નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) ઉત્તર પૂર્વ દિલ્હીના નંદ નગરીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા છે. અહીં મનીષ પર આલમ, ફૈઝાન અને બિલાલ નામના બદમાશોએ છરીના ઘા મારીને હત્યા (Murder) કરી દીધી હતી, જે બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. દિલ્હી પોલીસ લોકોને ઉશ્કેરતા અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ સહારો લઈ રહી છે. સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણકારી મળી આવી છે કે જ્યારે મનીષ પર હુમલો થયો ત્યારે કોઈએ તેની મદદ કરી ન હતી. આ ઘટના શનિવારે રાત્રે બની હતી. ત્રણેય આરોપીઓએ મનીષની ઘાતકી હત્યા કરી હતી.
સવારે આ વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા
રવિવારે સવારે સ્થાનિક લોકો આ વિસ્તારમાં એકઠા થયા અને કાયદા અમલીકરણ એજન્સી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેમણે હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી. પોલીસે ખાતરી આપી છે કે કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં અને ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કોઈ કસર છોડી રહી નથી. આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ હતી. પોલીસે લોકોને વિસ્તારમાં શાંતિ જાળવવા જણાવ્યું છે.
જણાવી દઈએ કે દિલ્હીના મનિષ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી જે સીસીટીવી ફૂટેજ કેદ થઈ ગઈ હતી. ફૂટેજ ચેક કરતા જાણકારી મળી આવી છે કે મનીષને દિવસે ચાકુ મારી ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી, પરંતુ કોઈએ તેને બચાવવાની હિંમત કરી ન હતી. જો કે પોલીસે જણાવ્યું કે આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કારણ જૂની દુશ્મની હોવાનું માનવામાં આવે છે
હાલમાં હત્યા પાછળનું કારણ જૂની દુશ્મની હોવાનું માનવામાં આવે છે. મૃતકના ભાઈ સુશીલે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે મનીષને આલમ, બિલાલ અને ફૈઝાન નામના ત્રણ લોકોએ ચાકુ માર્યા હતા. સુશીલે કહ્યું આ ત્રણેય મોહસીન અને કાસિમના મિત્રો છે, જેઓ મારા ભાઈ પર હુમલો કરવાના આરોપમાં હાલમાં જેલમાં છે. તેઓએ બદલો લેવાની ધમકી આપી હતી અને આજે તેઓએ મારા ભાઈને ઢોર માર માર્યો હતો.