National

મુંબઈમાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદઃ 50 ફ્લાઈટ, 5 ટ્રેનો રદ, IMDનું દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

મુંબઈમાં (Mumbai) રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં 300 મિમીથી વધુ એટલેકે 12 ઇંચ જેટલો વરસાદ (Rain) નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. બપોરે 2.22 વાગ્યાથી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી 50 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.

મુંબઈ એરપોર્ટ પરથી જે ફ્લાઈટ કેન્સલ થઈ છે તેમાંથી 42 ફ્લાઈટ્સ ઈન્ડિગોની છે, 6 ફ્લાઈટ્સ એર ઈન્ડિયાની છે અને 2 ફ્લાઈટ્સ અન્ય એરલાઈન્સની છે. રેલ્વેએ જણાવ્યું કે પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે. મુંબઈમાં BMCએ આજે ​​સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી હતી.

બીજી તરફ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં સોમવારે સવારે 3 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કિલ્લાની સીડીઓ પર પાણી તેજ ગતિએ વહી રહ્યું હતું. ઘણા પ્રવાસીઓ કિલ્લાની ઉપર ફસાયેલા છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ લોકોને જરૂર પડે ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે.

BMC અધિકારીઓએ કહ્યું કે અધિકારીઓ પાણી ભરાઈ જવાની સ્થિતિને કાબૂમાં લેવા મેદાનમાં છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. બીએમસીએ મુંબઈના લોકોને એક એડવાઈઝરી જારી કરી છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ એકદમ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. પર્યાવરણ કાર્યકરોએ પાણી ભરાવા માટે મુંબઈ મેટ્રોના નિર્માણને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે આખા શહેરમાં કોંક્રીટના બાંધકામોને કારણે જમીન પાણીને શોષી શકતી નથી. રસ્તાઓ પણ સિમેન્ટના બનેલા છે અને ગટરની વ્યવસ્થા પણ અંગ્રેજોના જમાનાની છે.

ભારે વરસાદને લઈને સીએમ શિંદેએ કહ્યું કે મુંબઈમાં સર્વત્ર ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રોડ પણ જામ છે અને રેલ્વે લાઇન પરના વ્યવહારને પણ અસર થઇ છે. રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેક પરથી પાણી હટાવવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં વાહન વ્યવહાર સામાન્ય થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ હવામાન વિભાગે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભૂસ્ખલન અને કેટલાક ધોવાણને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ પછી ચાર ધામ યાત્રા રોકી દેવામાં આવી હતી. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. ગંગા સહિત છ નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે.

Most Popular

To Top