સુરત: શહેરમાં ફરી એકવાર અરેરાટી મચાવનાર શહેરના પોશ વિસ્તાર સિટીલાઈટમાં શિવપૂજા કોમ્પલેક્ષમાં જિમ સ્પામાં લાગેલી આગે બે યુવતીનો ભોગ લીધો હતો. તંત્રવાહકોની બેદરકારીએ રોજીરોટી કમાવા ઘરપરિવારથી દુર છેક સિક્કીમથી સુરત આવી સ્પામાં કામ કરતી બે યુવતીઓના કરૂણ મોત થયા છે.
- સિટીલાઈટના જીમ-સ્પાને મનપાએ 2022, 2024માં નોટિસ ફટકારી હતી, છતાં બે યુવતીનો જીવ ગયો!
- નોટિસ ફટકારી પણ ફાયરે ફાયર સેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવી નહીં
- બીજી તરફ સરકારમાંથી ફાયર એનઓસી રિન્યુ કરાવી લાવ્યા
- ખરેખર ફાયર વિભાગે ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ?તે ચેક કરી લેવાની જરૂર હતી
જ્યાં આગ લાગી ત્યાં કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ડબલ હાઇટના સ્લેબમાં માળ બનાવી, અંદરથી દાદર બનાવી સ્પા બનાવી દેવામાં આવ્યું હોવાનું અને ગેરકાયદે કાચનું એલિવેશન પણ આ ઘટના માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું હોય, ફાયર વિભાગ દ્વારા એફએસએલ તપાસ હાથ ધરાઇ છે. તેમજ ફાયર સેફટીના અમલમાં લાલિયાવાડી માટે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.
વિસ્તૃત વિગતો મુજબ, સિટીલાઈટ વિસ્તારમાં શિવપૂજા કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ચાલતા જીમ અને સ્પામાં આગ લાગતા ધુમાડાથી ગુંગળાઇને બે યુવતીઓના મોત થતા શહેરમાં અરેરાટી મચી જવા પામી છે. જો કે એવી વાત બહાર આવી રહી છે કે, આ જીમ અને તેની અંદર બાંધકામમાં ફેરફાર કરીને જે રીતે સ્પા બનાવાયું હતું તે માટે આ ઇમારતમાં વખતો વખત ફેરફાર કરી મંજુરી મેળવાઇ છે અને ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટફીના કાયદા હેઠળ મંજુર કરાવી લેવાયું છે.
ફાયર સેફટી બાબતે મનપા દ્વારા વખતો વખત નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં તેનું પાલન થયું નહોતું અને ફાયર વિભાગના અધિકારીઓ પણ માત્ર નોટીસ આપીને તમાશો જોઇ રહ્યા હોય મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું છે તે રીતે જવાબદાર ફાયર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી છે.
જ્યાં દુર્ઘટના બની તે જીમ અને સ્પાનો ઇતિહાસ એવો છે કે, વર્ષ 2004માં વિકાસ રાજા જુનેજાને મનપા દ્વારા શીવપુજા કોમ્પલેક્ષ માટે બીયુસી આપવામાં આવ્યું હતું. બીયુસી અપાયા બાદ બિલ્ડીંગમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામમાં 2011માં ઇમ્પેક્ટ ફીનો લાભ આપી કાયદેસર કરી દેવાયું હતું, ત્યારબાદ શિવપૂજા કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે સનસિટી નામનું જીમ બન્યું. આ જીમમાં જવાનો એકમાત્ર રસ્તો છે.
2019માં સનસિટી જીમના માલિક દ્વારા જીમનું વેચાણ કરી શાહ નવાજને જીમ આપવામાં આવ્યું હતું. શાહ નવાજે જીમ સંભાળ્યા બાદ જીમની અંદર અમૃતયા સ્પા પણ ચાલુ કરવામાં આવ્યું અને જીમની અંદરથી જ ગેરકાયદે દાદર બનાવી ઉપર અલાયદૂ પાર્ટીશન કરી એક જ માળના બે ભાગ કરીને નીચે જીમ અને ઉપરના ભાગમાં અમૃતયા સ્પા ચલાવવામાં આવતું હતું. આ સ્પામાં કાચનું એલીવેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે ધુમાડો સુધ્ધાં બહાર ન નીકળી શકે તે પ્રકારે ફર્નિચર બનાવવામાં આવ્યું હતું.
ફાયર ડીલીટ વિભાગ દ્વારા જીમના માલિક શાહ નવાજને ઇમરજન્સી એક્ઝિટ ગેટ નહીં બનાવતા અને ફાયર એનઓસી અલગથી નહીં લેતા ૧૨/૧/૨૦૨૨ના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ફરીથી તારીખ ૨૭/૮/૨૦૨૪ના રોજ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શાહ નવાજને નોટિસ ફટકારવામાં આવી હતી.
