જાહેર જનતાની સુખાકારી પ્રત્યે દુર્લક્ષ સેવવું હવે નિયમ બની ગયો છે. અમલદારો બેજવાબદાર થઇ ગયા છે. કોર્પોરેટરોનો દબદબો છીનવાઇ રહ્યો છે. શહેર, ગામડામાં મચ્છરનો ત્રાસ, કૂતરાં કરડવાના અનેક બનાવો, સરકારી હોસ્પિટલોમાં કૂતરાનાં ઇંજેકશનોની અછત, મેટ્રો રેલવેના તુત સામે રસ્તાઓ આડેધડ ખોદાઇ રહ્યા છે. વાહન સવારોના કમરના મણકા ખસી રહ્યા છે. જાહેર બાગ બગીચાઓ જંગલમાં ફેરવાઇ રહ્યા છે. લોકો જાહેર બાંકડાઓ તોડી રહ્યા છે. મનપાની લાયબ્રેરી અને સિનિયર સીટીઝનો માટેના શાંતિકુંજ બાગનો કોઇ ધણી નથી. ડ્રેનેજ લાઇનો ચોકઅપ થઇ રહી છે. પાણીના અભાવે બાગ બગીચાઓ સુકાઈ રહ્યા છે. શું આ સુશાસન?
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઝઘડિયાના નવા MLA તેમની કાર્યદક્ષતા દાખવે તો બસ
સામાન્યત: ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં, પોતાની આગવી ધગશ, સમાજ સેવાની ઉત્કૃષ્ટ અને અનોખી ખુમારી – નિષ્ઠા ધરાવનાર વ્યકિત ધીરે ધીરે રાજય સ્તરે પણ પહોંચી શકે છે, ભલે એ કોઇ પણ રાજકીય પક્ષનો કાર્યકર હોય! ઉમેદવારની પસંદગી થયા પછી, કરેલ સમાજ સેવા, વ્યવહારકુશળતાનાં લેખાં-જોખાં સમાજ સમક્ષ રજૂ કરી, મત આપવા પોતાને ચૂંટી મોકલવા માટે વિનંતી કરતો હોય છે. પોતાના પુણ્ય-પરમાર્થના જોરે ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેને MLA તરીકેનું વેતન અને અન્ય ભથ્થાં સહિત લગભગ દોઢેક લાખની આવક નિશ્ચિત જ હોય છે. પોતાના વિસ્તારના વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવતી જ હોય છે, જે નાણાં ખરેખર તો રૈયતના જ હોય તેને ‘સમાજસેવાના દાયરામાં’ મૂકી શકાય નહીં.
પોતાની અંગત આવકમાંથી લોકસેવા – પરમાર્થમાં ખર્ચનારા કોક જ હોય મારા ભાઇ! વિવિધ પ્રકલ્પો, યોજનાઓમાં ફાળવાતી ગ્રાન્ટમાં ઠેકેદારો – કોન્ટ્રાકટરો સાથે ‘ગાંધી વૈદ્ય’નું સહિયારું તો ખરું જ, મલાઇ જ મલાઇ! તાજા સમાચાર યા અખબારી અહેવાલ મુજબ હાલમાં જ વિધાનસભાની ચૂંટણી સુખરૂપ સંપન્ન થઇ. જેમાં ઝઘડિયા મત વિસ્તારના ભાજપના ચૂંટાયેલા ઉમેદવાર, આદિવાસી લોકસેવક (MLA) રીતેશભાઇ વસાવા સાહેબે એવી જહેમત કરી છે કે તેમને MLA તરીકે મળનાર વેતન પાંચ વર્ષ પર્યંતનું તેઓ જિલ્લા -મત વિસ્તારની વિધવા માતા બહેનોની સેવા અર્થે જ વાપરશે! આવી દિલેરી ભાવનાને પ્રત્યક્ષ કરવા માજી મંત્રી ખુમાનસિંહજી વાંસિયાનો ઉચ્ચ કોટિનો આદર્શ, છૂપી આંતરિક ભાવના – ખુમારીને પણ બિરદાવવી ઘટે.
ઉમરપાડા- કનોજભાઇ વસાવા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.