Gujarat

1લી એપ્રિલે મનપા-પંચાયતોની ચૂંટણીની જાહેરાતની શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગમે તે ક્ષણે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ દરમિયાન વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફારો કરીને સરકારે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાનની મુલાકાત અને ત્યારબાદ તુરંત જ ચૂંટણીની જાહેરાતની સંભાવનાને પગલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષોએ પોતાના સંગઠનને સક્રિય કરી દીધું છે. ખાસ કરીને નવી બનેલી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પ્રથમ વખત યોજાનારી આ ચૂંટણીઓ પર સૌની નજર ટકેલી છે

પોલીસ બેડામાં મોટો ઉલટફેર: 254 PSIને બઢતી
ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.
બઢતી સાથે બદલી: રાજ્યના 254 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી આપીને નવા સ્થાને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
PIની બદલી: આ ઉપરાંત, 518 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની પણ આંતરિક બદલીઓના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.
આગામી ફેરફાર : સૂત્રોના જણાવ્યા અનુસાર, 31મી માર્ચ પહેલા અનેક DYSP અને જરૂર જણાયે IPS અધિકારીઓની પણ બદલીના ગંજીપો ચીપાઈ શકે છે.

1લી એપ્રિલે જાહેરાત, એપ્રિલના અંતમાં મતદાન?
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે 1લી એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી આયોગ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. જો આ મુજબ જાહેરાત થાય, તો એપ્રિલ મહિનાના અંત ભાગમાં મતદાન યોજાઈ શકે છે.

ચૂંટણીના આંકડા અને વ્યાપ
તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલી પ્રાથમિક મતદાર યાદી મુજબ, આ ચૂંટણીઓમાં કુલ 2.74 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી જંગમાં નીચે મુજબની સંસ્થાઓનો સમાવેશ થાય છે:
15 મહાનગરપાલિકા
84 નગરપાલિકાઓ (સાથે 11 નગરપાલિકાની 13 બેઠકોની પેટાચૂંટણી)
34 જિલ્લા પંચાયત
260 તાલુકા પંચાયત

Most Popular

To Top