National

કોલકાતાના હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરતી લેડી ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતાથી એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની એક મહિલા ડૉક્ટર રહસ્યમય સંજોગોમાં મૃત મળી આવી છે. તેણી હોસ્પિટલમાં બીજા વર્ષની અનુસ્નાતક તબીબી વિદ્યાર્થી હતી અને ચેસ્ટ મેડીસીન વિભાગમાં હાઉસ સ્ટાફ તરીકે પણ કામ કરતી હતી.

હોસ્પિટલ સ્ટાફે બપોરે 12 વાગ્યે હોસ્પિટલની ઈમરજન્સી બિલ્ડિંગના ચોથા માળે લાશ શોધી કાઢી હતી. લાશ મળી આવતા કેમ્પસમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. કોલકાતા પોલીસના ઉત્તરી ઉપનગરીય વિભાગના ડેપ્યુટી કમિશનર અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળની પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ તરત જ શહેર પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલ પણ હોસ્પિટલ પરિસરમાં પહોંચી ગયા હતા.

હોસ્પિટલ સાથે જોડાયેલા કેટલાક ડોક્ટરોએ જણાવ્યું કે મૃતક ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન છે. કપડાં ફાટી ગયા હતા અને શરીર અર્ધ નગ્ન અવસ્થામાં હતું. શરીરની હાલત જોઈને પોલીસે બળાત્કારની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું, શરીરના ગાલ, નાક, હોઠ, ભમર અને ગળાની વચ્ચે સ્ક્રેચના નિશાન છે. આ નિશાનો દર્શાવે છે કે ત્યાં સંઘર્ષ થયો હતો.

ડોક્ટરના રેપ અને મર્ડરની વાત બહાર આવતા હોસ્પિટલ પરિસર અને મેડિકલ વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. લગભગ 10 કલાકના પ્રદર્શન, ધરણા અને ચર્ચા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

ડોક્ટરના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી પર આરજી કાર મેડિકલ કોલેજ પરિસરમાં બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. હવે મેડિકલ કોલેજ પ્રશાસન સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘટના અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહિલાના માતા-પિતાને ફોન કરીને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

પીડિતાના પિતાએ કહ્યું, મને પૂરી ખાતરી છે કે મારી દીકરીની હત્યા પહેલા તેની સાથે બળાત્કાર થયો હતો. તેના શરીર પરના ઈજાના નિશાન આ વાતનો પુરાવો છે. તે અર્ધ-નગ્ન અવસ્થામાં મળી આવી હતી. સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને સમજાતું નથી કે હોસ્પિટલના અધિકારીઓ તપાસમાં કેમ વિલંબ કરી રહ્યા છે.

હોસ્પિટલના એક ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેણે રાત્રે લગભગ 2 વાગ્યે તેના જુનિયર્સ સાથે ડિનર કર્યું હતું. આરામ માટે અલગ રૂમ ન હોવાથી તે સેમિનાર રૂમમાં ગયો હતો.

તબીબો હડતાળ પર ઉતર્યા
દરમિયાન આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પીજીટી ડોકટરોએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગ સાથે ઇમરજન્સી વોર્ડ સિવાયના તમામ વિભાગોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ મહિલા ડૉક્ટરના મૃત્યુની તાત્કાલિક તપાસની માંગ સાથે રેલી કાઢી હતી. વિધાનસભ્ય અગ્નિમિત્રા પોલ સહિત અનેક વિપક્ષી ભાજપના નેતાઓએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મેજિસ્ટ્રેટ દ્વારા સ્વતંત્ર તપાસની માંગ કરી હતી.

Most Popular

To Top