પેટલાદ: પેટલાદ નગરપાલિકા દ્વારા આજરોજ સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધીના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધીના ૨૫ જેટલા કાચા કેબીનો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા સમગ્ર શહેરના દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે ૧૧ કલાકથી પાલિકાના ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના જુદા જુદા વિભાગોની ટીમ સાથે ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટ સહિત પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. શહેરના સરદાર ચોકથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું. જે કોઈ દુકાનદારોએ પાકા ઓટલા, સાઈન બોર્ડ કે અન્ય જે કોઈ ગેરકાયદેસર દબાણો કર્યા હતા એ તમામ દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં હાલ બે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાના કારણે જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
જેને કારણે બસ સ્ટેન્ડથી સરદાર ચોક સુધીના રાજમાર્ગ ઉપર દિવસ દરમ્યાન નાના મોટા વાહનોની સતત અવર જવરને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી. ઉપરાંત આ રાજમાર્ગ ઉપર મોટાભાગના દુકાનદારો દ્વારા બહાર માલસામાન પણ ગોઠવવામાં આવતો હતો. જેથી આવા દુકાનદારોને ત્યાં આવતા ગ્રાહકો દ્વારા આડેધડ પાર્કિગ કરવામાં આવતા ટ્રાફીક જામ થવાની ઘટનાઓ વધી ગઈ હતી. તેમાંય બસ સ્ટેન્ડ થી સ્ટેશન પોલીસ ચોકી સુધી ટ્રાફિકને અડચણ રૂપ દબાણો વધી ગયા હતા.
જેને કારણે પાલિકા દ્વારા આજરોજ સ્ટેશન ચોકી સામે આવેલ જકાતનાકાથી કાચા પાકા દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરતાં જ દુકાનદારોના ટોળા ભેગાં થયાં હતા. આ વિસ્તારના લગભગ ૨૫ જેટલા કાચા કેબીનો દૂર કરવાની કામગીરી આજથી શરૂ થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા અને ગેરકાયદેસર બાંધકામ કે દબાણો સંદર્ભે કડક કાર્યવાહી કરવા ટેવાયેલા ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકર દ્વારા હવે પછી કયા વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવનાર હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી.
જગ્યા ત્રાહિતને ભાડે આપી હશે તાે ગુનો નાેંધાશે
ગેરકાયદેસર દબાણો સહિત કાચા કેબિનો દૂર કરવાની કામગીરી સિંઘમ લેડી ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકર દ્વારા શુક્રવારે હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે સાત જેટલા કેબિનો બંધ હતા. જે ખોલી તપાસ કરતાં બે કેબિનમાં માલસામાન હતો. પરંતુ અન્ય પાંચ જેટલા કેબિનો ત્રાહિત વ્યક્તિને ભાડે આપવાનો વેપલો ચાલતો હોવાનું ઈ.ચા. ચીફ ઓફિસરે જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે જો આ રીતે સરકારી જમીન ઉપરના કાચા કેબિનો અન્યને ભાડે આપતા હશે અને ખાલી નહીં કરે તો તેવા ઈસમો સામે જરૂર જણાશે તો ગુનો પણ દાખલ કરવામાં આવશે.
બાકી ભાડાં ચૂકવો તો જ મળશે
કેબિન ધારકો દ્વારા વર્ષ 2015-16થી આજદિન સુધી જે ભાડા ભર્યા નથી તે તમામ ચુકવી આપવાના રહેશે. જે કેબિન ધારકો પાલિકાની બાકી રકમ ચૂકતે ભરશે તેઓને મુળ જગ્યા ખાલી કરી પાછળની બાજુ ચાેક્કસ ક્ષેત્રફળની જગ્યા ફાળવવામાં આવશે. – ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકર
તાબડતોબ મિટીંગ
પાલિકાએ ૨૫ જેટલા કાચા પાકા કેબીનો દૂર કરવાનું શરૂ કર્યું હતું. જે મામલે શુક્રવાર બપોરે ત્રણ કલાકે કેબિનો પાછળ આવેલ મસ્જિદ ખાતે પાલિકા ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકર, ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટ, પાલિકા એન્જિનિયર જીતેશ પટેલની તમામ કેબિન ધારકો સાથે તાબડતોબ એક બેઠક યોજાઈ હતી. જેમાં કેબિન ધારકો દ્વારા કેબિનના બદલામાં અન્ય જગ્યા અને સામાન ખાલી કરવા સમયની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ઈ.ચા. ચીફ ઓફીસર દ્વારા ૨૫ જેટલા કેબિન ધારકોને અહીયાંથી માલસામાન ખાલી કરવા ૧૫ દિવસનો સમય આપ્યો હોવાનું બેઠકમાં નક્કી થયું હતુ. ઉપરાંત આ ૨૫ દુકાનદારોને એ જ સ્થળે પરંતુ લગભગ દસ થી બાર ફૂટ પાછળ ખસી જઈ દરેકને એકસરખા ક્ષેત્રફળની જગ્યા આપવાની બાંહેધરી ઈ.ચા. ચીફ ઓફિસરે આપી હતી.