અમદાવાદ : અમરેલી જિલ્લાના ધારીમાં ગુરુવારે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને ભાજપના અગ્રણી મધુબેન જોષીની હત્યા કરવામાં આવી હતી. નજીવી તકરાર બાદ મામલો વધી જતાં પાડોશમાં રહેતા ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ઘટના સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે મૃતક મહિલા નેતાના પુત્ર હિતેશ જોષીએ જણાવ્યું હતું કે, ત્રણ પૈકીના એક આરોપીને અગાઉ ફટાકડા ફોડવા બાબતે મારા ભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. સાંજના સમયે મારો ભાઈ બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ફોર વ્હીલર તેની ઉપર દોડાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મારી માતા અને મારો ભાઈ તેને ગાળો આપવા જતાં ભાઈ ત્યાંથી નીકળી ગયો હતો.
તે જ સમયે આ ત્રણ આરોપીઓએ મારી માતા અને મારા ભાઈ પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. મારી માતાના હાથ પર તલવારનો ઘા થયો અને તેનો હાથ કપાઈ ગયો. જેમાં મારી માતાનું અવસાન થયું અને મારો નાનો ભાઈ હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ મારી માસીના પુત્રની આંગળીઓ કપાઈ ગઈ હતી.
અમરેલીના એસપી હિમકાર સિંહે જણાવ્યું છે કે, એક નજીવો અકસ્માત થયો છે અને મારામારી થઈ હતી. મધુબેન જોષી પર આરોપીઓએ તલવાર વડે હુમલો કર્યો હતો, જેમાં મધુબેનના હાથની નસ કપાઈ ગઈ હતી અને તેણીનું મૃત્યુ થયું હતું.
મધુબેન જોષી સામાજિક કાર્યકર અને રાજકીય નેતા છે. તેમનો પુત્ર રવિ જોષી ઘાયલ છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ત્રીજો આરોપી પોલીસ કસ્ટડીમાં છે. હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભાજપના નેતાની હત્યાના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પહેલા બુધવારે જ કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.