Business

દાઉદી વોહરા સમાજના નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં, હાઈકોર્ટે ઉત્તરાધિકાર વિવાદને લઈ સંભળાવ્યો આ નિર્ણય

મુંબઈ, સુરત: (Mumbai, Surat) મુંબઈ હાઇકોર્ટે (High Court) દાઉદી વોહરા સમુદાયના નેતા તરીકે સૈયદના મુફદદલ સૈફુદ્દીનના પદને સમર્થન આપ્યું છે. ચુકાદાથી સમુદાયના નેતૃત્વને લઈને દાયકાઓથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. હાઇકોર્ટે તેમના ભત્રીજા તાહેર ફખરુદ્દીનના દાવાને ફગાવી દીધો છે.

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે દાઉદી બોહરા સમુદાયના નેતા તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પદને સમર્થન આપ્યું હતું, જ્યારે તેમના ભત્રીજા તાહેર ફખરુદ્દીનના દાવાને ફગાવી દીધો હતો. ફખરુદ્દીને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના દાઉદી વોહરા સમુદાયના 53 મા ધાર્મિક નેતા અથવા ‘દાઈ-અલ-મુતલક’ તરીકેના પદને પડકારતો દાવો દાખલ કર્યો હતો. ન્યાયાધીશ ગૌતમ પટેલે કહ્યું હતું કે અમારે કોઈ ઉથલપાથલ જોઈતી નથી. મેં ચુકાદો શક્ય તેટલો તટસ્થ રાખ્યો છે. મેં માત્ર પુરાવાના મુદ્દા પર નિર્ણય લીધો છે, વિશ્વાસ પર નહીં. દાઉદી વોહરા સમુદાયે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ઐતિહાસિક અને સમુદાય માટે નિર્ણાયક ક્ષણ છે.

દાઉદી વોહરા સમુદાયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચુકાદાએ દાઉદી વોહરા આસ્થાના તથ્યો અને ધાર્મિક સિદ્ધાંતોના વાદીઓ દ્વારા કરવામાં આવેલા ખોટા અર્થઘટન અને ભ્રામક ચિત્રણનો નિશ્ચિતપણે સામનો કર્યો છે અને તેને ફગાવી દીધો છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે હંમેશા ન્યાયતંત્રમાં માનતા અને પૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ, જેણે સૈયદના અને દાઉદી વોહરા સમુદાયની વર્ષો જૂની માન્યતાઓ, રિવાજો, પ્રથાઓ અને સિદ્ધાંતોને વારંવાર સમર્થન આપ્યું છે.

આ વિવાદ મુંબઈમાં શિયા મુસ્લિમ સમુદાયના નેતૃત્વ પર કેન્દ્રિત છે જેમાં આધ્યાત્મિક વડા દાઈ અલ-મુતલકના પદ માટે બે દાવેદારો સ્પર્ધા કરી રહ્યા છે. જાન્યુઆરી 2014 માં 52મા દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના મૃત્યુ પછી કાકા-ભત્રીજા વિવાદ ઉભો થયા પછી ઉત્તરાધિકાર અંગેની કાનૂની લડાઈ શરૂ થઈ હતી. દાઈના મૃત્યુ પછી તરત જ તેમના ભાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીને સ્વર્ગસ્થ નેતાના પુત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને ઉત્તરાધિકાર અંગેની ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને પ્રતિસાદ આપ્યો ન હતો અને સમુદાયના 53 મા દાઈ તરીકે પોતાની જાતને અભિષિક્ત કરી હતી, જેના કારણે લાંબા સમયથી કાનૂની લડાઈ ચાલતી હતી.

દાયકા લાંબી કાનૂની લડાઈ ચાલી
ખુઝૈમા કુત્બુદ્દીને એપ્રિલ 2014માં 1965માં મૃતક નેતા દ્વારા ગુપ્ત નાસ (અધિકારી પ્રદાન) ના આધારે તેમને સમુદાયના નેતા તરીકે જાહેર કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના ભાઈ 52મા દાઈએ તેમને શરૂઆતમાં તેને ગુપ્ત રાખવા કહ્યું હતું અને બાદમાં સૈયદના બુરહાનુદ્દીન દ્વારા વફાદારીની શપથ (મિસાક) લેવામાં આવી હતી. જેમણે કુતુબુદ્દીનને નેતા તરીકે ઘોષિત કર્યા હતા અને તે તેમના પદમાં પણ સમકક્ષ હતા. જોકે ટ્રાયલ દરમિયાન કુતુબુદ્દીનનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમના પુત્ર સૈયદના તાહેર ફખરુદ્દીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પિતાની જગ્યાએ દાવો દાખલ કરવાની માંગ કરી હતી. ફખરુદ્દીને દાવો કર્યો હતો કે તેમને તેમના પિતા દ્વારા નાસ આપવામાં આવ્યો હતો અને તેમણે 54 માં દાઈ હોવાનો દાવો કર્યો હતો. પ્રતિવાદી સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન તરફે દલીલ હતી કે 1965નો નાસ કુતુબુદ્દીન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તે સાક્ષીઓ વગરનો હતો અને તેથી તેને સ્વીકારી શકાય તેમ નથી. સૈફુદ્દીનના વકીલોએ એવી પણ રજૂઆત કરી હતી કે દાઉદી વોહરા ધર્મના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ નાસ બદલી શકાય છે અને ભૂતકાળમાં દાખલાઓ પણ રજૂ કરી શકાય છે.

ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ 2014 થી ઘોષણાત્મક દાવા પર સુનાવણી કરી રહ્યા છે અને અંતિમ સુનાવણી 30 નવેમ્બર 2022 ના રોજ શરૂ થઈ હતી. આ કેસના કેન્દ્રીય પ્રશ્નોમાંનો એક નાસની વિભાવનાની આસપાસ ફરતો હોવાથી ચુકાદામાં દાઉદી વોહરા સમુદાયમાં નોંધપાત્ર ધાર્મિક અને કાનૂની અસરો હશે. જણાવી દઈએ કે દાઉદી વોહરા શિયા ઈસ્લામમાં એક ધાર્મિક સંપ્રદાય છે. તેઓની સંખ્યા વિશ્વભરમાં આશરે 10 લાખ છે અને તેઓ વિશ્વના 40 થી વધુ દેશોમાં સ્થાયી થયા છે જેમાં મોટા ભાગનો સમુદાય ભારતમાં રહે છે.

Most Popular

To Top