ્શનિસ્ટની ઉત્તરાખંડમાં તેના એમ્પ્લોયર દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારજનોએ રવિવારે કહ્યું કે જ્યાં સુધી અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેઓ તેમના અંતિમ સંસ્કાર કરશે નહીં. જોકે, પ્રથમ રિપોર્ટમાં યુવતીનું ડૂબી જવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઋષિકેશ દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃતક અંકિતા ભંડારીના શરીર પર મૃત્યુ પહેલાના નિશાન જોવા મળ્યા હતા. આ સૂચવે છે કે તેને કોઈ તીક્ષણ ધાર વળી વસ્તુથી મારવામાં આવી હતી. જો કે, પ્રાથમિક અહેવાલ મુજબ મૃત્યુ ડૂબી જવાથી થયું છે.

અંકિતાના પિતા વિરેન્દ્ર ભંડારીએ સરકાર પાસે તેમના સવાલનો જવાબ માંગ્યો છે. તેમણે પૂછ્યું કે સરકારે રિસોર્ટને કેમ તોડી પાડ્યું? જ્યારે તમામ પુરાવા હતા. અંકિતા હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે જેથી આરોપીઓને વહેલી તકે ફાંસી આપવામાં આવે. મૃતકના મામા એમએસ રાણાએ કહ્યું કે જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર નહીં થાય ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર કરીશું નહીં. જો કે પરિવારે આ સાથે જણાવ્યું હતું કે અમે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરતા નથી.

જણાવી દઈએ કે વંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારી 18 સપ્ટેમ્બરે ચિલ્લા બેરેજ વિસ્તારમાંથી ગુમ થઈ ગઈ હતી. તે ગુમ થયાના લગભગ એક અઠવાડિયા પછી શનિવારે (24 સપ્ટેમ્બર) ઋષિકેશની એક નહેરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એઈમ્સ ઋષિકેશ લઈ જવામાં આવ્યો. શનિવારે પણ ઋષિકેશના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ લોકો 19 વર્ષની અંકિતા ભંડારીની હત્યાના વિરોધમાં એકઠા થયા હતા. દેખાવકારોએ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્યની સત્તાધારી ભાજપ સરકાર કેસોને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે મુખ્ય આરોપી અને રિસોર્ટના માલિક પુલકિત આર્ય ભાજપના નેતા વિનોદ આર્યનો પુત્ર છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ પર શુક્રવારે વંતારા રિસોર્ટના કેટલાક ભાગોને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ ભાજપ સરકારે આરોપી પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને ભાઈ અંકિત આર્યને પોતાની ઈમેજ બચાવવા ઉતાવળે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢ્યા. આ સાથે સીએમ ધામીએ અંકિતને ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ પદેથી પણ હટાવી દીધા છે.

Most Popular

To Top