
સુરત: એક સમય હતો કે જ્યારે જકાતની આવકને કારણે સુરત (surat) મહાપાલિકા દેશની સમૃદ્ધ મહાપાલિકા (Corporation) પૈકીની એક ગણાતી હતી. મનપાને રોજની કરોડોની આવક થતી હતી અને તેના આધારે વિકાસના (Development) અબજો રૂપિયાના કામો કરવામાં આવતા હતા. જોકે, રાજ્યમાં જકાતને નાબુદ કરવામાં આવી અને ત્યારથી સુરત મહાપાલિકાની જાણે પનોતી બેઠી છે. રાજ્ય સરકાર દ્વારા જકાતની સામે ગ્રાન્ટની (Grants) જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ ગ્રાન્ટની રકમ જકાતની આવકની સામે કશું નથી. રાજ્ય સરકારે ગ્રાન્ટની જાહેરાત કરી પરંતુ ગ્રાન્ટ માટે સુરત મહાપાલિકાને ટટળાવવામાં આવી રહી છે. મહાપાલિકામાં ભાજપનું શાસન અને રાજ્યમાં પણ ભાજપનું (BJP) શાસન હોવા છતાં પણ વાસ્તવિકતા એ છે કે આજની તારીખે પણ મનપાના રાજ્ય સરકાર પાસે 1400 કરોડની ગ્રાન્ટ લેણા પેટે છે પરંતુ રાજ્ય સરકાર તેને ફાળવવાનું નામ લેતી નથી!
- જકાત નાબુદીની સામે સરકારે ગ્રાન્ટની જાહેરાત કરી હતી, તે સિવાય પણ કામો માટે ગ્રાન્ટ જાહેર કરી પરંતુ સરકારને નાણાં આપવાનો સમય નથી
- મનપામાં ભાજપનું શાસન અને રાજ્ય સરકારમાં પણ ભાજપનું શાસન છતાં નાણાં મળતા નથી, સીઆર પાટીલે પ્રયાસો કરવા પડશે
સુરત શહેરનો વિકાસ કરવાના અનેક બણગા ભાજપ શાસકો દ્વારા ફૂંકવામાં આવી રહ્યાં છે, પરંતુ શાસકો રાજ્ય સરકારમાં જઈને મજબૂત રજૂઆત કરી શકતા નથી. હવે ખૂદ સાંસદ સીઆર પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે ત્યારે સુરતને મહત્તમ ગ્રાન્ટ મળે તેવી સંભાવના છે. જોકે, હજુ સુધી એવો લાભ દેખાયો નથી. સુરતમાંથી સરકારને મોટાપાયે વેરો મળે છે. સરકારને આખા રાજ્યમાં સૌથી વધુ જીએસટી સુરત આપે છે છતાં પણ સુરતને રાજ્ય સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે. સુરત માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે પરંતુ ગ્રાન્ટ આપવામાં આવતી નથી. થોડી થોડી કરીને રકમ આપવામાં આવી રહી છે. જો સુરત મનપાના ભાજપ શાસકો દ્વારા આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવામાં આવે આ ગ્રાન્ટની રકમ છૂટી થાય તેમ છે. જો આ રકમ મનપાના હાથ પર હોત તો બજેટમાં અનેક નવા પ્રોજેક્ટોની જાહેરાતો કરી શકાય હોત.
સરકાર ગ્રાન્ટ આપે જ છે, એક દિવસ પહેલા જ 70 કરોડ રૂપિયા મનપાને અપાયા છે: ચેરમેન પરેશ પટેલ
સુરત મહાપાલિકાની 1400 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી નહી રહી હોવા અંગે સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ શાસકો દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવે જ છે. હજુ ગઈકાલે જ રાજ્ય સરકારમાંથી 70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મનપાના શાસકો લઈ આવ્યા છે. આગામી દિવસોમાં પણ વધુને વધુ ગ્રાન્ટ લેવા માટે પ્રયત્નો અને રજૂઆતો કરવામાં આવશે.