મુંબઇ (Mumbai): ધર્મ કરતા ધાડ પડી એ કહેવત ભલે હોય પરંતુ એવી એક ઘટના મુંબઇના એક દંપતી સાથે ઘટી છે. મલાડમાં રહેતા એક દંપતીએ કોરોનાના સમયમાં માનવતા દાખવતા એક ઘર અને કામ વગરની 23 વર્ષીય યુવતીને તેમના ઘરમાં આશરો આપ્યો હતો. આ દંપતીએ યુવતીને એવા સમયે મદદ કરી હતી જ્યારે તેની પાસે રહેવા માટે ઘર અને ખાવા માટે રૂપિયા નહોતા. પણ આ દંપતીને તેમની માનવતા મોંઘી પડી હતી.
હકીકતમાં મુંબઇના મલાડમાં રહેતા અશોક રાઠોડની જે કોમ્પ્લેક્ષમાં દુકાન છે ત્યાંની જ બિલ્ડીંગમાં કામ કરતી 23 વર્ષીય સપના નાયક તેમની દુકાનમાં આવતી જતી હતી. થોડા દિવસ પહેલા સપના અશોક રાઠોડની દુકાને જઇ રડવા લાગી અને તેણે કહ્યુ કે તે જે ઘરમાં કામ કરે છે, ત્યાં તેની સાથ ર્દુવ્યવહાર થાય છે અને તેણે નોકરી છોડવાનું નક્કી કર્યુ છે. તે રડવા લાગી આ જોઇ અશોક રાઠોડને દયા આવી અને તેમણે પોતાની પત્ની સાથે વાતચીત કરી. પૂજા અને અશોકને સપના પર દયા આવી અને તેઓ 5 જાન્યુઆરીએ સપનાને પોતાના ધરે લઇ આવ્યા.
સપના પૂજા રાઠોડને ઘરના કામોમાં મદદ કરતી અને આ દંપતીના બે બાળકો સાથે રમતી. 6 જાન્યુઆરીએ સપનાએ એ જ લોકોને દગો આપ્યો જેમણે તેને આશ્રય આપ્યો હતો. તે અશોક અને પૂજા રાઠોડના નવજાત બાળકને લઇ ભાગી ગઇ. પરિવારે તાત્કાલિક FIR દાખલ કરાવી. અને મુંબઇ પોલીસે 48 કલાકની અંદર તેની ધરપકડ કરી અશોક અને પૂજા રાઠોડના નવજાત બાળકને તેમને સલામત સોંપ્યુ હતુ.
સપના નાયક મૂળ ઓડિશાની છે. અને તેને બાળક નથી થતા. વર્ષોથી બાળક માટે પ્રયાસ કરતી સપનાને તેના સાસરિયા તરફથી બાળક માટે એ હદે દબાણ હતુ કે તેને કહેવામાં આવ્યુ હતુ કે જો તે બાળક નહીં લાવે તો તેને ઓડિશા નહીં આવા દે. આ દબાણ હેઠળ સપનાએ મલાડની દંપતીનું બાળક ચોર્યુ અને તે ઓડિશા માટે રવાના જ થવાની હતી પણ ટ્રેનનું બૂકિંગ ન મળતા છેક થાણા પહોંચી ગઇ હતી અને ત્યાં હિરાનંદાનીમાં અન્ય એક દંપતી પાસે રહેવા માટે આશ્રય માંગ્યો હતો. જ્યાંથી પોલીસે તેને પકડી પાડી હતી.