ઇમરજન્સી ગેટ નહીં હોવાથી નોટિસ અપાઇ પરંતુ અન્ય કોઇ કાર્યવાહી થઇ નહોતી
તક્ષશિલાની દુર્ઘટના અને રાજકોટ ગેમઝોનની દુર્ધટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટીના નવા નિયમો મુજબ અમલવારી થઇ છે કે નહી તેની તપાસ ઝુંબેશ ચાલી હતી. ત્યારે શહેરમાં સેંકડો મિલકતો સીલ કરાઇ હતી અને ફાયર સેફટીની અમલવારીના ચેકિંગ બાદ જ સીલ ખોલાયા હતા.
ત્યારે સવાલ એ ઉઠે છે કે, આ જીમ અને સ્પામાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ ન હોવાથી તથા ફાયર એનઓસી ન હોવાથી મનપાના તંત્ર દ્વારા નોટિસ અપાઈ હતી અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓ પણ માત્ર નોટિસ આપી હાથ પર હાથ ધરીને બેસી રહ્યા હતા. જેના કારણે સંચાલકોને છૂટો દોર મળી ગયો હતો.
સંચાલકોએ બાદમાં સરકારના એફએસઓ પાસેથી એનઓસી રિન્યુ કરાવી લીધું હતું. જોકે, બુધવારે સાંજે બનેલી આગની ઘટનામાં ધુમાડો જીમની બહાર ન નીકળી શકતા અંદર સ્પામાં ફેલાયો હતો, જેના કારણે બંને યુવતીઓના ગુંગળાઈને મૃત્યુ થયા હતા.
2019માં મનપાએ સીલ માર્યા બાદ માત્ર બાહેંધરી લઇ ખોલી આપ્યું હતું
પાલિકા દ્વારા 2004માં બીયુસી અપાયા બાદ 2011માં ઇમ્પેક્ટ ફી દ્વારા ગેરકાયદે બાંધકામ મંજુર કરાયું હતું. પરંતુ ફાયર સિસ્ટમ લગાવી ન હોવાથી નવેમ્બર 2018માં પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શિવ પૂજા કોમ્પલેક્ષને નોટિસ ફટકારવામાં આવી હતી.
જો કે નોટિસનો આનાદર કરતા તારીખ 27/5/2019ના રોજ શિવ પૂજા કોમ્પ્લેક્સને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ એફિડેવિટમાં બાંહેધરી લઈને ફાયર સિસ્ટમ લગાવવા માટે ફરીથી કોમ્પ્લેક્સને ખોલી દેવામાં આવ્યું હતું.
સરકારના એફએસઓ શું ચેક કરીને એનઓસી રિન્યુ કરે છે? શંકાના વમળો
સંચાલકો પર તવાઇ આવ્યા બાદ મનપાના ફાયર સેફટીની પૂર્તતા કરીને એનઓસી માટે અરજી થતા તારીખ 5/2/2022માં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેને એનઓસી આપવામાં આવ્યું હતું. પરંતુ ફેબ્રુઆરી 2024માં બિલ્ડીંગના સંચાલકો દ્વારા ફાયર એનઓસી રિન્યુ નહીં કરવામાં આવતા ઓગસ્ટ 2024માં ફરીથી શિવપૂજા કોમ્પલેક્ષને નોટિસ ફટકારાઈ હતી.
જેથી આખરે તેઓએ ગુજરાત સરકારના એફએસઓ કુમાલી મોહમ્મદ માદરવાલા મારફતે તારીખ 15/10/2024ના રોજ એનઓસી મેળવી લીધું હતું. જો કે ત્યારબાદ આ ઘટના બની હોય સરકારના અધિકારીઓ શું જોઇને એનઓસી રિન્યુ કરતા હશે તેવા સવાલો ઉઠયા છે?
ફાયર વિભાગે સંચાલકોની બેદરકારી બાબતે પોલીસમાં રિપોર્ટ કર્યો છે : ચીફ ફાયર ઓફીસર
સિટીલાઇટ ખાતેના સ્પામાં આગ ફાટી નીકળતા મનપાના ફાયર વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. પરંતુ વારંવાર નોટિસ આપવા છતાં પણ જીમ અને સ્પાના સંચાલકો દ્વારા એક્ઝિટ અને એન્ટ્રી માટેની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નહોતી. જેને પગલે ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી સ્પાના અને જીમના સંચાલકોને કેટલી વખત નોટિસ આપવામાં આવી છે? અને કયા કયા સમયે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે? તે અંગે પોલીસને પણ રિપોર્ટ કર્યો છે.