SURAT

લ્યો…બોલો સુરતમાં મેયરની ઓફિસમાંથી મનપાની ડાયરીઓ ચોરાઈ ગઈ!

સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડાયરી છાપવામાં આવે છે અને તેનું વિતરણ તેમજ વેચાણ કરવામાં આવે છે. મનપા મુખ્ય કચેરી ખાતે ડાયરીઓનો સ્ટોક રાખવામાં આવતો હોય છે. શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીની ઓફિસ પાસે બનાવાયેલા મેયરના મુલાકાતી કક્ષમાંથી મનપાની 12 ડાયરી ચોરાઈ જવાની ઘટના બની હતી. મેયરની કેબિનની આસપાસ અડધો ડઝન જેટલી સિક્યુરિટી હોવા છતાં પણ ખુલ્લેઆમ લોકો ડાયરીઓ લઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.

  • ગેરકાયદે સ્ટ્રક્ચર્સ તૂટતા બચાવવા રજૂઆત કરવા આવેલા યુવકો ડાયરી લઈ ગયા હોવાની શંકા: ત્રણ શંકાસ્પદની પૂછપરછ

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે મનપા મુખ્ય કચેરીએ કતારગામના ગેરકાયદે સ્ટ્રક્ચરના માલિકો મેયરને મળવા આવ્યા હતા. કતારગામ ઝોનમાં ગેરકાયદે સ્ટ્રક્ચર્સ સીલ મારવામાં આવી રહ્યાં છે, જેમાં ઓનલાઈન બિઝનેસ કરતા 20થી 25 જેટલા યુવકો આ સીલ ન મારવામાં આવે તે અંગે મેયરને મળવા આવ્યા હતા. પરંતુ મેયર કચેરીમાં હાજર ન હતા અને મંગળવારે સાંજે તેઓ ઓફિસે આવવાના પણ હતા. તે અંગે આ યુવકોને જાણ કરાઈ હોવા છતાં તેઓ મેયરના મુલાકાતી કક્ષમાં બેસવા માંગતા હોવાથી તેમને 5 મિનિટ બેસવા દેવામાં આવ્યા હતા.

દરમિયાન મુલાકાતી કક્ષમાં મૂકેલા કબાટ કે જે લોક ન હતા તે કબાટ ખોલી આ યુવકોએ સુરત મહાનગરપાલિકાની વર્ષ-2024ની ડાયરીઓ કાઢી હતી અને ત્યાં બેસી વાંચવા લાગ્યા હતા અને ત્યારબાદ આ યુવકો કુલ 12 ડાયરી લઈને બહાર નીકળ્યા અને ડાયરી લઈ નીચે પહોંચ્યા ત્યારે સિક્યુરિટીએ તેમના હાથમાં ડાયરીઓ જોઈ હતી અને મેઈન ગેટ પર સિક્યુરિટીને જાણ કરી હતી.

તેમ છતાં સ્માર્ટ મનપાની સિક્યુરિટી ગાર્ડને એકપણ યુવક હાથ લાગ્યો ન હતો. જે યુવકો પાસે ડાયરીઓ હતી તે તમામ નીકળી ગયા હતા અને તેમની સાથેના 3 યુવક પકડાયા હતા, જેમની પાસે ડાયરીઓ ન હતી તેની સેક્રેટરી વિભાગે પૂછપરછ કરી હતી અને તેઓએ તેમની પાસે ડાયરી નથી અને તેઓ ડાયરી નથી લઈ ગયા તેમ જણાવ્યું હતું.

ડાયરીઓ પરત નહીં કરશે તો પોલીસ ફરિયાદ દાખલ કરાશે
મનપાના સેક્રેટરી વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી જતીન ઠાકરે આ 3 યુવકને બેસીને ખખડાવ્યા હતા અને શા માટે આ રીતે ડાયરીઓ લઈ ગયા એ અંગે પૂછપરછ કરી હતી, જેમાં તેમની સાથે આવેલા અન્ય યુવકો સાથે તેમનો ખાસ પરિચય નથી તેમ અન્ય યુવકોએ જણાવ્યું હતું.

કતારગામમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ઓનલાઈન બિઝનેસ કરતા તમામ યુવકો એકબીજાને નથી જાણતા. માત્ર આ અંગે રજૂઆત કરવા તેઓ એકજૂટ થઈને આવ્યા હતા તેમ તેઓએ જણાવ્યું હતું. મનપાને હાથે 12માંથી માત્ર 1 જ ડાયરી લાગી હતી. અન્ય ડાયરીઓ પરત આપી જવા માટે સેક્રેટરી વિભાગે જણાવ્યું હતું, નહીંતર પોલીસ ફરિયાદ કરાશે. તેમજ તેઓ જે અંગે રજૂઆત કરવા આવ્યા છે તે સાંભળવામાં નહીં આવશે તેમ જણાવ્યું હતું.

મનપા મુખ્ય ગેટ પર 10 યુવકનું ચેકિંગ કરાયું, કોઈને પાસે ડાયરી ન મળી
મેયર ચેમ્બર પાસેથી યુવકો ડાયરી લઈને મેઈન ગેટ સુધી પહોંચે એ પહેલાં મેયર ઓફિસ પાસેના સિક્યુરિટીએ મેઈન ગેટ પર કોલ કરીને આ અંગે જાણ કરી કે અહીંથી યુવકો ડાયરી લઈને નીકળી ગયા છે. પરંતુ મેઈન ગેટ પર 10 યુવકને ચેક કરાયા તો કોઈ પાસે ડાયરી મળી આવી ન હતી. જેઓ પાસે ડાયરી હતી તેઓ નીકળી ગયા હતા.

સિક્યુરિટી રિપોર્ટ આપવા જણાવાયું છે: ચીફ સિક્યુરિટી ઓફિસર-જાગૃત નાયક
આ અંગે સુરત મહાનગરપાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે જણાવ્યું હતું કે, મેઈન ગેટ પર હાજર રહેતી સિક્યુરિટી પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જેના રિપોર્ટમાં શું આવશે તે બાદ આગળ કાર્યવાહી કરાશે.

Most Popular

To Top