હવામાન વિભાગે આજે એટલે કે 9મી જુલાઈએ મુંબઈ (Mumbai) અને પુણેમાં હાઈ ટાઈડ અને ભારે વરસાદ (Rain) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે મુંબઈ અને પુણેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને એર સર્વિસને ખરાબ અસર થઈ છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે મુંબઈ અને પુણેની તમામ શાળાઓમાં 9મી જુલાઈએ રજા જાહેર કરી હતી.
મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવાર 9 જુલાઈ માટે મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે અને સાતારામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ 12 જુલાઈ સુધી મુંબઈમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. વરસાદને કારણે હવાઈ, રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં અહીં ભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદની આગાહીને કારણે મુંબઈ યુનિવર્સિટીમાં 9 જુલાઈએ નિર્ધારિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ શાળા-કોલેજો પણ બંધ છે. પુણે, રાયગઢ અને નવી મુંબઈમાં પણ શાળાઓને બંધ જાહેર કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. BMCએ લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. રવિવારે (7 જુલાઈ) સવારે 1 વાગ્યાથી સોમવારે (8 જુલાઈ) સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જોશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે પર પહાડનો ટુકડો પડી ગયો. જેના કારણે હાઇવે બંધ કરવો પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
હવામાન વિભાગે આજે 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, ગોવા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત – 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે.
ચારધામ યાત્રા ફરી શરૂ
સોમવારે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં સતત વરસાદ પડ્યો હતો, જેના કારણે કુમાઉ ક્ષેત્રમાં નદીઓમાં પૂર આવ્યું હતું. જેના કારણે ગામ તરફ જતા સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લાના ઘણા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદની આગાહીના કારણે રવિવારે બંધ કરાયેલી ચારધામ યાત્રા સોમવારે ફરી શરૂ થઈ હતી. ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયા હતા.